________________
ઉપદેશમાળા તેઓને પગે લાગ્યો અને શુદ્ધ અન્ન વહોરાવ્યું. તેના મનમાં ઘણો આનંદ થયો, તેમજ પોતાને ઘન્ય માનવા લાગ્યો કે “અહો! આ અવસરે મને સાધુનાં દર્શન થયાં અને તેમની ભક્તિ પણ થઈ.” તેના માહાભ્યથી ચિંતામણિ યક્ષ પ્રત્યક્ષ થયો ને બોલ્યો કે “હે વત્સ! તારું સત્ત્વ જોઈ હું સંતુષ્ટ થયો છું માટે તું વરદાન માગ.” રણસિંહે કહ્યું કે “હે સ્વામી! આપનાં દર્શન થયાં તેથી મને તો નવનિથિ પ્રાપ્ત થઈ છે, માટે મને કાંઈ ન્યૂનતા નથી.” ત્યારે યક્ષે કહ્યું કે “દેવદર્શન મિથ્યા થતું નથી, તેથી કાંઈક તો માગ.' ત્યારે તેણે કહ્યું કે “મને રાજ્ય આપો.” યક્ષે કહ્યું કે “આજથી સાતમે દિવસે તને રાજ્યપ્રાપ્તિ થશે, પણ તારે કનકપુર નગરમાં, કનકશેખર રાજાની રાણી કનકમાળાની પુત્રી કનકવતીનો સ્વયંવર થશે ત્યાં, જરૂર જવું, હું તને ત્યાં આશ્ચર્ય બતાવીશ તે તું જોજે. વળી હવે પછી જિંદગી સુધી તારે કંઈ પણ કામ આવી પડે, તો મારું સ્મરણ કરવું. આ પ્રમાણે કહી યક્ષ અદ્રશ્ય થયો.
હવે રણસિંહ બે નાના બળદને હળે જોડી, તેના ઉપર બેસીને કનકપુર આવ્યો. ત્યાં અનેક રાજકુમારો પ્રથમથી આવેલ હતા. રણસિંહ જરા દૂર ઊભો રહ્યો. તે અવસરે જેણે નૂપુર તથા કંકણ ઘારણ કર્યા છે અને ઘણી ચેટીઓથી જે પરિવૃત્ત થયેલી છે એવી કનકવતી સ્વયંવરમંડપમાં આવી. પછી બન્ને બાજુએ બેઠેલા રાજાઓને જોતી જોતી, તેઓને નહીં પસંદ કરતી, જ્યાં રણસિંહકુમાર હળ છોડીને ખેડૂતના વેષમાં ઊભો હતો ત્યાં તે ગઈ, અને તેના કંઠમાં વરમાળા આરોપી. તે જોઈને સર્વના મનમાં એક સાથે ક્રોઘ ઉત્પન્ન થયો. તેઓ કનકશખરને ઠપકો આપવા લાગ્યા કે “હે રાજન! જો તારી ઇચ્છા ખેડૂતને પુત્રી આપવાની હતી, તો અમને બોલાવી શા માટે અમારું અપમાન કર્યું?” કનકશેખરે કહ્યું કે તેમાં મારો કાંઈ અપરાધ નથી. કારણકે મારી પુત્રીએ તેની ઇચ્છાનુસાર વર પસંદ કર્યો, તેમાં અયોગ્ય શું કર્યું છે?” એ પ્રમાણે સાંભળીને સર્વ કોપાયમાન થયા અને લાલચોળ થઈ, આયુઘ ઘારણ કરી રણસિંહને ઘેરી લીઘો, અને બોલ્યા કે હે રક! તું કોણ છે? તારું કુળ કયું છે?” રણસિંહે કહ્યું કે “હાલ કુળ કહેવાનો અવકાશ નથી, અને કદી હું કહીશ તોપણ તમને વિશ્વાસ આવશે નહીં, માટે યુદ્ધ કરવાથી જ મારા કુળની પરીક્ષા થશે.” એ પ્રમાણે સાંભળીને બઘા યુદ્ધ કરવા સજ્જ થયા. રણસિંહ પણ હળ ઉપાડીને સામે ઘસ્યો. પરસ્પર યુદ્ધ થતાં દેવપ્રભાવવડે હળના પ્રહારથી સર્વ રાજાઓ જર્જરીભૂત થઈને નાસી ગયા. તે જોઈને ચમત્કાર પામેલા કનકશેખરે રણસિંહ કુમારને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિન્! આપે મોટું આશ્ચર્ય બતાવ્યું છે તો હવે તમારું રૂપ પણ પ્રગટ કરો. તે વખતે યક્ષે પ્રત્યક્ષ થઈને રણસિંહ કુમારનું સર્વ ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળીને કનકશેખર અતિ હર્ષિત થયો અને ઘણી ઘામધૂમથી પોતાની પુત્રીનો વિવાહ કર્યો. બીજા સર્વ રાજાઓનું પણ પહેરામણી આપવા વડે સન્માન ક્યું. પછી તેઓ પોતપોતાના દેશમાં ગયા.