________________
શ્રમણધર્મ ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-રજો
પ્રકાશનના પ્રસંગે કદારોની વાત
વિક્રમના અઢારમા સૈકાના પ્રારંભે તપાગચ્છના વાચકવર્યશ્રી માનવિજયજી મહારાજે ધર્મસંગ્રહ નામનો યથાર્થનામાં ગ્રંથ રચ્યો. આગમપંચાંગી, યોગ, અધ્યાત્મ, આચાર-ક્રિયા, વિધિવિધાન અને સામાચારી ગ્રંથોનું ગહન-દોહન કરી એઓશ્રીએ શ્રાવક ધર્મ અને સાધુધર્મ એમ બંને પ્રકારના ધર્મ સંબંધી ઉપયોગી તમામ બાબતોનો સંગ્રહ કર્યો, તેનું જ નામ છે ધર્મસંગ્રહ. . .
ગ્રંથ મોટો છે, પરંતુ જૈન ધર્મના લોકોત્તર આચારમાર્ગને સમજાવવા માટે એનો કોઈ જોટો નથી. વર્તમાન તપાગચ્છીય સિદ્ધાંતો અને સામાચારીની વિશુદ્ધતા માટે પ્રામાણિક આધાર બને એવો આ ગ્રંથ છે. એકની એક વાત રજૂ કરવી હોય તો પણ તે માટે અલગ અલગ ગ્રંથોની ઢગલાબંધ ઉક્તિઓ અને 'બુદ્ધિગમ્ય યુક્તિઓ રજૂ કરવામાં આવી છે. વિદ્વાનોને એમાં કદાચ પુનરુક્તિ લાગે પણ જનસમાજની પ્રમાદાભિમુખતા જોતાં આ પદ્ધતિ સુયોગ્ય છે, એમ જણાયા વિના નહિ રહે. એક જ વાત અલગ અલગ ગ્રંથકારોના શબ્દો-શૈલીમાં એકત્ર વર્ણવાય ત્યારે અલ્પબોધવાળા જીવોને વધારે વિશ્વાસપાત્ર બને અને ફરી ફરી એક જ વાત કહેવાઈ હોવાથી સહજ સમજાઈ જાય. આ ગ્રંથની પ્રસ્તુત શૈલી જોતાં ગ્રંથકારશ્રીજીની મનોવિજ્ઞાન ક્ષમતાને અભિનંદવાનું મન થઈ જાય.
આ ગ્રંથનું સંશોધન દ્રવ્યસપ્તતિકા' ગ્રંથના સર્જક મહોપાધ્યાયશ્રી લાવણ્યવિજયજી મહારાજે કરેલ છે. તેઓ તત્સમયના સમર્થ વિદ્વાન, આગમજ્ઞ, સાહિત્યનિષ્ણાત મહાત્મા હતા. ખુદ આચાર્યશ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજે તેમને વાચકપદ આપેલ. તદુપરાંત સર્વકાલીન વિદ્વપ્રવર મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે પણ આ ગ્રંથ જોઈ આપવા મહતી કૃપા કરી છે. તેઓશ્રીની ગીતાર્થ દૃષ્ટિથી પવિત્ર બનેલા આ ગ્રંથની અધિકૃતતા તેઓશ્રીએ કરેલા ટિપ્પણો દ્વારા પ્રમાણિત થાય છે.
પ્રસ્તુત ગ્રંથના પૂર્વાદ્ધમાં શ્રાવક ધર્મની અને ઉત્તરાર્ધમાં સાધુધર્મની વાત કરાયેલ છે. એ બંને ભાગોનું ગુજરાતી ભાષાંતર વર્ષો પૂર્વે પૂ. બાપજી મહારાજાના સમુદાયના વિદ્વાન પૂ. આ. શ્રી વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજે કરેલ. ત્યારબાદ સંક્ષેપરુચિ જીવોને પણ બોધ થાય એ માટે તેઓએ જ એ ગ્રંથનો સારોદ્ધાર તૈયાર કરેલ. શ્રાવક ધર્મને લગતો સારોદ્ધાર તૈયાર થઈ છપાઈ ગયેલ.