________________
વિકાસ થાય અને જગતમાં જૈન શાસનનું સર્વોચ્ચપણું પ્રકાશિત રહે, એ આશય સેવ્યો છે. ધર્મ તો તેના સ્વરૂપે નિર્મળ જ છે, શાસન પણ તેના સ્થાપક શ્રી તીર્થંકર દેવો અને સંચાલકો ત્યાગી-વિરાગી શ્રમણો હોવાથી પવિત્ર છે, દોષિત હતું નહિ, છે નહિ અને થશે નહિ. તો પણ તેના આરાધકોની શુદ્ધ-અશુદ્ધિના કારણે જગત ધર્મને અને શાસનને પણ સદોષ-નિર્દોષ માને છે, તેવો તેવો ઉપચાર કરીને પક્ષપ્રતિપક્ષ કરે છે. એ કારણે સર્વ આત્માર્થી જીવોનું કર્તવ્ય છે કે જે ધર્મને પોતે આરાધે છે, જેનાથી સુખ પ્રાપ્ત કરવાનું છે. આ લોક-પરલોકમાં જે પરમ આધારભૂત અને જગતના જીવ માત્રનું કલ્યાણકારક છે, તે જૈનધર્મ અને શાસન જગતમાં સર્વદા પવિત્ર અને પરમોપકારી તરીકે પ્રસિદ્ધ રહે અને ભવ્ય જીવો તેને આરાધવા માટે ઉઘત બને તે રીતે સામાચારીની નિર્મળ-નિર્દોષ આરાધના કરવી જોઈએ.'
ભાષાંતરની ક્લિષ્ટતા-આ ગ્રંથનું શુદ્ધ ભાષાંતર કરવું એ મારા જેવા અલ્પ બોધવાળાને માટે કઠીન ગણાય. અનુભવ વિના ન સમજાય તેવી અનેક બાબતો તેમાં છે. તેને અંગે સંયોગને અનુસાર જેની પાસેથી જેટલું સમજવું શક્ય બન્યું તે સમજવા પ્રયત્ન કર્યો છે, તો પણ અનેક બાબતોનો ઉકેલ મારી બુદ્ધિથી અધુરો જ રહ્યો છે, માત્ર શબ્દાર્થ કરીને જ સંતોષ માનવો પડ્યો છે, શક્યતા પ્રમાણે પૂછવા છતાં કેટલીક બાબતોમાં હદયંગમ સમાધાન મળી શક્યું નથી. સંભવ છે કે કોઈ ક્ષતિઓ પણ રહી ગઈ હોય ! માટે વાચકો તે તે બાબતોને ગીતાર્થોનો આશ્રય લઈને યથાસ્વરૂપ સમજી લેશે, એવી આશા રાખું છું.
ભાષાંતરમાં પ્રેરણા-વિ.સં. ૨૦૦૫ માં શરૂ કરેલું આ કાર્ય આજે દશ વર્ષે બન્ને ભાગના પ્રકાશરૂપે પૂર્ણ થાય છે, એનો એક આનંદ અનુભવું છું. તેથીય વિશેષ આનંદ તો પૂ. પરમ ઉપકારી મારા દાદા ગુરુદેવ સ્વ. આચાર્ય મહારાજ શ્રી વિજય મેઘસૂરિશ્વરજીના ઉપકારને યાદ કરીને અનુભવું છું. તેઓશ્રીએ દીક્ષા આપ્યા પછી પ્રથમ સંયોગે જ મને ઓઘ સામાચારીનો ટુંકો પ્રાથમિક બોધ આ ગ્રંથના આધારે જ કરાવ્યો હતો. તે વખતથી જ આ ગ્રંથની મહત્તાનું બીજ તેઓશ્રીએ મારા હૃદયમાં રોપ્યું હતું. દુ:શક્ય છતાં સ્વ. સુશ્રાવક મયાભાઈ સાંકળચંદની આ ગ્રંથનું ભાષાન્તર કરી આપવાની માગણીને સ્વીકારવાની ઈચ્છા પણ એ બીજમાંથી જ ઉદ્દભવી હતી. એ કાર્ય આજે પૂર્ણ થાય છે, ત્યારે જાણે પરોક્ષ રીતે તે પૂ. ગુરુદેવે મને આપેલી ગુપ્ત પ્રેરણાનો જ આ પ્રભાવ હોય એમ લાગે છે.