________________
પચ્ચક્ખાણ પારવાના સૂત્રો
સૂત્ર પરિચય :
આહાર સંજ્ઞાને તોડવાના ભાવથી સાધક નવકારશી આદિનું પચ્ચક્ખાણ કરે છે. પચ્ચક્ખાણની સમય મર્યાદા પૂરી થયા પછી સાધકને જ્યારે લાગે કે હવે આહાર-પાણી લીધા વિના હું આગળ યોગ્ય રીતે સાધના નહિ કરી શકું અથવા તો અનાદિકાલીન કુસંસ્કારોના કા૨ણે આહારાની ઈચ્છા પુનઃ સતાવવા લાગે ત્યારે તે પચ્ચક્ખાણ પારવાની એક વિશિષ્ટ ક્રિયા કરે છે.
૧. સૌ પ્રથમ તે શુદ્ધિ માટે ઇરિયાવહિયંનું પ્રતિક્રમણ કરે છે.
૨. ત્યારપછી, ગુરુભગવંત પાસે આદેશ માંગી; મંગલ માટે અણાહારીભાવને અત્યંત અભિમુખ બનેલા અરિહંત ભગવંતો, કેવલી ભગવંતો તથા સાધુભગવંતો આદિને પ્રણામ કરવા જગચિંતામણિ સૂત્રથી જયવીયરાય સુધીના સૂત્રો બોલી ચૈત્યવંદન કરે છે.
૩. ત્યારપછી આહારસંશાને આધીન ન થવાના પોતાના શુભ ભાવને ટકાવી રાખવા સાધક ગુરુભગવંતને એક ખમાસમણ આપી, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ?' નો આદેશ માંગી, ગુરુની આજ્ઞા મેળવી સ્વાધ્યાયમાં સ્થિર થવા યત્ન કરે છે. સ્વાધ્યાયના પ્રતીકરૂપે શ્રાવક નવકાર કહી ‘મન્નહ જિણાણં’ની સજ્ઝાય કહે છે. જેમાં તે પોતાના કર્તવ્યનું સ્મરણ કરે છે. શ્રમણ ભગવંતો ‘ધમ્મો મંગલમુક્કિડં’ આદિ ૫ ગાથાઓ બોલી પોતાની જીવનવૃત્તિનું સ્મરણ કરે છે.