________________
ઉપસંહારની ધર્મારાધના
૨૫૩
આ ગાથાના આધારે એટલું ચોક્કસ વિચારી શકાય તેવું છે કે પ્રતિક્રમણ માત્ર વ્રતધારી શ્રાવક માટે જ નથી, પરંતુ ભિન્ન ભિન્ન કક્ષાના તમામ સાધકો માટે આ ક્રિયા છે. આ કારણથી સર્વસંગના ત્યાગી સાધુ-સાધ્વીજી ભગવંતો, દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકાઓ, સમ્યગદર્શનને વરેલા મનુષ્યો કે પ્રાથમિક કક્ષાના આરાધકોએ પણ પ્રતિક્રમણની આ ક્રિયા કરવાની છે; કેમ કે દરેકના જીવનમાં આ ગાથામાં બતાવેલા ચાર પૈકીનો કોઈને કોઈ દોષ થવાની સંભાવના છે. આ દોષોને કારણે આત્મા પાપથી મલિન થાય છે, તેની પરિણતિ બગડે છે, અને તેના કારણે આત્માનું ભવભ્રમણ વધે છે. આ ન બને તે માટે આ ચાર પૈકીના કોઈ પણ દોષાચરણથી આત્મા મલિન થયો હોય, તો તેની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ; અને કદાચ દેખીતી રીતે એ દોષો ન થયા હોય, તો પણ ભવિષ્યમાં એ દોષો થવામાં કારણભૂત આત્મામાં પડેલા કુસંસ્કારોના શોધન માટે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ.
આ ગાથા બોલતાં સાધક વિચારે કે
“મારે મારી દષ્ટિને સૂક્ષ્મ કરી, મનને એકાગ્ર કરી, મારી સમગ્ર દિનચર્યાનું તથા રાત્રિચર્યાનું અવલોકન કરવું જોઈએ. દિવસ કે રાત્રિ દરમ્યાન આ ચાર પૈકી કયા કયા દોષોનું મારાથી સેવન થયું ? કયા સંજોગોમાં થયું ? અને કેવા પ્રકારે થયું ?.. આ દોષોનું પુનઃ પુનઃ સેવન ન થાય તે માટે મારે તે દોષો તરફ ધૃણા કે તિરસ્કારભાવ પ્રગટાવવો જોઈએ. આ દોષોના સેવનથી આત્માનું અહિત, તીવ્રકર્મનો બંધ અને ભવની પરંપરાની વૃદ્ધિનો વિચાર કરી, આવા દોષોથી પાછા વળવા પ્રયત્ન કરવો જોઈએ.” અવતરણિકા :
સંસારના સમગ્ર વ્યવહારો હિંસાથી ચાલે છે. હિંસાથી વૈરભાવનો પ્રવાહ ચાલે છે. તેનાથી સ્વ-પરની શાંતિ નંદવાય છે. સૌની શાંતિને ઇચ્છતો શ્રાવક આ સૂત્ર દ્વારા પોતે કરેલાં સર્વ પ્રકારનાં પાપોનું પ્રતિક્રમણ કરીને અંતે સર્વ જીવો પ્રત્યે મૈત્રીનો પરિણામ અને ક્ષમાભાવ વિકસાવવા અર્થે કહે છે –
ગાથા :
खामेमि सव्वजीवे, सब्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूएसु, वे मज्झ न केणई ।।४९।।