________________
સ્વભાવ ભણી ચલાવી શકાય. જો કે આ કાર્ય સહેલું નથી. જેમ સોયમાં દોરો પરોવવાની સામાન્ય ક્રિયા કરવા માટે સોય, દોરો અને હાથ ત્રણેને સ્થિર કરવા પડે અને પછી મન અને ચક્ષુને એકાગ્ર કરાય તો દોરો સોયમાં પરોવી શકાય છે. તેમ સુંદર પ્રતિક્રમણનો અનુભવ કરવા માટે પહેલા તો જ્યાં ત્યાં ભટકતા ચિત્તને સૂત્ર, તેના અર્થ, તેની સંવેદના વગેરેમાં સ્થિર કરવું પડે, સમજ અને શ્રદ્ધાને મજબૂત કરવા પડે, હૃદયને સંવેગના ભાવોથી ભાવિત કરવું પડે અને પછી ઉપયોગપૂર્વક અને વિધિ અનુસાર પ્રતિક્રમણ કરવામાં આવે તો આત્મા આપોઆપ બાહ્યભાવોથી પાછો વળે છે આત્મભાવમાં સ્થિર થાય છે અને આત્મિક આનંદ માણી શકે છે.'
આ વિષમ કાળમાં પણ આત્મિક સુખને માણવા માટેના આવા સુંદર સાધનો આપણને પ્રાપ્ત થયા છે, તેમાં સૌથી મોટો ઉપકાર અરિહંત પરમાત્માનો છે.
પરમ કૃપાળુ પરમાત્માની વાણીને ગણધર ભગવંતોએ સૂત્રબદ્ધ કરી. શ્રુતધરોની ઉજળી પરંપરા દ્વારા આ સૂત્રો તો આપણને પ્રાપ્ત થયાં, પરંતુ તેના એક-એક શબ્દ પાછળ છુપાયેલા ઊંડા ભાવો સુધી પહોંચવાનું કામ સહેલું ન હતું. આ સૂત્રો ઉપર સંસ્કૃત ભાષામાં રચાયેલ અનેક ટીકા ગ્રંથોના સહારે આ ભાવોને પામવા અને અનેક જિજ્ઞાસુઓને તે ભાવ સુધી પહોંચાડવા આ પુસ્તકના માધ્યમે મેં યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. તેમ કરવામાં મને નામી-અનામી અનેક લોકોનો સહકાર મળ્યો છે. આ અવસરે તે સર્વના ઉપકારોની સ્મૃતિ તાજી થાય છે. - સૌ પ્રથમ ઉપકાર તો ગણધર ભગવંતોનો કે જેમણે આપણા જેવા અલ્પમતિ જીવો માટે ગૂઢ રહસ્યોથી ભરેલા સૂત્રો બનાવ્યા. ત્યાર પછીનો ઉપકાર છે પૂર્વાચાર્યોનો કે જેમણે આ સૂત્રોના રહસ્યો સુધી પહોંચવા તેના ઉપર અનેક ટીકા ગ્રંથો બનાવ્યા. આ થઈ પરોક્ષ ઉપકારની વાત, પ્રત્યક્ષ ઉપકારમાં સૌથી પ્રથમ ઉપકાર છે ધર્મપિતા તુલ્ય (સંસારી પક્ષે મારા મામા) વર્ધમાન તપોનિધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો જેમણે મને ધર્મના માર્ગે વાળી અને વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ભેટો કરાવ્યો. તેઓશ્રીનો સુયોગ સાંપડતા મારા જીવનમાં વૈરાગ્યના અંકુર ફૂટયા અને સંસારનો ત્યાગ કરી હું સંયમ માટે સજ્જ બની. અહીં સુધી પહોંચાડનાર તે મહાપુરુષોના ઉપકારને તો હું ક્યારેય ભૂલી શકું તેમ નથી.
પત્થર પર ટાંકણા મારી શિલ્પિ જેમ અનેક સ્થાપત્યો તૈયાર કરે છે, તેમ ટકોરના ટાંકણાથી મારા જીવનને ઘડવાનું કાર્ય મારા પરમોપકારી ગુરુદેવ પ.પૂ. ચંદ્રાનનાશ્રીજી મ.સા. એ કર્યું. તેમણે સંયમ જીવન જીવતાં તો શીખવાડ્યું જ,