________________
અઢાર પાપસ્થાનક સૂત્ર
૧૪૩
તપસ્વી અગ્નિશર્માને પારણા માટેનું આમંત્રણ આપ્યા પછી પણ સતત બે વાર તેમના પારણાનો દિવસ ભૂલી જાય છે. આ બન્ને વાર તો અગ્નિશર્મા શાંત રહે છે, પરંતુ ત્રીજી વાર પણ જ્યારે ગુણસેન પારણાનો દિવસ ભૂલી જાય છે, ત્યારે અગ્નિશર્માને પૂર્વે બાલ્યાવસ્થામાં વારંવાર ગુણસેને કરેલી વિડંબણા-હેરાનગતિનું સ્મરણ થાય છે. પરિણામે તે અત્યંત ક્રોધિત થઈ જાય છે અને આવેશમાં પોતે કરેલા તપના પ્રભાવે “ભવોભવ ગુણસેનને મારનારો થાઉં” તેવું નિયાણું કરે છે. આ ક્રોધથી અગ્નિશર્મા એવાં અનુબંધવાળા કર્મ બાંધે છે કે દરેક ભવમાં તેને ગુણસેનના આત્માને મારવાનો પરિણામ ઉત્પન્ન થાય છે. આ રીતે આલોક અને પરલોકમાં પ્રાપ્ત થતા ક્રોધના કટુ વિપાકોને વિચારી, ક્રોધ નામના પાપથી બચવા સતત પ્રયત્ન કરવો જોઈએ.
આ પદ બોલતાં દિવસ કે રાત્રિ દરમ્યાન કોઈપણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે થયેલા અણગમાને, દુર્ભાવને કે તેના પ્રત્યે થયેલા ક્રોધના પરિણામને વિચારી, એ રીતે “મિચ્છા મિ દુક્કડું આપવું જોઈએ કે ફરી ક્યારેય હૃદયમાં તેવો ક્રોધ ના પ્રગટે.
સાતમે માન : પાપનું સાતમું સ્થાન છે “માન.” માન પણ કષાયમોહનીય કર્મના ઉદયથી થનારો આત્માનો વિકાર છે. અભિમાન, અહંકાર, અક્કડતા, ઉદ્ધતાઈ, “બીજાથી હું કાંઈક ચઢિયાતો છું” તેવું પ્રસ્થાપિત કરવાની ઈચ્છા, “બીજાથી હું જુદો છું” એવું દેખાડવાની ભાવના, અવિનય; આ બધા માનના જ ભિન્ન ભિન્ન પ્રકારો છે. માનને ઉત્પન્ન થવાનાં સ્થાનો આમ તો અસંખ્ય છે, પરંતુ શાસ્ત્રકારોએ તે સર્વનો સમાવેશ સામાન્ય રીતે જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રત - આ આઠ પ્રકારોમાં કર્યો છે.
“મારી જાતિ ઉત્તમ છે, મારી જાતિના પ્રભાવે હું ધાર્યું પાર પાડી શકીશ, મારું પુણ્ય પ્રબળ છે, તેના પ્રતાપે હું ધાર્યું મેળવી શકીશ, મારું કુળ ઉત્તમ છે, મારી પાસે અઢળક સંપત્તિ છે, બળમાં મને કોઈ પહોંચી શકે તેમ નથી, રૂપ તો મારા જેવું કામદેવનું પણ નથી, તપ અને જ્ઞાનમાં પણ હું બીજા બધા કરતાં ચઢિયાતો છું' આવું માની, “હું કાંઈક છું, મારા જેવું કોઈ નથી' - આવો અભિમાનનો, અહંકારનો જે પરિણામ છે; તે માન છે.
માનવને સૌથી વધુ આ માન-કષાય પરેશાન કરતો હોય છે. એમ કહેવું કદાચ ખોટું નથી કે માનવ, ચોવીસ કલાક પોતાના ગર્વને પોષવા માટે જ પ્રયત્નશીલ રહેતો હોય છે; તે પોતાનો માન-મોભો સાચવવા માટે, દુન્યવી