________________
અધ્યયન ૧૮
ઉપસંહાર
દરેક જીવ દુઃખમુક્તિ વાંછે છે. દુઃખમાંથી છૂટવું હોય તો દુઃખનાં કારણો દૂર કરવાં જોઈએ. દુઃખનાં કારણો બહાર નથી પરંતુ આપણી અંદર છે, આપણા ચિત્તમાં છે. એ કારણો છે રાગ અને દ્વેષ. તેમને દૂર કરવા ચિત્તને વશ કરવું જોઈએ. ચિત્તને વશ કરવા યમ-નિયમનું પાલન અને ધ્યાનાભ્યાસ બંને જરૂરી છે. યમ-નિયમનું સ્વરૂપ શું છે અને ધ્યાનાભ્યાસ કેવી રીતે કરવો એનું વિશદ નિરૂપણ યોગદર્શનમાં છે.
યોગદર્શનમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમોની ખૂબ પ્રતિષ્ઠા છે. યમો યોગનો પાયો તો છે જ પરંતુ તે યોંગમાં સમગ્ર રીતે વ્યાપ્ત પણ છે. યોગદર્શને યમોને સાર્વભૌમ ગણ્યા છે. યોગની દરેક ભૂમિકાએ તેમનું પાલન હોવું જ જોઈએ. કોઈ પણ યોગી કોઈ પણ ભૂમિકાએ તેમના પાલનમાંથી છટકી જઈ શકે નહિ. આ દર્શાવે છે કે યમપાલનયુક્ત ધ્યાનાભ્યાસ જ યોગની કોટિમાં આવે જ્યારે યમપાલનવિયુક્ત ધ્યાનાભ્યાસ તો યોગાભાસ જ ઠરે. આ વસ્તુ આપણને ખરા યોગીની કસોટી પૂરી પાડે છે. ધ્યાનાભ્યાસ દ્વારા ચિત્તની એકાગ્રતા કેળવવાથી ચિત્તની ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. યમપાલન કરનાર વ્યક્તિ આ શક્તિઓનો ઉપયોગ લોકોને આંજી પોતાના અહંને પોષવા અને પોતાની દુવૃત્તિઓને સંતોષવા ન જ કરે. એથી ઊલટું યમપાલનની પરવા ન કરનાર વ્યક્તિ આ શક્તિઓનો ઉપયોગ તેને માટે કરે એમાં શું આશ્ચર્ય ? પરંતુ એમાં નથી વ્યક્તિનું કલ્યાણ કે નથી સમાજનું કલ્યાણ. યોગદર્શને કહેલી યમોના સાર્વભૌમત્વની વાત “યોગ'ની વાતો કરનારાઓએ અને યોગીઓ' તરફ આકર્ષાનારાઓએ સતત ધ્યાનમાં રાખવા જેવી છે.