________________
૩૦૪
પદર્શન પ્રકૃતિમાં લય સ્વીકારતા નથી. જો પ્રલયકાળે ચિત્તનો પ્રકૃતિમાં લય માનીએ તો સૃષ્ટિની શરૂઆતમાં ઈશ્વર સાથે તેનો સંયોગ થતો માનવો પડે. પરંતુ પુરુષ અને પ્રકૃતિના સંયોગનું કારણ તો અવિદ્યા છે. એટલે વાચસ્પતિનો મત સ્વીકારતાં ઈશ્વરમાં અવિદ્યાની આપત્તિ આવે. યોગદર્શન ઈશ્વરમાં અવિદ્યા વગેરે ક્લેશો તો માનતું જ નથી. વળી, વાચસ્પતિ ઈશ્વરચિત્તમાં વાસના (સંસ્કાર) માની તેના ઈશ્વર સાથેના પુનઃ જોડાણને સમજાવે છે તે પણ બરાબર નથી કારણ કે ઈશ્વરચિત્તમાં ક્લેશ, કર્મ ને વિપાકની સાથે આશયનો (વાસનાનો) પણ નિષેધ યોગદર્શને કર્યો છે. ૧૯
વાચસ્પતિએ તો કર્મફલવ્યવસ્થાનું કામ પણ યોગના ઈશ્વરને સોંપ્યું હોય તેમ જણાય છે. તે ઈશ્વરને કર્મોના અધિષ્ઠાતા તરીકે સ્વીકારે છે. કર્મોના અધિષ્ઠાતા તરીકે ઈશ્વર શું કરે છે? સ્વકર્મનું યોગ્ય ફળ જીવને મળે એટલા માટે તે પ્રક્રિયામાં જે અંતરાયો હોય તે દૂર કરવાનું જ કામ ઈશ્વર કરે છે. ભિક્ષુ પણ આ વાતને સ્વીકારતા જણાય છે. ઉપરાંત, ભિક્ષુ જણાવે છે કે ઈશ્વરને બીજાના દુઃખો દૂર કરવાની ઉત્કટ ઇચ્છા હોવા છતાં તેને જીવોની યોગ્યતા યા કર્મોને ગણતરીમાં લેવાં પડે છે.
વાચસ્પતિએ યોગના ઈશ્વરને જગતનું સર્જન અને સંહાર કરતો કહ્યો છે. આ બાબતમાં ભિક્ષુ વાચસ્પતિ સાથે સહમત છે. અહીં ભિક્ષુ વાચસ્પતિને જણાવે છે કે પ્રકૃતિમાં ક્ષોભ (સૃષ્ટિની શરૂઆત) ઈશ્વરેચ્છાથી થાય છે એટલે સૃષ્ટિની શરૂઆત પહેલાંય અર્થાત્ પ્રલયમાં પણ ઈશ્વર પ્રકૃષ્ટ ચિત્તથી યુક્ત હોય છે એમ માનવું જ જોઈએ. અહીં પ્રશ્ન થાય કે ઈશ્વરેચ્છાથી પ્રકૃતિમાંથી જગતનું સર્જન માનતાં પ્રકૃતિનું સ્વાતંત્ર્ય કેમ રહે? આનો ઉત્તર વાચસ્પતિ અને ભિક્ષ એ આપે છે કે ઈશ્વરેચ્છાથી તો પ્રકૃતિમાંથી જગતના સર્જન આડે જે અંતરાયો હોય છે તે કેવળ દૂર થાય છે. આ અંતરાયો દૂર થતાં જ પ્રકૃતિની સામ્યવસ્થાનો ભંગ થાય છે અર્થાત્ ક્ષોભ થાય છે. આમ ઈશ્વર પ્રકૃતિમાંથી જગતની ઉત્પત્તિમાં માત્ર નિમિત્તકારણ છે, પ્રયોજકકારણ નથી. કાર્યજનનશક્તિ (= જગતસર્જનશક્તિ) પ્રકૃતિમાં સ્વાભાવિક છે, ઈશ્વર તો કેવળ તે શક્તિનો ઉદ્ધોધક છે.'
વાર્તિકકાર ભિક્ષુએ યોગના ઈશ્વરની ચર્ચા કરતી વેળાએ ઈશ્વર અને જીવ વચ્ચેના સંબંધની ચર્ચા પણ કરી છે. તેમના મતે તે બંને વચ્ચે અંશ-અંશીભાવનો સંબંધ છે. એ સંબંધને સમજાવવા તે અગ્નિ અને તેના તણખાનું દૃષ્ટાન્ત આપે છે. વળી, તે જણાવે છે કે અંશ અને અંશી વચ્ચે ભેદભેદનો સંબંધ હોય છે એટલે ઈશ્વર અને જીવ વચ્ચે પણ ભેદભેદનો સંબંધ છે. ૨૫
જે મુક્ત હોય અને સાથે સાથે સર્વજ્ઞ હોય તે ઈશ્વર કે જે સદા મુક્ત હોય અને સાથે સાથે સદા સર્વજ્ઞ હોય તે ઈશ્વર એની સ્પષ્ટતા પતંજલિનાં સૂત્રોમાં નથી. પતંજલિ તો એટલું જ કહે છે કે જે મુક્ત અને સાથે સાથે સર્વજ્ઞ છે તે ઈશ્વર છે. વળી, તેમણે ઈશ્વર કાલથી અવિશિષ્ટ છે એટલું જ કહ્યું છે પરંતુ તે ભૂતકાળમાંય કાલથી અવિશિષ્ટ હતો કે નહિ તેની સ્પષ્ટતા પણ સૂત્રોમાં નથી. ભાષ્યકાર તો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ઈશ્વર સદા મુક્ત છે. તે આ સદા મુક્તત્વ ધર્મને આધારે ઈશ્વરનો કેવલીથી ભેદ દર્શાવે છે. આ