________________
અધ્યયન ૧૬
ઈશ્વર
આપણને કહેવામાં આવે છે કે સાંખ્યથી ઊલટું યોગ ઈશ્વરને સ્વીકારે છે. યોગસ્વીકૃત ઈશ્વરનું સ્વરૂપ કેવું છે તે વિચારવું આવશ્યક છે. પતંજલિ ઈશ્વર વિશે નીચે પ્રમાણે કહે છે ક્લેશ, કર્મ, વિપાક અને આશયના સંસર્ગથી રહિત પુરુષવિશેષ ઈશ્વર છે. તે સર્વજ્ઞ છે. તે પહેલાં થઈ ગયેલાઓનોય ગુરુ છે, કારણ કે તે કાલવિશિષ્ટ નથી. તેનો વાચક પ્રણવ છે. પ્રણવનો જપ એ ઈશ્વરની ભાવના (ઈશ્વપ્રણિધાન) છે.' ઈશ્વપ્રણિધાનથી યોગાન્તરાયો દૂર થાય છે અને સમાધિલાભ થાય છે.' - હવે આપણે ભાષ્યકારને અનુસરી ઈશ્વરનું નિરૂપણ કરીશું. ક્લેશ વગેરે ખરેખર ચિત્તમાં હોય છે પરંતુ પુરુષ ઉપર તેમનો આરોપ કરવામાં આવે છે કારણ કે તે તેમનાં ફળોનો ભોક્તા છે. (ઉદાહરણાર્થ, જય અને પરાજય ખરેખર યોદ્ધાના થાય છે પણ તેમનો આરોપ રાજામાં કરવામાં આવે છે કારણ કે જય-પરાજયનું ફળ રાજા ભોગવે છે.) જેને આવા ભોગ સાથે સંબંધ નથી તે ઈશ્વર છે. આમ બદ્ધ પુરુષોથી ઈશ્વરનો ભેદ છે.
કેવલ્ય પામેલા ઘણા કેવલીઓ (મુક્તો) છે. તે બંધનો છેદી મુક્ત બન્યા છે. ઈશ્વરનો બંધનો સાથે ભૂતકાળમાંય સંબંધ ન હતો અને ભવિષ્યમાં પણ થવાનો નથી. કેવલીને તો પહેલાં બંધન હતું પરંતુ ઈશ્વરની બાબતમાં એવું નથી. “ઈશ્વર તો સદા મુક્ત છે. આમ કેવલીથી ઈશ્વરનો ભેદ છે.
ઈશ્વરનો ઉત્કર્ષ શાશ્વત છે, નિત્ય છે. તે ત્રણેય કાળ સર્વજ્ઞ છે. આનો અર્થ એ કે તે ત્રણેય કાળ પ્રકૃષ્ટ સત્ત્વ અર્થાત્ શુદ્ધ સાત્ત્વિક ચિત્ત ધારણ કરે છે. તે સર્વજ્ઞ છે તેનું પ્રમાણ શું? શાસ્ત્ર. શાસ્ત્ર પ્રમાણ છે એમ શા ઉપરથી કહો છો? કારણ કે તે સર્વજ્ઞકૃત છે. આમ સર્વજ્ઞતાની સિદ્ધિ શાસ્ત્રથી અને શાસ્ત્રપ્રામાણ્યની સિદ્ધિ સર્વજ્ઞકર્તુત્વથી માનતાં તો પરસ્પરસાપેક્ષતા અને અન્યોન્યાશ્રયદોષ નહિ આવે ? અહીં અન્યોન્યાશ્રય દોષરૂપં નથી કારણ કે શાસ્ત્ર અને સર્વજ્ઞતાં વચ્ચેનો સંબંધ અનાદિ છે. અંકુર અને બીજ વચ્ચેનો અન્યોન્યાશ્રય કે પરસ્પર સાપેક્ષતા દોષરૂપ નથી કારણ કે તે અનાદિ છે.”
ઈશ્વરનું ઐશ્વર્ય અનુપમ છે, તારતમ્યરહિત છે. બીજાનું ઐશ્વર્ય તેનાથી ચઢિયાતું નથી, જે ઐશ્વર્ય બીજા બધાના ઐશ્વર્યથી ચઢિયાતું છે તે ઐશ્વર્ય જ ઈશ્વરનું છે. તેથી ઐશ્વર્યની પરાકાષ્ઠા ક્યાં છે તે ઈશ્વર છે. તેના ઐશ્વર્ય જેવું બીજું ઐશ્વર્ય નથી." કેમ? જો બે ઐશ્વર્ય તુલ્ય હોય તો એક વસ્તુની બાબતમાં એક “આ નવું થાવ' અને બીજું “આ