________________
૨૪૮
ષદર્શન
છતાં એની પ્રતીતિ ન થતી હોવાને કારણે તે જાણે સ્વરૂપશૂન્ય બની ગયું હોય એમ લાગે છે.૬૩ બાર ધ્યાન જેટલો વખત આવી સ્થિતિ રહે તો જ સમાધિ થઈ કહેવાય છે.જ
આપણે અગાઉ સંપ્રજ્ઞાત સમાધિને યોગાંગરૂપ (યોગના સાધનરૂપ) ગણી છે અને અસંપ્રજ્ઞાત સમાધિને અંગીરૂપ (સાધ્યરૂપ) ગણી છે. પરંતુ વાચસ્પતિ અને ભિક્ષુ યોગાંગરૂપ સમાધિને સંપ્રજ્ઞાત સમાધિથી ભિન્ન ગણે છે. તેનું મુખ્ય કારણ એ છે કે સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત બંનેય સમાધિઓને યોગ ગણવામાં આવી છે; એટલે યોગના સાધનરૂપ સમાધિને યોગરૂપ સંપ્રજ્ઞાત સમાધિથીય ભિન્ન જ ગણવી જોઈએ. હવે આપણે જોઈએ કે યોગાંગરૂપ સમાધિ અને યોગરૂપ સંપ્રજ્ઞાત સમાધિ વચ્ચે શો ભેદ આંકવામાં આવે છે. તે બે વચ્ચે મહત્ત્વનો સ્વરૂપભેદ છે. અંગભૂત સમાધિમાં વિવેકજ્ઞાનોદય યા પુરુષસાક્ષાત્કાર હોતો નથી જ્યારે અંગિભૂત સંપ્રજ્ઞાત સમાધિમાં વિવેકજ્ઞાનનો ઉદય થાય છે, પુરુષનો સાક્ષાત્કાર થાય છે. ચિત્તની એકાગ્રતા વિવેકજ્ઞાનયુક્ત હોય તો સંપ્રજ્ઞાત યોગ કહેવાય અને જો તે વિવેકજ્ઞાન રહિત હોય તો સમાધિમાત્ર કહેવાય. વળી, અંગભૂત સમાધિમાં ધ્યેય વિષયના કેવળ ધ્યાયમાન પાસાનું જ ભાન થાય છે, જ્યારે અંગિભૂત સંપ્રજ્ઞાત સમાધિમાં ધ્યેય વિષયના ધ્યાયમાન પાસાના ભાનની સાથે તે ધ્યેય વિષયનાં સઘળાં અ-ઘ્યાયમાન પાસાંઓનું પણ ભાન થાય છે. અર્થાત્ અંગભૂત સમાધિમાં ધ્યેય વિષયના ધ્યાયમાન અંશનું જ જ્ઞાન હોય છે જ્યારે સંપ્રજ્ઞાત સમાધિમાં ધ્યેય વિષયના સઘળા અંશોનું જ્ઞાન હોય છે.૫ આપણે જાણીએ છીએ કે યોગને મતે ધર્મીમાં અનંત ધર્મો છે. એટલે અનંત ધર્મોનું જ્ઞાન સંપ્રજ્ઞાત સમાધિમાં સાધકને થાય છે. શું આ સકળ ધર્મોનું જ્ઞાન–અનંત ધર્મોનું જ્ઞાન–એ જ એમનું સર્વજ્ઞત્વ છે ? જે વિષયના સકળ અનંત ધર્મોના જ્ઞાનની પ્રાપ્તિની સાથે ધ્યેય—અધ્યેય સકળ વિષયોના સકળ ધર્મોના જ્ઞાનનો પણ ઉદય યોગને અભિપ્રેત હોય તેમ લાગે છે. ધ્યાયમાન પાસાનું જ્ઞાન થતાં અધ્યાયમાન પાસાંઓના જ્ઞાનનો સ્વીકાર સૂચવે છે કે એક અંશનું સંપૂર્ણ જ્ઞાન થતાં બાકીના અંશોનું સંપૂર્ણ જ્ઞાન થાય છે; એક વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન થતાં બધી વસ્તુઓનું સંપૂર્ણ જ્ઞાન થઈ જાય છે. જે એક વસ્તુને પૂર્ણ રૂપે જાણે છે તે બધી વસ્તુઓને પૂર્ણરૂપે જાણી જ લે છે.
આ આઠ યોગાંગો વિશે સૂત્રકાર જણાવે છે કે પહેલાં પાંચ અંગો સંપ્રજ્ઞાત સમાધિનાં બહિરંગ અંગો છે, છેલ્લાં ત્રણ તેનાં અંતરંગ અંગો છે અને આ છેલ્લાં ત્રણ અસંપ્રજ્ઞાત સમાધિનાં બહિરંગ અંગો છે. અસંપ્રજ્ઞાત સમાધિનાં અંતરંગ અંગો કયાં છે તેમ જ અંતરંગ અને બહિરંગનો અર્થ શો છે તેની સ્પષ્ટતા સૂત્રકારે કરી નથી. પરંતુ ભાષ્યકારે કહ્યું છે કે જેનો અભાવ થતાં સાધ્યનો અભાવ ન થાય તે બહિરંગ સાધન કહેવાય.' અર્થાત્, જે સાધન સાધ્યમાં અનુસૂત રહે છે, સાધ્યમાં પરિણમે છે તે અંતરંગ સાધન છે જ્યારે જે સાધન સાધ્યમાં અનુસૂત રહેતું નથી, સાધ્યમાં પરિણમતું નથી તે બહિરંગ સાધન, બહિરંગ સાધન સાધ્યથી ભિન્ન કોટિનું હોય છે જ્યારે અંતરંગ સાધન સાધ્યથી ભિન્ન કોટિનું હોતું નથી. આને લઈને સાધ્યને બહિરંગ સાધનની પરાકાષ્ઠા ન ગણી શકાય જ્યારે તેને અંતરંગ સાધનની પરાકાષ્ઠા