________________
ષદર્શન
૨ ૩
ચાલુ દૃષ્ટાંતમાં અનુભવ ઘટ (= ગ્રાહ્ય) અને ઘટાકારવૃત્તિ (=ઘટજ્ઞાન=ગ્રહણ) બંનેને જાણે છે. અર્થાત્ બંનેય તેના વિષય છે. પરંતુ ઘટાકારવૃત્તિ (=ગ્રહણ) તેનો પ્રધાન વિષય છે જ્યારે ઘટ (ગ્રાહ્ય) તેનો ગૌણ વિષય છે. આમ બધા અનુભવો યા અનુવ્યવસાયો ગ્રાહ્ય અને ગ્રહણ બંનેયને જાણે છે. આ અનુભવો યા અનુવ્યવસાયો જ પોતાની જાતિના સંસ્કારો ચિત્તમાં પાડી શકે છે. બીજા શબ્દોમાં, અનુભૂત વિષય જ પોતાનો સંસ્કાર ચિત્તમાં પાડવા સમર્થ છે. જ્યારે ઉદ્બોધક સામગ્રી ઉપસ્થિત થાય છે ત્યારે ચિત્તમાં પડેલા અનુભૂત વિષયના સંસ્કાર જાગે છે. પરિણામે, વિષય અનુપસ્થિત હોવા છતાં ચિત્ત તે વિષયાકારે પરિણમે છે. ચિત્તના આ વિષયાકાર પરિણામમાં જો અનુભૂત વિષયથી કંઈ વધારે ન હોય પણ તેટલું જ કે કંઈક ઓછું હોય તો તેને સ્મૃતિ કહેવાય. આમ સ્મૃતિ પૂર્વાનુભવની મર્યાદાનું ઉલ્લંઘન કરતી નથી. પહેલાં જેટલો વિષય અનુભવાયેલો હોય તેટલાનું કે ઓછાનું સ્મરણ સ્મૃતિ કરે છે. વધારેનું સ્મરણ તે કરતી નથી.૨૪
૨૧૮
સ્મૃતિ સંસ્કાર અને પ્રત્યભિજ્ઞાનથી ભિન્ન છે. જાગેલા સંસ્કારનું કાર્ય સ્મૃતિ છે. એટલે જાગેલા સંસ્કાર સ્વયં સ્મૃતિ નથી. ન જાગેલા સંસ્કારને તો સ્મૃતિ સાથે કોઈ સીધો સંબંધ નથી. સંસ્કાર ચિત્તવૃત્તિરૂપ નથી જ્યારે સ્મૃતિ ચિત્તવૃત્તિરૂપ છે. સ્મૃતિ પ્રત્યભિજ્ઞાન પણ નથી. પ્રત્યભિજ્ઞાનમાં પહેલાં અનુભવેલી વસ્તુ ફરી ઉપસ્થિત થાય છે અને તેને પરિણામે પહેલાં અનુભવેલી વસ્તુ અને અત્યારે અનુભવાતી વસ્તુ એક જં છે એવું જ્ઞાન થાય છે. પ્રત્યભિજ્ઞાનનું કારણ સંસ્કારોદ્બોધ અને (જે વિષયના સંસ્કારો જાગ્યા હોય તે જ વિષયનો) અનુભવ બંનેય છે. એટલે પ્રત્યભિજ્ઞાનમાં આપણને ‘તે જ આ છે' એવા આકારનું જ્ઞાન થાય છે. એથી ઊલટું, સ્મૃતિનું કારણ સંસ્કારોદ્બોધ માત્ર છે. એટલે સ્મૃતિ વખતે ‘તે (ઘટ)’ એવા આકારનું જ્ઞાન થાય છે.
સ્મૃતિ વખતે ચિત્તને પૂર્વાનુભૂત જ્ઞાન (=ગ્રહણ)નું સ્મરણ થાય છે કે પૂર્વાનુભૂત વિષય (=ગ્રાહ્ય)નું સ્મરણ થાય છે કે પછી બંનેયનું ? આપણે જોઈ ગયા કે અનુભવ કે હંમેશાં ગ્રાહ્ય અને ગ્રહણ બંનેયના આકારને પ્રકાશે છે અર્થાત્ અનુભવના વિષય ગ્રાહ્ય અને ગ્રહણ બંનેય છે એટલે અનુભવજન્ય સસ્કાર પણ ગ્રાહ્ય અને ગ્રહણ બંનેના આકારોવાળો હોય છે. પરિણામે એના જાગવાથી જે સ્મૃતિ જન્મે છે તે પણ ગ્રાહ્ય અને ગ્રહણ બંનેના આકારવાળી હોય છે. આમ સ્મૃતિકાળે ચિત્તને પૂર્વાનુભૂત ગ્રાહ્ય અને ગ્રહણ બંનેયનું સ્મરણ થાય છે. આમ થવાનું કારણ એ છે કે જેવો અનુભવ તેવો સંસ્કાર અને જેવો સંસ્કાર તેવી સ્મૃતિ એવો નિયમ છે.
અનુભવ ગ્રાહ્ય અને ગ્રહણ બંનેયના આકારોવાળો હોય છે અને સ્મૃતિ ગ્રાહ્ય અને ગ્રહણ બંનેના આકારવાળી હોય છે. અનુભવ અને સ્મૃતિ વચ્ચે આ સમાનતા છે. પરંતુ અનુભવનો પ્રધાન વિષય ગ્રહણ હોય છે અને ગૌણ વિષય ગ્રાહ્ય હોય છે,