________________
પ્રવેશક
દર્શન શબ્દનો અર્થ
દર્શન' દશ= જોવું એ ધાતુમાંથી બનેલો છે. એટલે દર્શનનો અર્થ ચાક્ષુષ જ્ઞાન એવો થાય. બીજી બધી ઈન્દ્રિયો કરતાં ચક્ષુરિન્દ્રિય વિષયને વધુ સારી રીતે જાણે છે અને જોનારને માર્ગમાં સ્થિર રાખે છે, પડતો અટકાવે છે. એટલે બીજી ઇન્દ્રિયોની સરખામણીમાં ચક્ષુનું સ્થાન સત્યની અને સમત્વની નજીક વધારેમાં વધારે છે. આમ બીજી બધી ઈન્દ્રિયોનાં જ્ઞાન કરતાં નેગેન્દ્રિયનું જ્ઞાન – દર્શન – ચડિયાતું છે. વૈયાકરણોએ “સાક્ષ' શબ્દનો અર્થ “સાક્ષાત્ દ્રષ્ટા' એવો કર્યો છે. એ પણ દર્શનનો મહિમા સૂચવે છે.
સામાન્ય જીવનમાં દર્શન સત્યની નજીક વધારેમાં વધારે હોવાથી તે “દર્શન’ શબ્દ અધ્યાત્મજ્ઞાનના અર્થમાં વપરાવા લાગ્યો. તેથી અતીન્દ્રિય વસ્તુઓનો સાક્ષાત્કાર એવો દર્શનનો અર્થ રૂઢ થયો. અર્થાત્ આત્મા, પરમાત્મા જેવી ઇન્દ્રિયાતીત વસ્તુઓનું વિશદ, અસંદિગ્ધ, દૃઢ જ્ઞાન તે જ દર્શન છે. દર્શન જ્ઞાનવિશુદ્ધિની પરાકાષ્ઠા છે.
આવા દર્શનની ત્રણ પૂર્વભૂમિકાઓ છે-શ્રવણ, મનન અને નિદિધ્યાસન. શ્રવણ એટલે તત્ત્વો વિશે સાંભળવું તે. મનન એટલે જે સાંભળ્યું હોય તેના ઉપર ચિંતન કરવું તે. નિદિધ્યાસન એટલે સાંભળી તેમ જ ચિંતન કરી જે સત્યની ઝાંખી થઈ હોય તેને ધ્યાનાભ્યાસથી વિશદ અને દૃઢ કરવી છે. આ ક્રમે છેવટે તત્ત્વદર્શન યા તત્ત્વસાક્ષાત્કાર થાય છે. આમ શ્રત, મીમાંસા અને યોગ ત્રણ દર્શનના ઉપાયો છે. એટલે ઉપચારથી તેમને પણ દર્શન ગણવાનો રિવાજ છે. પ્રચલિત સાંખ્ય વગેરે દર્શનો આ ઔપચારિક અર્થમાં દર્શન છે. ખરેખર મુખ્ય અર્થમાં તો તે મીમાંસા છે, કારણ કે તેમનામાં મોટા ભાગનું નિરૂપણ મનનકોટિનું છે. તેથી જ અધ્યાત્મલક્ષી હોવા છતાં તેઓ એકબીજાની સમાલોચના કરતાં દેખાય છે.
દર્શનશાસ્ત્રો માટે પ્રાચીન સંસ્કૃત વાધયમાં “મીમાંસા' શબ્દનો પ્રયોગ થયેલો છે. વેદના બે વિભાગ કર્મકાંડ (બ્રાહ્મણ ગ્રન્થો) અને જ્ઞાનકાંડ (ઉપનિષદો) ઉપર આશ્રિત દર્શનોને ‘પૂર્વમીમાંસા' અને ‘ઉત્તરમીમાંસા' એ બે શબ્દોથી ઓળખવામાં આવતાં હતાં. વળી, એ પણ રોચક વાત છે કે Philosophyઅને “મીમાંસા' શબ્દોનો યૌગિક અર્થ (etymological meaning) સમાન છે. Philosophy શબ્દનો અર્થ છે “જ્ઞાનનો પ્રેમ” (philos=loving, and sophia wisdom). એવી રીતે “મીમાંસા' શબ્દનો અર્થ થાય છે “મનન યા જ્ઞાનની ઇચ્છા'. એટલે સાંખ્ય વગેરે દર્શન માટે “મીમાંસા' શબ્દ સુસંગત છે.