________________
વિવેચનકારના હૃદયોદ્ગાર
સંવત ૨૦૦૮ ના જેઠ સુદ ૫ ના પવિત્ર દિવસે અન્ય ચાર મુમુક્ષુઓ સાથે મુંબઈ ભાયખલામાં શેઠ મોતીશા નિર્માપિત ઋષભદેવ પ્રભુના પ્રાસાદના બહારના રંગમંડપમાં કલિકાલ કલ્પતરુ, સુવિશાલ ગચ્છસર્જક, ચારિત્ર્યચૂડામણિ, સિદ્ધાંત મહોદધિ, સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પુણ્ય હસ્તે પૂજ્ય મુનિરાજશ્રી હેમંતવિજયજી મ.સા. (હીરસૂરીજી), પૂજ્ય ગુરુદેવ મુનિશ્રી ભાનુવિજયજી મ.સા. તથા પૂજ્ય ગુરુદેવ મુનિશ્રી પદ્મવિજયજી મ.સા. વગેરે વિશાળ મુનિ સમુદાય સહ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં સંયમ જીવનની પ્રાપ્તિ થઈ. વર્તમાનકાળના અતિ ઉચ્ચકક્ષાના મહાસાધક પૂ. પદ્મવિજયજી મ.સા.નું શિષ્યત્વ મળ્યું. અત્યંત ગૌરવભરી એવી આ ગુરુ પરંપરામાં મને સ્થાન મળ્યું. મારું કેટલું અહોભાગ્ય.
સંયમના દાન પછી પૂ. ગુરુદેવ શ્રી પદ્મવિજયજી મહારાજાએ મને સંસ્કૃત બુકો-કાવ્યોનો અભ્યાસ કરાવ્યો. પૂજ્યપાદ પ્રગુરુદેવ શ્રી ભાનુવિજયજી મ.સા.ને વિચાર આવ્યો, “છેલ્લા ત્રણ વર્ષમાં દિક્ષિત થયેલ નૂતન મુનિઓ સારા પ્રજ્ઞાવાન છે. પૂજ્ય ગુરુદેવ આ. પ્રેમસૂરિ મ.સા.નો કર્મસાહિત્યનો વારસો આ મુનિઓ ગ્રહણ કરે તો તેઓને લાભદાયી થવા ઉપરાંત શાસન સંઘને પણ લાભદાયી બને.” એ કાળે કર્મપ્રકૃતિના અભ્યાસી ગણ્યાગાંઠ્યા આંગળીના વેઢે ગણાય તેટલા હતા. આથી પૂજ્યશ્રીએ ઉંડા કર્મસાહિત્યમાં પ્રવેશ માટે જરૂરી પૂર્વભૂમિકા જેવો થોડો અભ્યાસ કરાવી અમને સૌને પરમ ગુરુદેવના કર્યસાહિત્યના જ્ઞાનનો વારસો લેવા તેઓને સોપ્યાં.
પૂજ્યપાદ પ૨મ ગુરુદેવ એટલે વર્તમાનમાં કર્મસાહિત્યના સર્વસ્વ જેવા. તેમણે જીંદગી સુધી કર્મસાહિત્યના પદાર્થોની રટણા કરીને કર્મના વિપુલ જથ્થાને આત્મામાંથી દેશવટો આપી દીધો. તેઓશ્રીના અગણ્ય ગુણોનું વર્ણન કરવાની તાકાત બૃહસ્પતિમાં પણ નથી. મન, વચન અને કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરતા અને સમુદાયમાં પણ બ્રહ્મચર્યની શુદ્ધિના અત્યંત આગ્રહી તેઓના મુખ પર બ્રહ્મતેજ ચમકતું હતું. આંખોમાંથી પ્રાણી માત્ર પ્રત્યેના મૈત્રીભાવની અમી વરસતી હતી. બ્રહ્મચર્ય ગુણમાં જેમ માનસિક અતિચારનો નાનો ડાઘ પણ લાગવા દીધો નહોતો તેમ ગમે તેવું ખરાબ કરનારના પ્રત્યે અસદ્ભાવના નાનકડા અમૈત્રીભાવના અતિચારથી પણ તેઓ અસ્પૃષ્ટ હતા. માત્ર સ્વ-સમુદાય જ નહીં, પણ તેમનાથી પણ વિડેલ એવા પરસમુદાયના અગ્રણીઓ પૂ. સિદ્ધિસૂરિ મ., પૂ. સાગરજી મ., પૂ. ઉદયસૂરિ મ., પૂ. મેઘસૂરિ મ., પૂ. લબ્ધિસૂરિ મ., પૂ. ભક્તિસૂરિ મ. વગેરે તેઓના ચારિત્રની પેટ ભરીને અનુમોદના કરતા હતા. તેઓના બ્રહ્મચર્ય ગુણનું વર્ણન કરતા આ. જગચંદ્રસૂરિ મ. સ્વરચિત રાસમાં ખૂબ સુંદર રીતે જણાવ્યું છે -