________________
યુગે યુગે પાટણની પ્રભુતા
લખપતિઓનું તો પૂછવું જ શું?” “પાટણમાં બાવન બજાર અને ચોર્યાસી ચૌટા હતા. દરરોજ જકાતમાં એક લાખ ટંકા (એક પ્રકારનું નાણું) ઉધરાવવામાં આવતાં.”
“પાટણ નરસમુદ્ર જેવું હતું.” (વસતિ ધણી હતી.) “આ નગર વિદ્યા અને કલાનું કેન્દ્ર છે. આ નગરનો ઇન્દ્રપુરી જેવો વૈભવ છે.” “જ્યારે નગરજનોની સ્ત્રીઓ આગાશીઓમાં ઉભી હોય છે ત્યારે આકાશમાં સેંકડો ચંદ્ર ઉગ્યા હોય તેમ જણાય છે.”
“અહીં નિવાસ કરવાના રસ લોભથી કમલા (લક્ષ્મી), શારદા (સરસ્વતી) સાથે કલહ કરતી નથી.” અર્થાત્ શ્રી અને સરસ્વતી બંને સાથે અહીં નિવાસ કરે છે, જે ભાગ્યે જ બને ! “પાટણ નગરની શોભા એટલી બધી સુંદર છે કે જેને જોઇને સોનાની લંકા પણ શંકા કરે છે. મિથિલા શિથિલ થઇ ગઇ, ધારાનગર નિરાધાર થઈ ગયું છે.” આવા તો અદ્ભુત વર્ણનો પ્રાચીન ગ્રંથોમાં મળે છે. સોલંકી કાળના રાણકીવાવ, સહસ્ત્રલિંગ સરોવર, મોઢેરાનું સૂર્યમંદિર, સિદ્ધપુરનો રૂદ્રમાળ, દેલવાડાનાં સંગેમરમરનાં દેરાસરો, વિરમગામનું મુનસર સરોવર, સોમનાથનું શિવાલય, પાલીતાણા અને ગિરનાર પરનાં જિનાલયો, સેંકડો વાવો, કૂવાઓ, સરોવરો વગેરે સ્થાપત્યો જોઈ કોઇપણ મુલાકાતી બોલી ઉઠે “ગીત ગાય પથ્થરોને !”
સોલંકી કાળના મંત્રીઓ મુંજાલ, જંબક, ચંડશમાં, દામોદર મહેતા, ઉદય, વાલ્મટ, આમ્રભટ, આંબડ, સજ્જન, વસ્તુપાળ, કેશવ, યશોધવલ દરેકે અણહિલપુરને સંવર્ધિત કર્યું છે.
મીનળદેવી, અનુપમાદેવી, ઉદયમતી જેવી મહાન રાજનીતિજ્ઞ અને નાઇકાદેવી જેવી રણદુર્ગાઓએ પાટણને મહાન બનાવ્યું છે. પાટણની મહિલા શક્તિ અજોડ ગણાય ! ધન્ય છે એ માતૃશક્તિ !
ગુર્જર સમ્રાટોની રાજ્યસભા વિદ્વાનોથી શોભતી હતી. શ્રીપાળ, સોમેશ્વર, દીર્વાચાર્ય, ગોવિંદાચાર્ય, સુરાચાર્ય, મુનિચંદ્ર, દેવચંદ્રસૂરિ, શિલાકણચંદ્રસૂરિ, અભયદેવસૂરિ અને કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા વિઘા પુરૂષોએ અને વિદ્વાનોએ અણહિલપુર નગરીને સાચા અર્થમાં વિદ્યાવિભૂષિત કરી હતી.
આમ અણહિલપુર પાટણ હરેક ક્ષેત્રે સંપૂર્ણ વિકસીત હતું. બધાજ ક્ષેત્રે ઉન્નતિની ટોચે બિરાજેલું નગર હતું. રાજકીય, સામાજીક, આર્થિક, વિદ્યાકીય, કલાકારીગરી, સંસ્કાર, શુરવીરતા, વગેરે ક્ષેત્રોમાં પાટણ અગ્રેસર હતું.