________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૬
૧૭
પાટણની બેનમૂન રાણકીવાવનું શિલ્પ સ્થાપત્ય
પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય
ગીત ગાયા પથ્થરોને.... :
સોલંકી સામ્રાજ્યના આદ્યસ્થાપક મૂળરાજ પહેલાના પુત્ર ભીમદેવ પહેલાના પત્ની રાણી ઉદયમતિનું નામ જેની સાથે જોડાયેલું છે, એવી પાટણની બેનમૂન વાવ જે. લોકોમાં ‘‘રાણકીવાવ’” ના નામથી પ્રખ્યાત છે, તેને છેલ્લાં કેટલાક વર્ષોથી પ્રવાસીઓનું ધ્યાન ખેચ્યું છે.
વડોદરા રાજ્યના આર્કીયોલોજી ખાતાએ તેનું થોડુંક ખોદકામ કરેલું અને બહારથી કૂવામાં ઉતરવા માટે નવા પગથિયાં પણ બાંધેલા હતા. હમણાં સુધી આ વાવમાં કાંઇ જ નવીનતા જણાતી ન હતી. લોકો માત્ર આ કૂવાનું પાણી મોટી ઉધરસ (ખાંસી), ઉંટાટીયા, હુપીંગ, કફ મટે એ માટે બાટલી ભરી પાણી લઇ જતા અને કેટલાક લોકો તે પાણી બહારગામ પણ મોકલતા હતા. આ પાણી પીવાથી ઉપરોક્ત રોગો મટી જતા હતા. આ સિવાય જનતા માટે આ વાવનું બીજું કોઇ ખાસ મહત્વ ન હતું. પરંતુ તાજેતરમાં આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા મારફત આ વાવનું વધુ ખોદકામ હાથ ધરવામાં આવ્યું. લગભગ બે-ત્રણ વર્ષ સુધી એકધારા અને સુવ્યવસ્થિત રીતે ચાલેલા આ ખોદકામના પરિણામે જાણે કોઇ અમૂલ્ય ખજાનો હાથ આવે તેમ આ વાવમાંથી પથ્થરોમાં કંડારેલ માનવ સૌંદર્યના મહાકાવ્ય જેવું અદ્ભૂત કલા શિલ્પ મળી આવ્યું છે. ગુજરાત સરકારના ટોચના અધિકારીઓ, રાજ્ય અને કેન્દ્રના પ્રધાનોએ પણ આ કામમાં સક્રિય રસ લઇ, સ્થળ મુલાકાત લીધી હતી. વર્તમાનપત્રોમાં પણ સમાચારો પ્રસિદ્ધ થતાં માનવ મહેરામણ બહારગામથી અને પરદેશથી પણ આવવા લાગ્યો.
આ વાવમાં શું જોવા જેવું છે ? શિલ્પ સ્થાપત્યથી ભરપૂર એવી આ વાવ બાંધવા પાછળનું સાચું કારણ શું હશે ? પટ્ટણનું ણ થયું. સહસ્રલિંગ સરોવર નામશેષ થયું. પરંતુ રાખમાંથી જેમ ફીનીક્સ પંખી બેઠું થાય તેમ ભૂલાયેલા ખંડીયેરોમાંથી અણહિલવાડ પાટણનું એક જમાનાની સુપ્રસિદ્ધ વાવ પડખુ ફેરવીને પુનઃદૃશ્યક્ષમ થઇ છે.
વાવના સ્તંભો, દિવાલો, ઝરૂખા, બારશાખો, છત જ્યાં જુઓ ત્યાં ચોતરફ શિલ્પકલાની સમૃદ્ધિ ઝળકી ઉઠી છે. કલાપ્રેમીઓ, સૌંદર્ય પિપાસુઓ અને સ્થાપત્ય કલાના જાણકારો આ સમૃદ્ધ ખજાનો જોઇ અદ્ભૂત ! બેનમૂન ! Excellent ! Unparallel ! જેવા ઉદ્ગારો કાઢે છે. વાવમાં ઉતર્યા પછી ચારે બાજુ નજર નાખતાં જાણે આપણે કોઇ અલૌકીક લોકમા પ્રવેશ્યા હોઇએ એમ લાગે છે. વસંત ઋતુમાં વનરાજીનું આકર્ષક, શરદ પૂનમની રાત્રે શિતળ ચંદ્રમાનું આકર્ષણ તેમ રાણકીવાવમાં પ્રવેશેલો માણસ ચારે બાજુના નિર્જીવ પથ્થરોમાંથી કંડારેલ સજીવ સુંદરીઓનું સંગીત સાંભળી શકે છે.