________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૦૨
ચોથી પેઢીએ થયેલ ભીમ બાણાવળીના રાજ્યકાળમાં સોમનાથનો ભંગ કરનાર અણધાર્યા આવેલા આ વંટોળથી કેટલોક વખત ઉત્પાત મચી રહ્યો, પણ થોડા સમયમાં ગુજરાતે પોતાનું જીવન પૂર્વવત્ શરૂ કર્યું, અને ભીમદેવના પુત્ર કર્ણના સમયમાં ગુજરાત અને પાટણની પાછી ઊર્ધ્વગતિ શરૂ થઈ. કર્ણનો પુત્ર જયસિંહ સિદ્ધરાજ (સં. ૧૧૫૦-૯૯) એક પ્રચંડ મહત્ત્વાકાંક્ષી, પરાક્રમી અને વિદ્યારસિક રાજા હતો. માળવાના વિજય પછી તેણે ત્યાંનો સરસ્વતી ભંડાર જોયો તે સાથે ગુજરાતનું જ્ઞાનદારિદ્રય જોયું અને પોતાની પ્રજાને પણ વિદ્યારસિક બનાવવાની તેણે પ્રેરણા થઇ. તેની જ અભ્યર્થનાથી કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર ગુજરાતનું પ્રધાન વ્યાકરણ “સિદ્ધહેમચંદ્ર' રચ્યું; અને પાટણને પોતાની કર્તવ્યભૂમિ બનાવી અનેક શાસ્ત્રોની રચના કરી. આજ સુધીના ગુજરાતે જેની પ્રશસ્તિઓ ગાઇ છે તે સહસ્ત્રલિંગ સરોવર પણ સિધ્ધરાજે બંધાવ્યું હતું. થોડાક વર્ષોથી વડોદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ ત્યાં જે ખોદકામ ચલાવ્યું છે, તે ઉપરથી એ સરોવરની ભવ્યતાનો અને એની રચનામાં પ્રયોજાએલી અપ્રતિમ સ્થાપત્યકળાનો કંઇક ખ્યાલ આવે છે. શહેરના મધ્યભાગમાં આવેલું, એક હજાર શિવાલયો વડે પરિવૃત આ સરોવર શહેરીઓનું પૂજા સ્થાન, વિદ્યાસ્થાન તેમજ મનોવિનોદ સ્થાન હતું. સરોવરના કિનારે રાજા તરફથી સંખ્યાબંધ વિઘામઠો બાંધવામાં આવેલા હતા, જેમાં વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો માટે રહેવા-જમવાની તથા અધ્યયનની વિના મૂલ્ય વ્યવસ્થા કરવામાં આવેલી હતી. તેમાં તર્ક, લક્ષણ (વ્યાકરણશાસ્ત્રો અને સાહિત્યનો તથા વિવિધ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ મુખ્યત્વે કરાવવામાં આવતો. અનેક ધર્મોના આચાર્યો પાટણ આવતા, તેમની વચ્ચે શાસ્ત્રાર્થો થતા અને ખુદ રાજા પણ એવા શાસ્ત્રાર્થોમાં રસ લેતો, સિદ્ધરાજની સભામાં શ્વેતાંબર આચાર્ય વાદી દેવસૂરિ અને દિગંબર આચાર્ય કુમુદચન્દ્ર વચ્ચે થયેલો વાદ સૌથી પ્રસિદ્ધ છે. એમાં છેવટે કુમુદચન્દ્રનો પરાજય થયો અને કદાચ એ પરાજયને કારણે જ દિગંબરોનું પ્રભુત્વ ગુજરાતમાં તક્ત ઘટી ગયું. એક સમકાલીન લેખક યશશ્ચંદ્ર લખેલાં મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ” નામે સંસ્કૃત નાટકમાં આ વાદનું વિસ્તારથી વર્ણન કરેલું છે તેમાંથી સિદ્ધરાજની સભા, સભાસદો, તે કાળના જાણીતા વિદ્વાનો અને પાટણની સારસ્વત પરંપરા વિશે ઘણી જાણવા જેવી માહિતી મળે છે. તે કાળના પાટણનું આચાર્ય હેમચન્દ્ર યથાર્થ વર્ણન કરેલું છે કે -
अस्ति स्वस्तिकवद् भूमेधर्मागारं न्यासपदम् ।
पुरं श्रिया सदाश्लिष्टं नाम्नाणहिलपाटकम् ॥ (ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન, લક્ષ્મી વડે સદાકાળ અલિંગિત એવું અણહિલવાડ નામનું નગર છે.)
સિદ્ધરાજના ઉત્તરાધિકારી કુમારપાલના સમયમાં ગૂર્જર ભૂમિની અને પાટણની ઉન્નતિ પરાકાષ્ટાએ પહોંચી. પોતાના કુલકમાગત શૈવ ધર્મનો ત્યાગ નહીં કરવા છતાં કુમારપાલે હેમચંદ્ર પાસેથી જૈનધર્મનું શ્રવણ કરી શ્રાવકનાં વ્રતોનો સ્વીકાર કર્યો અને પોતાના રાજ્યમાં “અમારિ ઘોષણા” પ્રવર્તાવી. આ પૂર્વે પણ ઠેઠ વનરાજના સમયથી જ જૈનધર્મની અસર તો પાટણમાં પુષ્કળ હતી. વનરાજના આશ્રયદાતા શીલગુણસૂરિ એક ચૈત્યવાસી જૈન સાધુ હતા. પાટણના રાજ્યતંત્રમાં