________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૩૮૩ ત્યારબાદ હરિ હર્ષદ ધ્રુવે “બુદ્ધિપ્રકાશ' (ઇ.સ.૧૮૮૫ જુલાઈ માસના વર્ષ ૩૨, અંક ૭) માં પૃષ્ઠ ૧૫૨-૧૫૫ ઉપર ભાલણની હસ્તપ્રતોની ભાષાને આધારે ભાલણને ઇ.સ. ૧૫૬૦ પહેલાં મૂકવાનું, પણ ભીમ તથા પદ્મનાભથી આગળ નહીં મૂકવાનું સૂચવેલું. એ પછી હરગોવિંદદાસ કાંટાવાળાએ હરિ હર્ષદ ધ્રુના લેખના અનુસંધાને જ 'બુદ્ધિપ્રકાશ' (ઇ.સ. ૧૮૮૫ના ઓગષ્ટ માસના અંક) માં પાટણના મિત્ર નારાયણ ભારતી તરફથી મળેલી વિગતોનો નિર્દેશ કરેલો. પછી નારાયણ ભારતીએ ઇ.સ. ૧૮૮૭માં પ્રાચીન કાવ્ય ત્રૈમાસિકમાં ભાલણકૃત ‘સપ્તશતી' સંપાદિત કરીને મૂકી અને સાથે “ભાલણ : કવિચરિત્ર અને સમય પ્રસ્તુત કર્યો. આમ નારાયણ ભારતી પૂર્વે ભાલણના ચરિત્ર અને સમય વિશે બહુધા આછો નિર્દેશ સાંપડે છે.
નારાયણ ભારતીનાં મંતવ્યોને આધારે શ.ચુ. મોદીએ ‘ભાલણ, ઉદ્ધવ અને ભીમ'માં ભાલણનો જીવનકાળ ઈ.સ. ૧૪૦૫ થી ૧૪૮નો નિર્દેશ કરીને નારાયણ ભારતીએ સ્થાપેલા મુદ્દાઓને પુષ્ટ કરતી કેટલીક વિગતો પ્રસ્તુત કરેલી. એ પછી કે.કા. શાસ્ત્રીએ ભાલણ એક અધ્યયનમાં રા.ચુ. મોદીના મંતવ્યોનું ખંડન કરીને ભાલણનો કવનકાળ પોતાના તરફથી ઈ.સ. ૧૫૦૦થી ૧૫૫૦નો નિર્દેશ કર્યો અને એ માટે કારણો પણ આપ્યાં. ત્યારબાદ જેઠાલાલ ત્રિવેદીએ ‘ભાલણના પદોમાં કે.કા.શાસ્ત્રી નિર્દિષ્ટ કવનકાળનું ખંડન કરીને રા.ચુ.મોદી કથિત જીવનકાળનો સ્વીકાર કરેલો. ત્યાર પછી કે.કા.શાસ્ત્રીએ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ભાગ-૨ (ઇ.૧૯૭૬)માં ભાલણ વિશેના પ્રકરણમાં જેઠાલાલ ત્રિવેદીએ ઉપસ્થિત કરેલ પ્રશ્નોનું નિરાકરણ કર્યા વગર પોતાને અભિગમ કવનકાળ નિર્દિષ્ટ કરેલ છે. આ ઉપરાંત કંઇ આધાર આપ્યા સિવાય ક.મા.મુનશીએ તેમના ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર' (૧૯૩૫)માં ભાલણનો અનુમાને સમય ઇ.સ. ૧૪૨૬ થી ઇ.સ. ૧૫૦૦ આલેખેલ છે. એ જ પ્રમાણે કુ.મો. ઝવેરી તેમના ગુજરાતી સાહિત્યના માર્ગ સૂચક અને વધુ માર્ગ સૂચક સ્તંભોની સંશોધિત સંવર્ધિત આવૃત્તિ (ઇ.સ.૧૯૫૮)માં ભાલણનો સમય ઇ.સ. ૧૪૩૯થી ૧૫૩૯ આપે છે. ' કે.કા. શાસ્ત્રીએ કાદંબરી પૂર્વભાગ-ઉત્તરભાગના સંશોધન સંપાદનમાં ભાલણના ચરિત્ર અને સમય વિશેની વિગતો રજૂ કરી નથી. એ જ રીતે કેશવલાલ હર્ષદરાય ધ્રુ કાદંબરી'ના પૂર્વભાગઉત્તરભાગના સંશોધન-સંપાદનમાં ભાલણનાં ચરિત્ર અને સમય અંગે કંઇ જ નિર્દેશ કરેલ નથી. પરંતુ કે હ. ધ્રુવ અને કે.કા. શાસ્ત્રીના કાદંબરી' પૂર્વભાગના સંશોધન-સંપાદનને આધારે તૈયાર કરેલ કાદંબરી પૂર્વભાગના સંપાદનમાં સંપાદક રમેશ મ. શુક્લે પ્રારંભે પ્રવેશકમાં ભાલણના ચરિત્ર વિષયક વિગતોની આછી રૂપરેખા આપીને પછી ભાલણના કવન માટે પુરોગામી નાકરનો કવનકાળ (ઇ.સ.૧૫૧૬ ઈિ.સ. ૧૫૬૮) વિષ્ણુદાસકૃત ‘ઉત્તરકાંડ' (ઇ.સ.૧૫૧૯), ભાલણનાં વ્રજભાષાનાં પદોમાં વરતાતી સુરદાસના ભાવની ઝલક તથા ઇ.સ. ૧૪૯૪ થી ૧૫૩૧ દરમ્યાન ત્રણ વાર ગુજરાતમાં ધર્મપ્રચારાર્થે આવેલા વલ્લભાચાર્યજીની કેટલીક વ્રજભાષાની રચનાઓ સાથે સામ્ય ધરાવતી ભાલણની વ્રજભાષાવિષયક રચનાઓને આધારે “ભાલણના કવનસમયની પૂર્વાવધિ ઇ.સ. ૧૪૯૪'ની દર્શાવીને ‘ઇ.સ. ૧૪૯૪થી ઈ.સ. ૧૫૧૮ દરમ્યાન તેણે (ભાલણે) મોટા ભાગની રચનાઓ કરી હશે એમ 'સૂચવેલું.