________________
૨૮૨
યુગે યુગે પાટણની પ્રભુતા
૬૫ સિધ્ધરાજે વસાવેલ ગામ ઝીંઝુવાડાનાં સ્મારકો
પી.બી. ભાટકર
ભરતભાઈ રાવલ
(પાટણ જિલ્લા માહિતી કચેરી) ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ ગણાતા સોલંકીકાળની સ્થાપના ઇ.સ. ૯૪રમાં થઈ હતી. દક્ષિણ રાજસ્થાનથી શરૂ થઈને સમસ્ત ગુજરાતમાં આ સોલંકી સત્તા સ્થપાઈ હતી. કચ્છના રણની દક્ષિણમાં અને અમદાવાદથી ૧૩૦ કિ.મી.ના અંતરે આવેલું ઝીંઝુવાડા એ આ સોલંકી યુગનો કિલ્લો ધરાવતું શહેર છે. ઝીંઝુવાડાના કિલ્લા અને શહેર વિશે ઘણી દંતકથાઓ છે. એક દંતકથા અનુસાર સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહનો જન્મ અહીં થયો હતો. એવું પણ કહેવાય છે કે, સિદ્ધરાજની માતા મિનળદેવીને નજીકમાં વસતા સંતે આશીર્વાદ આપ્યા હતા.
ઝીંઝુવાડાનો કિલ્લો અને એના દરવાજા મુસ્લિમો આવતાં પહેલાંના હિંદુ કિલ્લા સ્થાપત્યનાં ભવ્ય ઉદાહરણો છે. ઝીંઝુવાડાનો કિલ્લો ૧૧મી સદીમાં બનેલો છે અને તે સોલંકી રાજાઓના રાજ્યનો છેવાડાનો કિલ્લો હતો. સોલંકી રાજાઓના મંત્રી ઉદા મંત્રીના ઉલ્લેખો આ કિલ્લાની દીવાલો પર છે.
સોલંકી વંશની શરૂઆતથી જ મંદિર સ્થાપત્ય તેની ચરમસીમાએ પહોંચ્યું હતું. સોલંકી યુગના સિદ્ધપુરમાં આવેલું મહાન મંદિર રૂદ્રમહાલય વિખ્યાત છે. આ ઉપરાંત તોરણો પણ સોલંકી સ્થાપત્યની ઓળખ છે કે જેમાં વડનગરનાં તોરણનો સમાવેશ થાય છે.
ઝીંઝુવાડાના મહત્વ વિશે ભારતીય કળાના વિદ્વાન આનંદ કે. કુમારસ્વામી કહે છે કે, મધ્ય યુગના શહેરના ભાગો ડભોઇ અને ઝીંઝુવાડામાં સૌથી સારી રીતે બચીને રહ્યા છે. ડભોઇ વડોદરા પાસે છે અને ઝીંઝુવાડા કચ્છના રણની નજીકમાં છે. ઇ.સ.૧૧૦ની આસપાસ આ બંને શહેરોને મજુબત કિલ્લાની દીવાલોથી બનાવવામાં આવ્યા હતા. ઝીંઝુવાડાના કિલ્લાની દીવાલો પર સુંદર શિલ્પો પણ છે.”
હિંદુ સ્થાપત્યના ઉદાહરણ સમા આ ઝીંઝુવાડાનાં સ્મારકોમાં રાજેશ્વરી માતાનું મંદિર, દક્ષિણ અથવા રાક્ષસ દરવાજો, જીન દરવાજો, મડાપુર દરવાજે, દોઢિયો દરવાજો, ધામાં દરવાજો વગેરે અગત્યના છે. અહીં એ ઉલ્લેખનીય છે કે આ રાજપૂતો શક્તિપૂજક એટલે કે દેવીપૂજકો હતા અને રાજેશ્વરી માતાનું મંદિર કિલ્લાના જે ખૂણા પર આવેલું છે તે ખૂબ કાળજીથી પસંદ કરેલુ સ્થાન છે. જોકે, કિલ્લાની રચના અને બાંધકામ છેક સિંધુતટની સંસ્કૃતિથી ચાલ્યું આવે છે. કિલ્લો એટલે દુર્ગ કઈ રીતે બનાવવો તે અંગેના ઘણા ગ્રંથો હિંદુ સ્થાપત્યમાં લખાયેલા હતા-જયપૃચ્છા, સમરાંગણ, સૂત્રધાર, - અપરાજિત પૃચ્છા, વાસ્તુરાજવલ્લભ, વાસ્તુમંડન, વાસ્તુમંજરી, અગત્ય વાસ્તુશાસ્ત્ર, મમતવિગેરે આનાં ઉદાહરણો છે અને એ સૂચવે છે કે સ્થાપત્યનું શાસ્ત્ર કઈ ઊંચાઈએ પહોંચી ચૂક્યું હશે.