________________
યુગે યુગે પાટણની પ્રભુતા સાથે કરવામાં આવી છે.
પ્રબંધોમાં સુવર્ણાક્ષરે લખાયેલ નીચેની ઘટના પાટણના સમૃધ્ધ નાગરિકોની ઝાંખી કરાવે છે. પ્રબંધકાર નોંધે છે કે, પાટણમાં અનેક કરોડપતિઓ રહેતા હતા. તેમની હવેલી પર ભૂંગળ વાગતી.
અણહિલપુરની સમૃધ્ધિ દેશ-વિદેશમાં ફેલાયેલી હતી. આ નગરની જાહોજલાલીથી આકર્ષાઇ ઠેઠ કાશ્મીરથી એક વેપારી ૧૦૮ પોઠો કેસર ભરી પાટણમાં વેચવા લાગ્યો. તે જાણતો હતો કે કેસર એ ખૂબજ મોંઘી વસ્તુ છે. આટલું બધું કેસર કોઇ એક નાગરિક કે વેપારી ખરીદી શકે નહિ. તેથી એક હાથમાં નમૂનાનું કેસર રાખેલું હતું. આગળ કેસર ભરેલી પાઠો છે અને પાછળ પેલો કાશ્મીરનો વેપારી છે. હાથમાં નમુનાનું કેસર રાખી તે વેપારી આખા નગરમાં ફરી વળ્યો. આખું નગર કેસરયુકત સુગંધીથી મહેકી ઉઠયું. પણ તેનું કેસર ખરીદનાર કોઇ મળ્યું નહિ. સૂર્યાસ્ત થવાની તૈયારી છે. માલ ન વેચાયાથી વેપારીનું વદનમ્યાન થઇ ગયું. જે નગરની સમૃદ્ધિ અને વેપારીઓની જાહોજલાલી ખૂબજ સાંભળી . ' હતી તેમાંથી તેનું કેસર ખરીદનાર કોઈ ન મળ્યું ! તેથી તે દુઃખી થયો. નિરાશ વદને તે પોતાના ઉતારે પાછા ફરવાની તૈયારી કરે છે, ત્યાં સામેથી એક શેઠીયાએ તેને બોલાવ્યો અને પૂછયું, “શ્રેષ્ઠી ! ક્યાંથી પધારો છો ? પોઠોમાં શું ભરી લાવ્યા છો ?” :
“મહોદય ! હું કાશ્મીરથી આવું છું અને આ મારી ૧૦૮ પોઠોમાં ઉત્તમ પ્રકારનું કેસર છે. આપના નગરના લોકો સમૃદ્ધ છે, એમ જાણી દૂર દૂરથી અહીં કેસર વેચવા લાવેલો. પરંતુ ડુંગરા દૂરથી રળિયામણા, જાહોજલાલીની જેવી વાતો સાંભળેલી એવું અહીં કાંઈ લાગતું નથી.” કાશમીરના વેપારીએ વાતવાતમાં કહેવાનું હતું તે કહી દીધું
પરદેશી વેપારીનો ટોંણો પાટણનો શ્રેષ્ઠી સહન કરી શક્યો નહિ. તેથી તેણે જણાવ્યું કે, “જુઓ આ સામે મારી હવેલી ચણાઇ રહી છે. ચૂનો પીસવાની આ ચકી ચાલી રહી છે, તેમાં તમારું બધું જ કેસર ઠલવી દો !”
પાટણના શ્રેષ્ઠીના કહ્યા મુજબ કાશ્મીરના વેપારીએ ૧૦૮ પોઠો ભરેલું કેસર મકાન ચણવાના ચૂનાની ચકીમાં પધરાવી દીધું અને માલનાં નાણાં લઈ પોતાના ઉતારે ગયો. પાટણના નગરજનની ખરીદ શક્તિ જોઈ કાશમીરનો વેપારી ચકિત થઈ ગયો !
પ્રબંધકાર નોંધે છે કે, કેસરમિશ્રિત ચૂનાથી બનેલું ઘરનું પ્લાસ્ટર સુવર્ણ જેવું લાગતું હતું. આખી હવેલી સોનાની બનેલી હોય એવી સુંદર દીપી ઉઠી હતી. શરદપુનમની રાત્રે તો તે તેનું વર્ણન ન થઇ શકે એવી ઓપતી હતી.
આવી હતી પાટણની સમૃદ્ધિ ! આવા નરબંકા હતા તેના નગરજનો !