________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૬૩
મુસ્લિમ રાજ્યકાળે ત્યાં રહેવામાં સલામતી નહિ લાગવાથી ત્યાંના શ્રાવક લોકો પોતાની સગવડ પ્રમાણે શહેરના બીજા મહોલ્લાઓમાં જઇ વસ્યા પાછળથી અહીં હરિજનો અને ઠાકરડા લોકો મુખ્યતઃ આવીને રહ્યા. જે આજે પણ ત્યાં જ રહે છે. આજે આ લત્તો નાની મોટી સરાયથી ઓળખાય છે. અહીં ચોક વચ્ચે એક કુવો હતો જેને હરીભાઇની કુઈ તરીકે લોકો પિછાનતા. હરીભાઇ પુરબીઓ હતો. મરાઠાઓના સમયમાં પાટણની આજુબાજુ વસતા, કોળી, ઠાકરડાઓ લૂંટફાટ ચલાવતા હોવાથી શહેરની સલામતી ભયમાં હતી. ત્યારે મરાઠાઓએ તેને જમાદાર તરીકે નીમી સિપાઈઓની એક ટુકડી પણ આપેલી. આ જીલ્લામાં તેની હવેલી પણ હતી. તેમજ સિપાઇઓને રહેવાનાં મકાનો પણ તેને આપેલાં, તેણે મુસાફરો માટે અહીં એક ધર્મશાળા-સરાય પણ બંધાવેલ હતી. તે સરાયના નામ ઉપરથી આ આખો લત્તો ઓગણીસમી સદીમાં સરાયથી ઓળખાવા માંડયો. તેના બે વિભાગ કોઈ, નાની સરાય અને મોટી સરાય નામો લોકોએ રાખ્યાં. હરીભાઇ પુરબીઆની હવેલીનાં ખંડરો હમણાં સુધી વિદ્યમાન હતાં, જે થોડાક વખતથી નાશ પામ્યાં છે. આ લત્તામાં ભીમજી નામનો એક બહાદુર પુરુષ રહેતો. જે અહીં બીજા માણસો સાથે શહેરનું અને આ લત્તાનું રક્ષણ કરતો. તેની એક ચોકી આ લત્તામાં હોવાથી, આજે તે સ્થાન ભીમજીની ચોકી તરીકે ઓળખાય છે. આજે તો તે સ્થાન ઉપર પાણીની મોટી ટાંકી બાંધવામાં આવી છે. પરંતુ વૃધ્ધોના હૃદયમાંથી તે સ્થાન ભૂલાયું નથી એટલે તેમના દ્વારા આ હકીકત જાણવા મળે છે. ચિંતામણિ પાડો:- • ' આ નામનો મહોલ્લો આજે વિદ્યમાન નથી. પરંતુ હાલની બારોટ સાહેબની વાવ તથા તેની આજુ બાજુનો વિભાગ ચિંતામણી પાડાના સ્થાન ઉપર આવેલ હોવાનું સમજાય છે. ત્યાં કુલ ત્રણ જૈન મંદિરો પૈકી ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર હતું. આજે તો આ મહોલ્લો જ રહ્યો નથી એટલે ત્યાંના મંદિરોનું શું થયું તેની હકીકત મળવી મુશ્કેલ બની છે. સંવતની અઢારમી સદીના પૂર્વાર્ધ પછી આ મહોલ્લો નામશેષ બન્યો હોવાનું લાગે છે. સંવત ૧૮૬૬માં ખરતરગચ્છના દેવહર્ષે પાટણની ગઝલ રચી છે. આ ગઝલમાં ત્યાંની બહાદુરસિંહની વાવનો ઉલ્લેખ આપેલ છે. એટલે આ મહોલ્લો તે સમય અગાઉથી નાશ પામેલો. ટુંકમાં સંવત ૧૭૨૯ અને સંવત ૧૮૮૬ લગભગ સો સવાસો વર્ષના ગાળામાં તે નાશ પામ્યો હોવો જોઇએ. ખરાકોટડી:
પ્રાચીન પાટણની રાખમાંથી ઉદ્ભવેલ નવીન પાટણનો આ પ્રાચીન મહોલ્લો છે. નવીન પાટણમાં સૌથી પ્રથમ આ મહોલ્લાનો શિલા નિવેશ કરવામાં આવેલો. આજે પણ આ મહોલ્લો જેવો ને તેવો પોતાનું સ્થાન જાળવી રહ્યો છે. આ મહોલ્લામાં કુલ્લ ૮ મંદિરો આવેલા જેમાં “અષ્ટાપદાવતાર” અષ્ટાપદજી તથા શાંતિનાથજીનું બોતેર જિનાલયવાળું મંદિર મુખ્ય હતું. અષ્ટાપદજીનું મંદિર આજે પણ ત્યાં જોવામાં આવે છે. શાંતિનાથનું મંદિર છે. પરંતુ તેનાં બોતેર જિનાલયો આજે જોવા મળતાં નથી.