________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૦૧
વાર્તાઓમાં પાટણનો ભવ્ય ઈતિહાસ
પ્રા. મુકુન્દભાઈ પી. બ્રહ્મક્ષત્રિય “કુમારપાળ રાજાના રાસનું રહસ્ય” એ નામના પુસ્તકમાં પાટણનો ભવ્ય ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. આ રાસના રચયિતા પંડિતશ્રી ઋષભદાસજી છે. કવિશ્રી જણાવે છે કે વાવ, વન, વનિતા, વાણીયા, વહેપાર, વૈઘ, વરઘોડા, વૈષ્ણવ, વારિ (પાણી), વેદાંતી વગેરે બાવન “વવ્યા” પાટણ નગરમાં વિખ્યાત છે.
આવા પાટણની જનસંખ્યા કેટલી ? તેના જવાબમાં કવિ જણાવે છે કે સમુદ્રનું માપ અગર આકાશનું માપ કાઢી શકાય તોજ પાટણમાં કેટલા મનુષ્ય વસે છે તે કહી શકાય ! આપણા પાટણની જનસંખ્યા અસંખ્ય હોવા બાબતની એક વાર્તા કવિએ નીચે મુજબ આપી છે.
(૧) “નામે રાણો આંખે કાણો” એક વખત એક ચારણ સ્ત્રી તેના પતિ સાથે પાટણ જોવા આવેલાં (આજે ઘણા લોકો મુંબઈ શહેર જોવા જાય છે તેમજ હશે !) વિશાળ પાટણની જવાલાયક જગ્યાઓ જોતાં જોતાં અને ફરતાં ફરતાં સાંજ પડી ગઈ. અંધારું થઈ ગયું. એટલામાં પતિ-પત્નિ બે જણ છુટાં પડી ગયા. ચારણ બાઈએ પોતાના ધણીની ઘણી શોધ કરી પણ પોતાના પતિનો પત્તો લાગ્યો નહિ. હિમ્મતવાન ચારણ સ્ત્રી નગર બહાર ઉઘાનમાં રાજા પાસે જઈને કહ્યું કે, “મારા ધણીથી હું વિખુટી પડી ગઈ છું. માટે મને મારો ધણી મેળવી આપો.” રાજાએ ચારણીને આશ્વાસન આપ્યું અને તેના ખોવાયેલા પતિનું નામ પૂછયું. ચારણીએ પોતાના ધણીનું નામ રાણો છે એમ જણાવ્યું. રાજાએ ઘણો વિચાર કર્યો કે રાણા નામને તો ઘણા માણસો સંભવ છે એટલે ફરી રાજાએ ચારણીને તેના વિખુટા પડી ગયેલા પતિની ઉડીને આંખે વળગે એવી ચોક્કસ નિશાની આપવા જણાવ્યું, ત્યારે ચારણીએ જણાવ્યું કે મારો પતિ નામે રાણો છે ને જમણી આંખે કાંણો છે.
આ નામ અને નિશાની ઉપરથી રાજાએ સમગ્ર શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે, “નામે રાણા અને જે જમણી આંખે કાણા હોય તે સવારે દરબારમાં હાજર થાય.”
સવાર પડી ધીમે ધીમે જમણી આંખે કાણા નામે રાણા દરબારમાં આવવા માંડ્યા. પ્રબંધકાર કવિ નોંધે છે કે, આવા નામે રાણા અને આંખે કાણા લોકોની એકંદર સંખ્યા ૯૯૯ થઇ. પેલી ચારણ સ્ત્રીને તેમાંથી તેના પતિને શોધી લેવા કહ્યું. પણ તેમાં તે ન જડ્યો. રાજાએ ફરીથી પહડ વગડાવ્યો. એટલે બીજા પ્રયત્ન તે મળી ગયો.
આ ઉપરથી વનરાજે વસાવેલ પાટણની વસ્તી કેટલી મોટી હશે તેની માત્ર કલ્પના ન કરવી રહી ! પાટણની સરખામણી ઇન્દ્રપુરી અને અમરાપુરી સાથે થતી હતી. તેમાં લક્ષ્મી પણ લેખા વિનાની હતી.