________________
ડાઘા દેખાતા હોય...
મહાવ્રતો
આવી તો સેંકડો બાબતો !
રોજે રોજ નજર સામે સેંકડો લાખો સારી-નરસી વસ્તુઓ દેખાય, લોકો દેખાય...પણ સાચા સાધુના મનમાં ક્યાંય રાગદ્વેષ ન થાય. જ્ઞાનગર્ભિત વૈરાગ્યનો સ્વામી આ મહાત્મા તો સમજતો જ હોય કે “સબ પુદ્ગલ કી બાજી” આજની સારામાં સારી દેખાતી પ્રત્યેક વસ્તુના ભવિષ્યમાં જે બેહાલ થવાના છે. એ આખું વિશ્વ જાણે છે. પણ સાધુ તો એ બેહાલને નજર સામે જ જાણે કે સાક્ષાત્ નિહાળે છે.
અત્યંત રૂપાળી સ્ત્રી પણ સાધુને તો શ્મશાનમાં સળગી ગયેલા એના દેહની રાખ રૂપ દેખાય,
મોટી, નયનરમ્ય ઈમારતો પણ સાધુને તો વર્ષો પછી ખંડિયેર બની જનાર, લોકોને ઠલ્લા-માત્રા માટે ઉપયોગમાં આવનાર દેખાય.
આ દેહ તો ભાઈ ! હાડમાંસનો બનેલો માળો !
આ દેહ તો ભાઈ ! શ્મશાનની શબનો ઢગલો !
********
આ દેહ તો ભાઈ ! ગંદી-દુર્ગંધી વસ્તુઓથી ભરેલો ઉકરડો !
આ દેહ તો ભાઈ ! અનંતસંસારનો જનેતા મહાન કપટી શત્રુ !
પછી એ દેહ પોતાનો હોય કે પારકાનો... સાધુ...તો સાવ ઉદાસીન ! પુદ્ગલના સોહામણા રૂપના ફંદમાં ફસાય એ બીજા ! આતમના સોહામણા રૂપના દર્શન કરનારો સાધુ નહિ જ.
શબ્દ :
ભક્તો, શ્રદ્ધાળુઓ પ્રશંસાના પુષ્પોનો વરસાદ વરસાવતા ન થાકે, અને ઈર્ષ્યાળુઓ-દોષદષ્ટાઓ ટીકા-નિંદાના કંટકોનો વરસાદ વરસાવતા ન થાકે... પણ સાધુ તો ન મલકાય કે ન મુંઝાય !
આજુ બાજુમાં ચાલતા લગ્નપ્રસંગોનો કે સંગીતના પ્રોગ્રામોનો સુમધુર અવાજ ભલભલાને એકધ્યાન સાંભળવા માટે જાગ્રત બનાવી દે, અને રાત્રે બે-ચાર વાગે શેરીના પાંચ-દસ કુતરાઓ ભૂખને કારણે કે ગમે તે કારણે પુષ્કળ મોટેથી ભસીને વાતાવરણને ત્રાસજનક બનાવી દે... પણ સાધુ ન આકર્ષાય કે ન ત્રસ્ત બને.
મીઠા કંઠવાળો કોઈક ગાયક દેરાસરમાં સુંદર-મજાનું સ્તવન લલકારતો હોય, અને ક્યારેક કોઈક અબુઝ શ્રાવક સ્વર કર્કશ-બેસુરો હોવા છતાં આખા દેરાસરમાં સંભળાય એટલા મોટા અવાજે ગાતો હોય...બંનેય દશામાં ચૈત્યવંદન કરતા સાધુની પોતાની ચૈત્યવંદનની ધારા લગીરે ન તૂટે.
****************