________________
મહાવ્રતો
(ગ) પાપ પૂરું થઈ ગયા બાદ એને પશ્ચાત્તાપ થાય. “હે ભગવાન ! મેં આ શું કર્યું ? મેં ગુરુની નિંદા કરી, સહવર્તીઓ પ્રત્યે દ્વેષ કર્યો, મારા ગુરુભાઈની ઈર્ષ્યા કરી, સ્ત્રી તરફ વિકાર જાગ્યો... હાય ! મારું શું થશે ?” આવા વિચારો એને આવે.
એ પછી એ ગીતાર્થ ગુરુ પાસે દોડી જાય, પાપો કીધા વિના ન રહે. આંખે અનરાધાર આંસુ વહે. ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે, તે તરત સ્વીકારી લે. એમાં ઓછું કરાવવાનો, એમાંથી બચવાનો વિચાર પણ ન કરે.
(ઘ) સૌથી મહત્ત્વની વાત એ કે જો એના કષાયો ખરેખર સંજ્વલનના હોય, તો આ રીતે આલોચના-પ્રાયશ્ચિત્ત કર્યા બાદ એ જીવ પ્રાયઃ તો એ પાપ ફરી કરે જ નહિ. ધારો કે એ પાપ ફરી થાય તો પણ પહેલા થયેલા પાપ કરતા આ પાપ નબળું થાય... દર બે બે પાપ વચ્ચેનું અંતર વધવા લાગે... પાપ કરવાનો સમય પણ ઘટવા લાગે... આ બધા અકરણનિયમના પ્રકારો છે.
એ પાપ ફરી ન થવું,
ફરી થાય તો પણ પૂર્વે જે તીવ્રતાવાળું હતું એના કરતા નબળું થવું. પાપો વચ્ચેનું અંતર વધતું જવું...
પાપ કરવાનો સમય ઘટતો જવો...
ચારિત્રપરિણામ હોય તો આવા અકરણનિયમો ‘પ્રગટે ખરા. મહોપાધ્યાયજીએ સાડાત્રણસો ગાથાના સ્તવનમાં આ વાત કરી છે કે - પાયચ્છિત્તાદિક ભાવ ન રાખે, દોષ કરી નિઃશૂકો રે.
નિહંધસ સેઢીથી હેઠો, તે પરમાર્થ ચૂકો રે !’
જે સાધુ દોષ સેવ્યા બાદ આલોચના, પ્રાયશ્ચિત્તાદિ કરવાના કોઈ ભાવ ધારણ ન કરે, નિષ્ઠુર બને. આ નિષ્વસપરિણામી જીવ સંયમશ્રેણીથી પતન પામે છે, એ મોક્ષ અને એના કારણભૂત સંયમાદિ પરમાર્થને ચૂકી જાય છે.
આપણી ફરજ એટલી જ કે આપણા કષાયો સંજવલન કરતા વધારે ન થવા જોઈએ, અને જે સંજ્વલનકષાયો છે, તે પણ ધીરે ધીરે નબળા પડવા જોઈએ. જો આ બે વસ્તુ આપણે સાધી શકશું તો પાંચ મહાવ્રતોનું સાચું પાલન આપણા હાથમાં હશે જ.
કરાવણ - અનુમોદનઃ
પાંચેય મહાવ્રતોમાં પહેલા જે વર્ણન કરેલું, એમાં મુખ્યત્વે કરણની અપેક્ષાએ હતું, હવે પાંચેય મહાવ્રતોમાં કરાવણ-અનુમોદન એ બે શી રીતે સંભવે ? એ ટુંકમાં જોઈએ. જો કે કરેમિ ભંતે ! સૂત્રમાં આનું વર્ણન કરેલું જ, પણ અહીં એક એક મહાવ્રતમાં સ્વતંત્ર
૨૮૪