________________
મહાવ્રતો
પ્રશ્ન : પણ એ મિત્રસાધુએ આપણને કહી રાખ્યું હોય કે “તમારે ગમે ત્યારે પણ મારી કોઈપણ વસ્તુ લેવાની છૂટ ! હું તમને રજા આપું છું. તમારે મને પૂછવાની જરૂર નહિ.” તો તો પછી એને પૂછ્યા વિના એની વસ્તુઓ લેવાય ને ?
ઉત્તર : ના, તો પણ ન લેવાય. પહેલી વાત તો એ કે સમજુ સાધુ આ રીતની છૂટ ન આપે. કેમકે આનાથી તો સામેના સાધુમાં કોઈની પણ વસ્તુ પૂછ્યા વિના લઈ લેવાના સંસ્કાર પડે છે, આચારમર્યાદા લોપાય છે, એટલે સમજુ સાધુ આવું કહે જ નહિ.
પણ ધારો કે ઉદારતા + મુગ્ધતાના મિશ્રણના કારણે એ એમ કહી દે તોપણ આપણે એની વસ્તુઓ પૂછયા પછી જ લેવી. એનું કારણ એ કે જીવના અધ્યવસાય સદા માટે સરખા નથી હોતા. કાળ બદલાય, પરિસ્થિતિ બદલાય, સંયોગો બદલાય એટલે જીવના ભાવો પણ બદલાઈ જાય. એટલે એ સાધુએ ઉલ્લાસમાં આવીને આપણને એની કોઈપણ વસ્તુ લેવાની રજા આપી... પણ જ્યારે આપણે એ રીતે વસ્તુ લઈએ ત્યારે એને ગુસ્સો પણ આવી જાય, દુઃખ પણ થાય... આ સંભાવના નકારી શકાતી નથી જ. માટે જ એણે ભલે હા પાડી હોય તો પણ એને પૂછીને એની રજા મેળવ્યા વિના એની વસ્તુ ન લેવી. જો લેવામાં આવે તો સ્વામી-અદત્તનો દોષ લાગે જ, એમ નિશ્ચિત જાણવું.
-
ઘણીવાર એવું બને પણ છે કે આપણે પૂછયા વિના કોઈ સાધુની વસ્તુ = દાંડો વગેરે લઈ જઈએ, બીજી બાજુ અચાનક એને એ વસ્તુની જરૂર પડે. એ તપાસ કરે, પણ મળે નહિ. એટલે આખા ઉપાશ્રયમાં તપાસ કરે, બધાને પૂછે... આમાં એનો સમય બગડે, સ્થંડિલ જવાદિ કાર્યમાં વિલંબ થાય... એને તો ખબર જ નથી કે ‘આપણે લઈ ગયા છીએ’ એટલે જ્યાં સુધી એ ખબર નહિ પડે ત્યાં સુધી એને ચિંતા રહે કે “મારી વસ્તુ ક્યાં ગઈ ? કોઈ ચોરી ગયું હશે ? હું જ ક્યાંક ભૂલી આવ્યો હોઈશ...” આમ એને આર્તધ્યાન પણ થાય.
આવું અનુભવવા પણ મળે છે, માટે જ ભલે એ સાધુ સગોભાઈ હોય, એણે હસતા હસતા બધી રજા આપી હોય તો પણ એને પૂછયા વિના વસ્તુ ન જ લેવી, જો લો તો મહાવ્રતનો ભંગ થાય.
(ખ) ઉપાશ્રયનો માલિક શ્રી સંઘ છે, એના મુખ્ય વહીવટકર્તાઓ છે. એમની રજા લીધા વિના જો ઉપાશ્રયમાં ઉતરીએ તો એ પણ સ્વામી - અદત્ત ગણાય. વહીવટકર્તાઓ કદાચ હાજર ન હોય, પણ એમણે જે મુનીમ કે માણસ વગેરેને ઉપાશ્રય ખાતે નીમેલો હોય, તેની રજા લઈને પણ ઉતરી શકાય. પણ કોઈની પણ રજા લીધા વિના ઉપાશ્રયમાં ન ઉતરાય. “અમે અહીં ઉતરીએ...” એમ કહેવું જોઈએ. વહીવટકર્તા રજા આપે તો ઉતરાય, ના પાડે તો ન ઉતરાય.
***** ૨૦૨૦****