________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
૨૧૫
કાષ્ઠ વગેરે ગ્રહણ કરવાનો પ્રસંગ આવે ત્યારે ચક્ષુથી જોઈને અને પડિલેહણ કરેલા હાથ વગેરેમાં ગ્રહણ કરે તે જ પ્રમાણે મૂકવાનો પ્રસંગ આવે ત્યારે બધું ચક્ષુથી જોઇને અને સારી રીતે રજોહરણ વગેરેથી યતનાપૂર્વક પ્રમાર્જન કરીને જ મૂકે. પનક, કુંથુ, કીડી આદિની વિરાધનાથી સંયમવિરાધનાનો સંભવ હોવાથી અને કદાચ વિંછી વગેરે કરડે તો આત્મવિરાધનાનો પણ સંભવ હોવાથી પણ ચક્ષુથી જોયા વિના અને રજોહરણ આદિથી પ્રમાર્યા વિના ન લે, ન મૂકે. આ પ્રમાણે આદાનનિક્ષેપ સમિતિ છે. તે પ્રમાણે ઋષિનું વચન છે–
ओहोवहोवग्गहिअं, दुविहं भंडगं मुणी । गिण्हंतो निक्खिवंतो अ, पउंजिज्ज इमं विहीं ॥१॥ [ उत्तरा अ०२४गा.१३] चक्खुसा पडिलेहित्ता, पमज्जिज जयं जई । आइए निक्खिविज्जा वा, दुहओऽवि समिए सिया ॥२॥ [ उत्तरा अ०२४गा०१४]
ઔવિક અને ઔપગ્રહિક એમ બંને પ્રકારના ભંડકને (=ઉપધિને) ગ્રહણ કરતો અને મૂકતો મુનિ આ વિધિ કરે– મુનિ ચક્ષુથી પડિલેહણ કરીને અને યતનાપૂર્વક પ્રમાર્જન કરીને લે અથવા મૂકે એમ બંને રીતે તે મુનિ સમિત થાય છે.
તથાखजूरिपत्तमुंजेण, जो पमज्जे उवस्सयं । नो दया तस्स जीवेसु, सम्मं जाणाहि गोयमा ॥१॥ [गच्छा०पयन्नो गा.७६ ]
ખજુરીના પત્રથી(=ખજુરીના પત્રમાંથી બનાવેલી સાવરણીથી) અને મુંજથી (=મુંજ નામના ઘાસમાંથી બનાવેલી સાવરણીથી) જે સાધુ ઉપાશ્રયનું પ્રમાર્જન કરે તે સાધુને જીવો ઉપર દયા નથી એમ હે ગૌતમ ! તું સારી રીતે જાણ.
આ પ્રમાણે ગચ્છાચાર પ્રકીર્ણકમાં કહેલું હોવાથી પીપળાની છાલ વગેરેથી બનાવેલી અતિ કોમળ પ્રમાર્જનીથી ભૂમિ વગેરેને તે પ્રમાણે પ્રમાર્જ કે જેથી અલ્પ પણ સૂક્ષ્મ કે બાદર જીવની વિરાધના ન થાય. વસ્ત્ર વગેરેની પ્રતિલેખના પણ તે પ્રમાણે જ કરવી જોઇએ કે જેથી વાયુકાય વગેરેની જરા પણ વિરાધના ન થાય. કારણ કે પ્રાર્થના અને પ્રતિલેખના જીવદયા માટે જ કરવામાં આવે છે. તેથી સાધુએ પ્રમાર્જના અને પ્રતિલેખના એમ બંનેમાં અત્યંત અપ્રમત્તભાવે રહેવું જોઈએ. જેથી ઋષિ વચન છે કે,