________________
ધમ્મિલકુમાર રાસ
વિમળા મંદિરમાંથી બહાર આવી. આ બાજુ કુમાર-કમળાને કહે છે કે હું ચંપાનગરીમાં જઈને ત્યાં આપણા ઉતારાની વ્યવસ્થા કરીને આવું છું. ।૧૦। ધમ્મિલની વાત સાંભળી કમળા કહે છે કે “હે વત્સ ! સાંભળ્યું છે કે આ ચંપાનગરી તો દેશ વિદેશના અનેક ધૂતારાઓથી ભરેલી છે. તું તો નિર્મળ બુદ્ધિવાળો છે. માટે સાવધાન રહેજે. કોઈ પણ ધૂતારાથી ઠગાતો નહીં. જેમ સુંદરીએ રથને હરી લીધો. તેમ તું ઠગાતો નહીં. ધ્યાન રાખજે.” કુંવર કહેવા લાગ્યો. “મા ! તે વાત કહોને !” ત્યારે કમળા કહે છે કે જે વાત કહું છું તે ધ્યાન દઈને સાંભળ. ॥૧૧॥
૨૪૦
ધૂતારાની કથા : શેરને માથે સવાશેર
દક્ષિણ દેશમાં ત્રંબકપુર નામે નગરી છે. નગરીના લોકો ઘણા સુખી છે. આ નગરમાં નંદ નામે શેઠ હતા. જે કરોડપતિ હતા. સુનંદા નામે પત્ની હતી. આ શેઠને સંતાનમાં એક પુત્રી હતી. જેનું નામ રૂપાળી હતું. સુખી ઘરની એકની એક પુત્રી કેવી લાડકવાયી હોય ! માતપિતા સંસ્કાર સારા આપે. પણ પુત્રીને તે ન પચ્યા. પોતાના ઘરના નોકર સાથે આડો વ્યવહાર થવા લાગ્યો. દીકરીએ નોકર ભીમને સંકેત કર્યો. અને પોતે માત-પિતા ન જાણે તે રીતે એક લાખ દ્રવ્ય લઈને, રથ લઈને નગરીમાંથી ચાલી ગઈ. રથ ચંપકવનમાં જઈને ઊભો. ત્યાં ચંદ્રા નામની નદીકાંઠે બંને ઊતર્યાં. આરામ વિશ્રામ માટે. તેવામાં ઠગવિદ્યામાં હોંશિયાર એવો સિંહ નામનો ક્ષત્રિય ધૂર્ત તે આ રથ પાસે આવ્યો. રૂપાળીને પૂછવા લાગ્યો. “તું કોણ છે ? કોની દીકરી છે ?” ધૂર્તકલાને ધારણ કરીને સિંહ પૂછી રહ્યો છે. ।।૧૨।। અજાણ્યા પુરુષની વાત સાંભળી રૂપાળી જરા ગભરાઈ પણ વળી સ્વસ્થ થઈ કહે છે. “હું નંદશ્રેષ્ઠીની પુત્રી છું.” તરત જ પેલા ધૂર્ત ઠગવાની વૃત્તિથી કહેવા લાગ્યો. “હું તો અહીંથી જતો હતો. રથ જોઈને અહીં કોણ હશે એ કૌતુકે મળવા આવ્યો. અહો અચાનક આપણો ભેટો થયો. આપણે સગા થઈએ. તારી માતા તો મારા મામાની દીકરી થાય. તું તેની દીકરી. તેથી મારી ભાણી થાય. તમારે અહીં ન રહેવાય. ચાલો મારે ઘેર. ખોટી ખોટી ઓળખાણ કાઢી, વાત ઊભી કરી દીધી: પોતાને ઘેર લઈ ગયો. આગતાસ્વાગતા કરી. જમાડ્યા. ને ઘરના ઉપલા માળે ઉતારો આપ્યો. બંનેને ઉપરના માળે રાતે રાખ્યા. નીચેથી દાદરે તાળું લગાવી દીધું અને નીચે ઘ૨માં તેમનો મૂકેલો સામાન બધો જ લૂંટી લીધો. ધૂતારાએ આ બંનેને કેવી કપટલીલા કરીને ઠગીને માલ લૂંટી લીધો. તે રીતે હે કુમાર તને કોઈ ઠગી,ન જાય. માટે તું ચંપાનગરીમાં ઉતારાની જગ્યા માટે જાય છે પણ સાવધાન રહેજે. ૧૩
કમળાની વાત સાંભળી કુમાર કહે છે. કે “મા ! તમે કહી વાત બરાબર છે. પણ સાંભળો. તમે જેટલી વાત સાંભળી તે અધૂરી છે. હજુ આ કથા આગળ છે અને તે સાંભળવા જેવી છે. કહું ? તે રાત્રિએ રૂપાળી મેડી ઉપર રહેલી વિચારે છે કે આપણે તો ઠગની જાળમાં ફસાઈ ગયાં: નીચે મૂકેલું દ્રવ્ય તેણે બધું જ લઈ લીધું હશે. હવે આગળ આપણે શું ક૨શું ? આ ઠગે તો અમને ઠગીને અહીં પૂર્યાં લાગે છે ઓ૨ડામાં બધે જોઈ વળ્યા. કોઈ લાધ્યું નહીં. પાછળની બારીએથી બંને નીચે ઊતરી ગયાં અને સિંહ જ્યાં ભર નિદ્રામાં સૂતો હતો. ત્યાં જઈ રૂપાળીએ ધીમે રહીને તેના ગળામાં રહેલો “મણિહાર” (મણિનો હાર) ઉતારી લીધો. અને કોઈ જાગે ને જાણે તે પહેલાં તો પોતાના રથમાં બેસીને પલાયન થઈ ગયાં. એટલે નગર બહાર માર્ગે નીકળી ગયાં. ॥૧૪॥
જ્યારે પ્રભાત થયું, સિંહ જાગ્યો. પોતાનું ગળું ખાલી લાગ્યું. મણિહાર નહોતો. વિચારતો હતો કે મારો હાર ચોરાઈ ગયો. તરત જ ઊઠીને પેલાં સ્ત્રી-પુરુષને મેડીએ પૂર્યાં હતાં, ત્યાં જવા ગયો.