________________
શ્રીતીર્થકર ભગવંતોનો શુદ્ધ, શ્વેત રંગ માનવામાં આવે છે. તેમાં બધા રંગો તેના મૂળ સ્વાભાવિક શુદ્ધ રૂપમાં હોવાને લીધે બધા રંગોનું મિશ્રણ છતાં એમાં કલુષિતતાનો સંપૂર્ણ અભાવ હોય છે અને તેને લીધે શુદ્ધ શ્વેતવર્ણના કિરણો તેમાંથી આવિષ્કૃત થાય છે અને તેને લીધે જ જ્યાં પ્રભુ વિચરતા હોય ત્યાં કેટલાએક યોજનો સુધી જીવ માત્ર પોતાના અનિચ્છનીય વેર વિરોધના ગુણો ભૂલી જાય છે. એટલું જ નહીં પણ નિસર્ગ પણ પોતામાં રહેલા સારા ગુણો જ પ્રગટ કરે છે. અર્થાત્ પ્રભુમાં રહેલ શુદ્ધ સાત્ત્વિક ગુણો એ કાર્ય કરે છે. અનિચ્છનીય ગુણોને વિકારો દબાઈ આત્માના નિર્મળ ગુણો છતા થાય છે. આ પ્રભાવ તીર્થ અને ધર્મભૂમિઓમાં જોવા મળે છે. તેમ જ યોગી, સંત, મહાત્માઓના સહવાસમાં પણ ઘણી વખત પ્રતીત થાય છે. એવું વાતાવરણ અને એવી શુદ્ધ ભાવના આપણને નવકારમંત્રના પ્રભાવથી પણ પ્રાપ્ત થાય એમાં સંદેહ નથી. એટલા માટે જ યોગીજનોના સહવાસનું અને મંત્રારાધનાનું માહાત્મ શાસ્ત્રકારોએ સવિશેષપણે વર્ણવેલું છે.
ત્યારપછી આચાર્યનું ત્રીજું પદ આવે છે અને તેનો રંગ પીળો, પરિપકવ ફળ જેવો કે સુવર્ણવર્ણ જેવો બતાવવામાં આવ્યો છે. એ રંગ જ્ઞાનનો દર્શક છે. સુવર્ણ જેમ સુંદર અને પૂર્ણતાને પામેલું મહા મૂલ્યવાન હોય છે અને ફળ પાક્યા પછી પણ તેમાં રસકસ અને મધુરતા વધે છે. તથા લોકભોગ્ય પૂર્ણતા પામે છે, તેમ આચાર્ય ભગવંત એક રાજાની પેઠે સામ, દામ, દંડ વગેરે ભેદે પોતાના સમૂહને માર્ગદર્શક બની એક અધિષ્ઠાતા સાચા ગુરુનું કાર્ય સાધે છે. પીળો રંગ શ્વેતથી કાંઈક ઓછો નિર્મળ હોય છે. પણ તેમાં મુખ્યતઃ જ્ઞાન અને દીર્ધદષ્ટિનો પૂરો સમાવેશ થયેલો હોય છે. શ્રાવકો માટે પીળા વર્ણનો જ ચાંદલો એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે અને તેમાં કેશરની લાલાશ મળતાં તે કેશરી રંગ બની જાય છે. જ્યારે પીળો રંગ જ્ઞાનનો નિદર્શક છે, ત્યારે કેશરી રંગમાં જ્ઞાનની વધુ તીવ્રતા સમાવિષ્ટ થયેલી હોય છે. એટલે આચાર્ય ભગવંત જ્ઞાની, સમયજ્ઞ, ધર્મવેત્તા અને જરૂર પડે વિરોધ પ્રસંગે નિર્ણાયક માર્ગદર્શક અધિષ્ઠાતા ગણાય છે. ધર્મના પ્રણેતા પણ તેઓ ગણાય છે. ઉત્સર્ગ ને અપવાદનો ભેદ સમજી સમયાનુકૂલ અને ધર્માનુસાર આદેશ તેઓ આપી શકે છે. જરૂર વખતે શાસ્ત્રાનુસારી તદ્દન નવો નિર્ણય પણ તેઓ બોધી શકે છે. પીળા રંગનો એ અર્થ ધર્મચક્રને સાચી ગતિ આપવાનો છે.
ઉપાધ્યાય અથવા પાઠક એ શિષ્યોને ભણાવી તૈયાર કરવામાં કુશળ હોવાથી તેઓ ચાલુ ભાષામાં અધ્યાપક-શિક્ષકનું કાર્ય કરે છે, એમ કહીએ તો ચાલે. તેમની પાસે જડ અને પ્રાજ્ઞ એવા અનેક ચિત્ર-વિચિત્ર બુદ્ધિના જ્ઞાનાર્થી સાધુઓ ભણતા હોય અને તરતમભાવે દરેકની બુદ્ધિ સરખી ન હોવાને લીધે દરેકને જુદા જુદા માર્ગે ભણાવવાનું હોય. એમ કરવામાં દરેક માટે તેમને કાળજી અને સહાનુભૂતિ રાખવી પડે છે.
૨૭૬ • ધર્મ-ચિંતન