________________
૨. આધ્યાત્મિક જીવનના વિકાસ માટે અખંડ બ્રહ્મચર્યની અતિ આવશ્યકતા છે. બ્રહ્મચર્ય એ ઉત્તમ તપ છે.
૩. શરીર એ આત્મ મંદિર છે માટે તેને પવિત્રતમ રાખવું જોઈએ. બ્રહ્મચર્ય પાળવું એ જ શરીરને પવિત્રતમ રાખવાનો ઉપાય છે.
૪. ભારે અને માદક ખોરાક કામોત્તેજક છે. કઠણ શય્યા અને વહેલું શયન એ બ્રહ્મચર્ય માટે સહાયક છે. ઉપવાસ અને ઉનોદરી પણ તેમાં સહાયક છે. આસન, મુદ્રા અને પ્રાણાયામ ખરાબ વિચારોને અટકાવે છે.
૫. રાગજનક પદાર્થો ઉપરનો પ્રેમ, વાસના ગણાય છે અને એ જ પ્રેમને વીતરાગની સાથે જોડવાથી શુભભાવના ગણાય છે. વાસના સર્વ દુર્ગુણોનું મૂળ છે અને શુભભાવના સર્વ સદ્ગુણોની જનેતા છે. એટલે અયોગ્ય સ્થાનેથી પ્રેમને પલટાવીને તેને પ્રભુમાં જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે વિના ભયંકર દોષો જીતી શકવા અશક્ય છે. એ રીતે પ્રેમનું રૂપાંતર કરવું એ કામને જીતવાનો એક ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે અને તેથી આત્મિક આનંદનો પણ અનુભવ થાય છે. આત્મિક આનંદનો અનુભવ થયા વિના વૈષયિક આનંદની વૃત્તિ સંપૂર્ણપણે ખસે નહિ.
૬. ગૃહસ્થ સાધકોએ પણ બની શકે તો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું અને તેમ ન જ બની શકે તો ઓછામાં ઓછું સ્વસ્રીમાં સંતુષ્ટ બની પરંદારાનો અભિલાષ તજવો.
(૨) ક્રોધ :- અંદરનાં વિઘ્નોમાં ક્રોધ પણ એક ભયંકર કોટિનું વિઘ્ન છે. ક્રોધને જીતવાનો એક ઉપાય ક્રોધથી થતા અનર્થોની વિચારણા કરવી તે છે. વારંવાર અનુપ્રેક્ષાપૂર્વક વિચારણા કરવાથી ધીરે ધીરે ક્રોધ ઉપર કાબૂ આવતો જશે. તે વિચારણા નીચે મુજબ થઈ શકે :
૧. કોઈ પણ દુર્ગુણ એકલો હોતો જ નથી, તેની પાછળ બીજા અનેક દુર્ગુણોની હારમાળા હોય જ છે. તેથી એક દુર્ગુણને જીતવાથી તેના સહચારી બીજા પણ અનેક દુર્ગુણો વિના પ્રયત્ને જીતાઈ જાય છે.
૨. ક્રોધની સાથે વૈશુન્ય, દુ:સાહસ, દ્રોહ, ઇર્ષ્યા, અસૂયા, કઠોરવચન, અસત્ય, અભ્યાખ્યાન, આદિ અનેક દોષો રહેલા હોય છે. એટલે એક ક્રોધને જીતવાથી એ બધા દોષો પણ નબળા પડી જાય છે.
૩. ક્રોધથી ચહેરો બીહામણો થાય છે, આંખો ફૂલીને લાલ ટેટા જેવી થઈ જાય છે, હોઠ ફફડે છે, શ્વાસોશ્વાસ જોરથી ચાલે છે, અમાનુષી દેખાવ અને આકૃતિ થાય છે, ઉગ્ર ક્રોધથી પરસ્પરની પ્રીતિનો નાશ થાય છે, શરીરની કાન્તિનો નાશ થાય છે, લોહી
૨૩૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા