________________
“હે જિનેશ્વરદેવ ! આપના પ્રસાદથી જ હું આટલે ઊંચે આવ્યો છું અને એ પ્રસાદથી જ આગળ વધી શકવાનો છું. માટે હવે મારી ઉપેક્ષા ન કરશો !” એમ શ્રીવીતરાગ સ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા પ્રભુને વિનવે છે.૧
સુમન ! એમ વિવિધ રીતે તું સમજી શકીશ કે ધર્મ વિશ્વનો આધાર છે, તેનો પ્રાણ છે તેનું સર્વસ્વ છે. એ ધર્મ આચારમાં રહેલો છે અને આચારનો વારસો ક્રમશઃ આપણા સુધી આવ્યો છે. પૂર્વ પુરુષોએ, શ્રીજિનેશ્વરદેવોએ સર્વ જીવના હિત માટે કરેલું આ આચારરૂપ ધર્મનું દાન, શક્ય પ્રયત્નોથી સાચવ્યું છે, આપણને વારસામાં આપ્યું છે અને આપણે તેનું પાલન કરી ભાવિ પેઢીને આપવાનું છે. મનુષ્ય જીવન પામીને કોઈ મુખ્ય કાર્ય કરવાનું હોય તો સર્વજીવોના પ્રાણસ્વરૂપ આ આચારોનું પાલન કરવાનું છે અને ભાવિ પેઢીને એ સોંપવાનું છે. તે માટે પ્રશંસાની કેટલી જરૂર છે, આચાર અને પ્રશંસાનો પરસ્પર કેવો સંબંધ છે, શિષ્ટપુરુષોનો આચારની રક્ષામાં કેવો ફાળો છે ? વગેરે હવે પછી વિચારીશું. તે પહેલાં આજે કરેલી વાતોનું ચિંતન કરીશ તો આચારનું મહત્ત્વ અને ઉપકારો કેટલા છે તે તને જરૂર સમજાશે.
સુમન ! દરેક વસ્તુને સમજવામાં સમજનારની દૃષ્ટિની મુખ્યતા છે. એથી કદાચ તને આજની વાતોમાં તર્ક-કુતર્ક થશે પણ કૃતજ્ઞતા ભક્તિ વગેરે ગુણોને પ્રગટાવવા હશે, તો પ્રત્યેક ભાવોને ગુણાનુરાગની દષ્ટિએ સમજવા પડશે. ધર્મના ઉપકારોને સમજવા માટે અને કૃતજ્ઞતા કેળવવા માટે આપણી યોગ્યતાની વાતને ગૌણ કરીને ધર્મના પ્રભાવનું મહત્ત્વ સ્વીકારવું જ જોઈએ. આ જે વાતો કહી છે તેમાં સર્વત્ર જીવની યોગ્યતાને સ્થાન છે જ. છતાં સર્વજીવોના અનન્ય આધારરૂપ આચારને જગતમાં જીવતા રાખવા હોય તો જે જે અપેક્ષાએ તેનું મહત્ત્વ છે, તે તે અપેક્ષાને મુખ્ય બનાવીને તેનું મહત્ત્વ વિચારવું જોઈએ. અને એ દૃષ્ટિએ તું વિચારીશ તો મેં કહ્યું છે તેનાથી પણ કઈ ગુણું અધિક આચારનું મહત્ત્વ તને સમજાશે.
- ધર્મમિત્ર શ્રેયસુ.
૧. મવપ્રસનૈવામિયત પ્રાપિતો મુવમ્ | औदासीन्येन नेदानीं तव युक्तमुपेक्षितुम् ॥
વી. સ્તોત્ર પ્ર. ૧૬ : શ્લો. ૮ ૧૪૨ • ધર્મ અનપેક્ષા