________________
દ્વિતીય પલ્લવઃ
૪૩
ભિક્ષા ન મળી. અરે દેવ તેં દુઃખ આપવા માટે શું મને એકલાને જ જોયો છે? તું પાણી પીને મારી પાછળ પડી ગયો છે, જેથી ઉપરાઉપર એકપછી એક, દુઃખ જ આપ્યા કરે છે. પ્રથમ માતાપિતાનો વિયોગ કરાવ્યો પછી, વહાણ ભાંગ્યું, સમુદ્રમાં નાંખ્યો. પછી પ્રિયા સાથે વિયોગ અને છેવટે સુવર્ણપુરુષ લઈ ગયો. હે દેવ તું અઘટિત ઘટનાને ઘટાડે છે, સુઘટિત ઘટનાને ક્ષણભંગુર બનાવે છે. આ સચરાચર જગતમાં નહીં ધારેલા એવા અનેક ફેરફારો કરે છે, તેથી વિધિ તું જ સૌથી બળવાનું છે એમ હું માનું છું.
આ પ્રમાણે દુઃખ ઉપર દુઃખ પડવાથી તે વિલાપ કરવા લાગ્યો. પછી તેણે વિચાર્યું કેજે દુઃખી હોય અને જેનું ધન ચોરાયું હોય તેણે રાજાનું શરણું લેવું. અર્થાત્ રાજા પાસે જવાથી તેના દુઃખનું નિવારણ થઈ શકે છે. દુર્બળનું બળ રાજા છે. તેથી હવે તો તેની પાસે જઈને વિનંતી કરું. તે વિના કોઈ રીતે મારી કાર્યસિદ્ધિ થવાનો સંભવ નથી. આ પ્રમાણે વિચારીને ધર્મદત્ત કહે છે કે- હે યશોધવલ રાજા ! તે ધર્મદત્ત હું તમારી પાસે આવ્યો છું. તો હવે મારું દુઃખ દૂર કરો. હું અહીંયાના જ રહીશ શ્રીપતિ શેઠનો પુત્ર છું. મેં આ પ્રમાણે મારી કથાને સુવર્ણપુરુષની ઉત્પત્તિ સુધીની આપને કહી બતાવી. તો હવે તમે પાંચમાં લોકપાળ કહેવાઓ છો, તેથી જેમ યોગ્ય લાગે તેમ કરો. શાસ્ત્રમાં રાજાને માટે દુષ્ટને દંડ, સ્વજનોની પૂજા, ન્યાયવડે ભંડારની વૃદ્ધિ, અર્થીઓમાં અપક્ષપાત અને રાષ્ટ્રની રક્ષા–આપાંચ પ્રકારના યજ્ઞો કહેલા છે.
જે રાજા શત્રુમાત્રને તપાવવાને સૂર્ય જેવો હોય, સ્વજનોમાં આનંદોત્પાદક ચંદ્ર જેવો હોય, પાત્રાપાત્રની પરીક્ષામાં બૃહસ્પતિ જેવો હોય, દાનમાં કર્ણ જેવો હોય, નીતિમાં રામચંદ્ર જેવો હોય, સત્યમાં યુધિષ્ઠિર જેવો હોય, લક્ષ્મીવડે કુબેર જેવો હોય અને પોતાની માન્યતાઓમાં - પક્ષપાત ન કરતાં યોગ્ય રીતે લાભાલાભ કરનાર હોય—એવો સ્વામી રાજાના યથાર્થ નામવાળો
સમજવો."
શ્રી ધર્મકલ્પદ્રુમ ગ્રંથમાં મુખ્ય ચાર શાખા પૈકી દાનધર્મરૂપ શાખામાં શ્રી વીર પરમાત્માની દેશનામાં ધર્મદત્તની કથા યુક્ત શ્રી ચંદ્રયશા રાજાના આખ્યાનમાં
બીજો પલ્લવ સંપૂર્ણ.