________________
૨૦૦
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્યો આવી, ડોશીનું રૂપ ધારણ કરીને પોતાના જર્જરિત માંચા ઉપર સૂતી. આ વિશ્વમાં શાકિનીઓએ પણ વિશ્વાસ પમાડીને ઘણા મનુષ્યોનો ભોગ લીધો છે.
હવે તે ધૃષ્ટકે વિચાર્યું કે– હું પાછો શાકિનીના સંકટમાં પડ્યો. હું જ્યાં જાઉં છું ત્યાં શાકિનીઓ જ મળે છે.” આમ વિચારતાં સૂર્યોદય થયો તેથી સૌની સાથે તે પણ ઘાસનો ભારો લેવા ગયો. ત્યાં છએ જણને ધૃષ્ટકે રાત્રિનો બધો વૃત્તાંત મૂળથી માંડીને કહ્યો. - તેઓ બોલ્યા કે–“અમે આજસુધી કોઈપણ વખત આ વૃદ્ધા માતાનું કાંઈપણ કુચિહન જોયું નથી. એટલે ધૃષ્ટક બોલ્યો કે–તો તમે સુખના લાલચુ થઈને રહો, હું તો જાઉં છું. તેઓએ કહ્યું કે-“એક રાત્રિ રોકાઈ જા અને અમને એ વિશ્વાસઘાતી ડોશીની ચેષ્ટા બતાવ.” ધૃષ્ટક તેમના કહેવાથી રોકાયો. ભારા લઈને બધા ગયા અને પછી નિત્ય પ્રમાણે બધું કાર્ય કરીને રાત્રે સૌ કપટનિદ્રાએ સુતા. ધૃષ્ટકના કહ્યા પ્રમાણે બધું વૃત્તાંત જોયું તેથી તેઓ અન્યોઅન્ય વિચારવા લાગ્યા કે– હવે આપણે શું કરવું?' એટલે ધૃષ્ટક બોલ્યો કે–“આ વૃદ્ધાને ઊંઘતી હોય ત્યાં જ મારી નાંખવી. પછી બે જણાએ બે પગ, બે જણાએ બે હાથ, એક જણાએ મસ્તક પકડી રાખીને બે જણાએ સપ્ત પ્રહારો કરી તેને મારી નાંખી અને પછી પૂર્વ દિશા તરફ ચાલ્યા.
આગળ ચાલતાં મોટા અરણ્યનું ઉલ્લંઘન કરીને ક્ષિપ્રા નદીના તટ પાસે આવ્યા. ત્યાં રમણીય એવું મહાપુર નામનું એક નગર જોયું. તે નગર પ્રૌઢિમાને પ્રાપ્ત થયેલું અને ત્રણ લોકમાં તિલક સમાન હતું. નદીના કિનારા ઉપર આમ્ર, બીર, નારંગ, પુન્નાગ, ફૂટજ તથા તમાલ, તાલ, હિતાલ વગેરે વૃક્ષોના જુદા જુદા મનોહર બગીચાઓ હતા. તેમજ વાવો, કુવાઓ, સરોવરો, મઠો અને દાનશાળાઓ પણ પુષ્કળ હતી. વળી તે નગરમાં કેટલાક તો સ્વર્ગ જેવા પ્રદેશો (વિભાગો) હતા. તે નગરની ફરતો સુવર્ણમય કાંગરાવાળો કિલ્લો હતો અને તોરણાદિવડે અલંકૃત એવા સ્કુરાયમાન દરવાજા હતા. તે નગરની દુકાનોમાં વેચવા લાયક દરેક વસ્તુ દેખાતી હતી. વિષ્ણુના ઉદરમાં જેમ માર્કંડ ઋષિએ બધું જોયું હતું તેવું લાગતું હતું. ત્યાં ઘરોની શ્રેણિ વિમાનોની શ્રેણિ જેવી શોભતી હતી વળી તે નગર સુવર્ણમય કુંભોવાળા શ્રીજિનમંદિરોથી પણ સુશોભિત હતું.
આવું સુંદર નગર હોવા છતાં તે મનુષ્ય વિનાનું શૂન્ય દેખાતું હતું. તે સાતે જણા રાજમાર્ગે જાય છે, એટલામાં તેમણે અશ્વના પગલાં જોયા. તેથી તે પગલાં અનુસારે ચાલતાં રાજમહેલ પાસે આવ્યા. તેઓ મહેલ નજીક ગયા એટલે એક હજાર ઉજવળ શિખરવાળો હોવાથી કૈલાસપર્વત જેવો શોભતો રાજમહેલ જોયો. તેઓએ તેના પ્રવાલના દળથી મંડિત દ્વારમાં પ્રવેશ કર્યો, આગળ ચાલતાં નીલરત્નની ભૂમિમાં જળના ભ્રમથી શંકાપૂર્વક પગ મૂકવા લાગ્યા. આગળ ચાલતાં નાક કાપેલી પરંતુ સ્થૂળ દેહવાળી અને દેહની પ્રજાના સમૂહથી પૂર્ણ કરેલ છએ દિશાઓના મુખને જેણે એવી એક વૃદ્ધ સ્ત્રીને સુંદર આસન પર બેઠેલી જોઈ. સાતે જણાએ તેને . નમસ્કાર કર્યો અને તેથી તેણીએ તેને આશિષ આપ્યા કે–“હે વત્સો ! તમે સારી સ્ત્રીના સંગમવાળા થાઓ અને આ સાતે કન્યાઓ સાથે અનેક પ્રકારના સુખભોગ ભોગવો.”