________________
સપ્તમ પલ્લવઃ
૧૭૯
પ્રહાર કર્યો. કુમારનું આવું સત્ત્વ જોઈને તે કુકર્મ કરનારો કપાલી તેને આકાશમાં જ મૂકીને અચાનક ક્યાંક જતો રહ્યો. આલંબન વિનાનો કુમાર આકાશમાંથી સમુદ્રમાં પડ્યો. પૂર્વ પુણ્યના પ્રભાવથી તેને પાટીયું મળી ગયું. પછી નદી ઘોલના ન્યાયે હળુકર્મીપણાને પામેલો જીવ જેમ અતિ દુસ્તર સંસારને તરીને સદ્ગતિને પામે છે, તેમ મત્સ્યો અને કાચબાઓ વગેરેથી અતિ ભયંકર એવા સમુદ્રમાં કલ્લોલોવડે પ્રેરણા પામેલો તે કુમાર નવ દિવસે કિનારે પહોંચ્યો.
કિનારો જોઈને ચંદ્રોદયકુમાર મનમાં હર્ષ પામ્યો અને સમુદ્રને કિનારે ફરવા લાગ્યો. શ્રીફળનાં પાણીવડે મર્દન કરીને શરીર સ્વસ્થ કર્યું. ત્યાં પત્રો, પુષ્પો અને રમણીય ફળો વગેરેથી પ્રાણયાત્રા કરતો તે કુમાર કોઈ દ્વીપમાં ક્રીડા કરવા ગયેલ દેવની જેમ દરેક વનમાં ફરવા અને ક્રીડા કરવા લાગ્યો. માતાપિતાનો વિયોગ સ્મરણમાં આવવાથી તેને દુઃખ ઉત્પન્ન થયું, પરંતુ પૂર્વોક્ત ગાથાનું સ્મરણ કરીને તે દુઃખને અવગણી ધૈર્યવડે તે આખા વનમાં ભમવા લાગ્યો. તે મહાઅરણ્યમાં ભમતાં એક વખત તેણે એક કન્યાના રૂદનનો શબ્દ સાંભળ્યો. તે કન્યા આ પ્રમાણે બોલતી ‘હતી કે—અરે દૈવ ! તેં મને આવી નિર્ભાગ્ય અને દુઃખથી ભરેલી શા માટે સર્જી ? હવે બન્યું તે ખરું, પણ આ ભવમાં કે આગામી ભવમાં ચંદ્રોદયકુમાર મારા સ્વામી થજો.'’ આ પ્રમાણે કહીને તે બાળા આંબાના વૃક્ષ પર ચડી તેની ડાળની સાથે ગળાફાંસો બાંધીને પોતાના ગળામાં નાખી લટકવા ગઈ તેટલામાં ચંદ્રોદય ત્યાં પહોંચ્યો અને તરત જ તેણે તેનો પાસ છેદી નાંખ્યો અને તેને યોગ્ય ઉપચારવડે સાવધ કરી. તે દરમ્યાન એક ખેચર ત્યાં આવ્યો. કુમારે તે કન્યા ગળાફાંસી· ખાતી હતી તે હકીકત કહી. વિદ્યાધરે કહ્યું કે—‘હે કુમાર ! તમે ખરેખરા પરોપકારી છો કે જે આ કન્યાને મૃત્યુથી બચાવી છે.”
કુમારે વિદ્યાધરને પૂછ્યું કે—‘આ કયો દ્વીપ છે ? તમે કોણ છો ? આ કન્યા કોણ છે ? અને તે શા માટે મૃત્યુ પામતી હતી ?” ખેચર બોલ્યો કે—‘‘હે કુમાર ! સાંભળો. આ અમર નામનો દ્વીપ છે. અહીં જાણે પૃથ્વીપર આવેલ સ્વર્ગનો ખંડ હોય એવું શોભતું અમરપુર નામનું નગર છે. ત્યાં ચંદ્રસમાન ઉજ્વળ ભુવનચંદ્ર નામે રાજા રાજ્ય કરે છે. તેને ચંદ્રાવલી નામે રાણી છે અને કમલમાલિકા નામે પુત્રી છે. એક વખત તે કન્યા સખીઓ સાથે વનમાં ક્રીડા કરવા ગઈ અને ત્યાં હર્ષપૂર્વક અનેક પ્રકારની ક્રીડા કરવા લાગી. તે વખતે ત્યાં બીજા કિંનર અને કિંનરીઓ મળીને સુસ્વરવડે ચંદ્રોદય કુમારના ગુણોનું ગાન કરવા લાગ્યા. કુમારીએ તે ગુણગાન સાંભળીને તેની પાસે જઈને પૂછ્યું કે—તે કુમાર કોણ છે કે જેનું દેવાંગનાઓ પણ ગુણગાન કરે છે?' કિન્નરી બોલી કેમ્પ‘હે કન્યા ! પુષ્પભદ્ર નામના નગરનો પુષ્પચૂલ નામનો રાજા છે. તેને પુષ્પમાલિની નામે રાણી છે. તેની કુક્ષીરૂપી સરોવરમાંથી અવતરેલો હંસ સમાન ચંદ્રોદય નામનો કુમાર છે. જેણે લાખ સોનૈયા આપીને એક ગાથા ખરીદી છે. તેના ગુણોનું અમે ગાન કરીએ છીએ.' આ પ્રમાણે કહીને તે કિન્નરયુગલ આકાશમાં ઉડ્યું. રાજપુત્રી તેમની વાત સાંભળીને ચંદ્રોદયકુમાર ઉપર સ્નેહવાળી થઈને ચિંતવવા લાગી કે‘આ ભવમાં કે આગામી ભવમાં ભત્તર તો ચંદ્રોદયકુમાર થજો. મનથી પણ હું હવે બીજા પુરુષને ઇચ્છતી નથી.‘ આ પ્રમાણે વિચારીને તેણે તેવી પ્રતિજ્ઞા કરી.