________________
છઠ્ઠો પલ્લવઃ
૧૬૧ રસના આસ્વાદનમાં કુતૂહલ, સારા શ્લોકો રચવાની શક્તિ, પરપીડા સમાવવામાં પ્રયત્ન અને શ્રીજિનેશ્વરની આરાધનામાં તત્પરતા–કોઈક ધન્ય જીવને જ પ્રાપ્ત થાય છે. તે ભવ્યપ્રાણી ! તું પ્રાણીમાત્રમાં સમભાવ ને ધારણ કર, સંસારપર નિર્મમત્વ બુદ્ધિ લાવ, મનના શલ્યને દૂર કર અને ભાવશુદ્ધિનો આશ્રય કર.”
આ પ્રમાણેની દેશના સાંભળીને રાજા અત્યંત વૈરાગ્યવાસિત થયો. પછી તેણે પોતાના પૂર્વભવ સંબંધી અને તેમાં કરેલ પુણ્ય સંબંધી પૃચ્છા કરી. ગુરુમહારાજે કહ્યું કે-“હે મહીનાથ ! તેં પૂર્વ જન્મમાં જે મહાતપ કરીને પુણ્ય ઉપાર્જન કર્યું છે તે હું સ્પષ્ટપણે કહું છું. તે સાંભળ :–
પુરુષોત્તમ રાજાનો પૂર્વભવ, આ ક્ષેત્રમાં જ નરકાંતા નામની રમણીય નગરી છે. ત્યાં અનેક હસ્તીઓની શ્રેણિથી વિભૂષિત નરસેન નામનો રાજા હતો તે નગરમાં ગુણસાર નામનો મહાધનવંત સાર્થવાહ વસતો હતો. તેને પતિના ચિત્તને અનુસરનારી તે પ્રમાણે જ વર્તનારી ગુણશ્રી નામની પ્રિયા હતી. કેટલોક વખત પસાર થયા પછી દુર્દશાના યોગથી કોઈ જીવ નરકમાંથી ચ્યવીને ગુણશ્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયો તે ગર્ભના પ્રભાવથી ગુણશ્રીને અશુભ દોહલા થવા લાગ્યા. તેમજ મલિન વસ્ત્ર ગમવા લાગ્યા અને કુત્સિતઅન્ન રૂચવા લાગ્યું. “હું દાન આપવા ઇચ્છતી નથી, છતાં આ ભિક્ષુકો શા માટે મારે ઘેર આવે છે.” આમ ગર્ભના પ્રભાવથી તેના ચિત્તમાં અશુભ વિચાર આવવા લાગ્યા. દુર્ભાગ્યના વશથી તેનો પતિ ગુણસાર મૃત્યુ પામ્યો અને તેની જળમાર્ગે અને સ્થલમાર્ગે રહેલી તેમજ ઘરમાં રહેલી સર્વ લક્ષ્મી નાશ પામી. જેના હાથમાં જે આવ્યું તે ઉપાડી ગયા. અનુક્રમે પુત્રનો જન્મ થયો. ત્યારપછી કેટલેક દિવસે તેની માતા મરણ પામી. પૂર્વ પાપના કેટલાક ઉદયથી તે બાળક કૃશ, પીળા કેશવાળો, કુબડો, વામણો, કુરૂપ અને દુર્ભાગી થયો. તેનું કુટુંબ તો નાશ પામ્યું હતું પણ બીજા લોકોએ દયા આવવાથી તેને પાળ્યો. “દયાળુ મનુષ્યો સુગુણ અને નિર્ગુણપણું જોતા નથી.” તેણે લક્ષ્મી, કુટુંબ બધું સંવરી લીધું. અને તેથી બાળકાળથી લોકોએ તેનું નામ સંવર રાખ્યું. તે જયાં જાય ત્યાં ઉંચે સ્વરે દુર્વાક્યો કહીને લોકો તેને તાડના કરતા હતા. કાગડાઓનો ઉપદ્રવ ઘુવડ સહન કરે તેમ, તે બધી પીડા સહન કરતો હતો. એકવખત તે રાજકારે ગયો તો ત્યાં દ્વારપાળે તેને તાડના કરી કાઢી મૂક્યો. તરુણ થયા છતાં પણ દુષ્કર્મના યોગથી તેનું વિરૂપપણું ગયું નહીં.
આ પ્રમાણે મહાદુર્દશાયુક્ત ઘણી કાળ વ્યતીત થયે છતે તે સંવર દૌર્ભાગ્યના દુઃખથી ચિત્તમાં વિચારવા લાગ્યો કે- “અહો મારું એવું તે કેવું મહાપાપ છે કે જેથી મારા માતાપિતાનો, કુટુંબનો અને સંપત્તિનો બધાનો નાશ થયો ? મારા મનોરથો દુર્ભાગીની જેમ મનમાં ઉત્પન્ન થઈને પાછા મનમાં જ શમી જાય છે. કુલાંગાર એવા મેં મિત્રોની વાણી માની નહીં. આત્મલાઘવતા ગણી નહીં અને જનપ્રવાહથી હું ભય પામ્યો નહીં. સૈનિક, કૃતઘ્ન, વ્યાધ (પારઘી), વ્રતલોપી અને વિશ્વાસઘાતીઓમાં, તિર્યંચ તથા નરકગામી જીવોમાં, પ્રચ્છન્ન પાપ કરનારાઓમાં, અનંત સંસાર ભમનારા અભવ્યોમાં, મદાંધોમાં, માંસભક્ષણ કરનારાઓમાં અને કુળને મલીન કરનારાઓમાં મારા જેવો દુર્દશાવાનું કોઈ જણાતો નથી. અંધ સારો, મૂર્ધસારો,