________________
" निमित्तमात्रोहम्
અનંત ઉપકારી અનંત કરુણા સાગર શ્રી અરિહંતપરમાત્માઓ પૂર્વના ત્રીજાભવમાં “સવિજીવકરું શાસનરસી’’ એવી ભાવનાના પ્રતાપે તીર્થંકરનામકર્મ બાંધે છે. અને વીશસ્થાનક તપની ઉત્કૃષ્ટ આરાધના કરવા દ્વારા તે તીર્થંકર નામકર્મ નિકાચિત કરી સંયમની સાધના આદિ દ્વારા વૈમાનિક દેવલોકમાં (ક્વચિત્ જ નરકમાં) પધારે છે. ત્યાં પણ વિરક્તભાવે દૈવીભોગો ભોગવી ત્યાંથી ચ્યવી નિર્મળ ત્રણજ્ઞાનના સ્વામી એવા તે રાજકુલમાં અવતરે છે. ત્યાં પણ વિરક્તભાવે ભોગાવલી કર્મો ભોગવવાના હોય તો ભોગવી અન્તે સર્વસંગનો ત્યાગ કરી પરમાત્મા સંયમસામ્રાજ્યનો સ્વીકાર કરે છે. ત્યારે ચોથું મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારબાદ કર્મજન્ય પરિષહ-ઉપસર્ગોને સહન કરતાં કરતાં યથાસમયે ચાર ઘાતીકર્મોનો ક્ષય કરી પરમતારક પરમાત્મા કેવળજ્ઞાન- કેવલદર્શનને પામે છે. તેના દ્વારા પરમાત્મા જેટલું જાણે છે ને જુએ છે તેનો અનંતનો ભાગ જ કહી શકે છે અને જેટલું કહે છે તેનો અનંતમો ભાગ જ શ્રીગણધરભગવંતો સૂત્રનિબદ્ધ કરે છે.
પ્રસ્તુત ચરિત્રમાં ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરસ્વામી પ્રભુ કેવલીપણે વિચરતાં વિચરતાં દેશ-નગર-ગામને પાવન કરતાં કરતાં અનુક્રમે પોતાની જન્મભૂમિએવા ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થવન ઉદ્યાનમાં પધારે છે. ચારે નિકાયના દેવો આવીને ભૂમિશુદ્ધિ કરવા દ્વારા યોજનપ્રમાણ સમવસરણની રચના કરે છે.
ત્યારે ઉદ્યાનપાલક શ્રીનંદિવર્ધન મહારાજાને અત્યંત આનંદદાયક વધામણી આપવા જાય છે વધામણીના આનંદદાયક સમાચાર સાંભળતા જ મહારાજા સિંહાસન ઉપરથી ઊભા થઈ જાય છે એકદમઆનંદિત-આનંદિત બની જાય છે. ત્યારે મુગટ સિવાયના તમામઅલંકારો ઉદ્યાન પાલકને પ્રીતિદાનરૂપે સમર્પણ કરે છે. અને તુરત જ પરિવાર-નગરજનો-સેના આદિથી પરિવરેલા મહારાજા પોતાના લઘુબંધુ અને ત્રણલોકના નાથ એવા શ્રીપરમાત્માને વંદન કરવૉ ઉદ્યાનમાં પધારે છે. ત્યાં જઈને પંચાભિગમ સાચવવા પૂર્વક શ્રીપરમાત્માની સુમધુર કંઠે સ્તવના કરે છે. ત્યારબાદ પરમાત્મા શ્રીમહાવીરદેવ ૬૪૦૦૦ રાગ-રાગિણી યુક્ત માલકોષ રાગમાં અર્ધમાગધી ભાષામાં સર્વભાષાનુગામી દેશનામાં ધર્મના મૂળભૂત ચાર પાયા સ્વરૂપ દાન-શીલ-તપ-ભાવ ધર્મનું વિસ્તારથી વર્ણન કરે છે.