________________
પ્રાસંગિક
આવશ્યક નિર્યુક્તિ ગ્રંથની આવશ્યક્તા સાધુ-સાધ્વીજી ભગવંતોમાં અત્યંત મહત્વની છે. જે ગ્રંથ સાધુ-સાધ્વીજી ભગવંતોને શરૂઆતના વર્ષોમાં ભણવાનો છે તે ગ્રંથ ભણવા અને ભણાવવામાં ક્યારેક કોઈક પંક્તિ અટકી જાય ત્યારે ગ્રંથ આગળ વધે નહિ. તેથી આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં સરળતાથી પ્રવેશ કરવા માટે ગુજરાતી ભાષાંતરની જરૂરિયાત હતી. તેની લાંબા સમયથી માંગ પણ હતી અને આ માંગની પૂર્તિ અર્થે આ ગ્રંથના ભાષાંતરની શરૂઆત મારા શિષ્યરત્ન મુનિશ્રી આર્યરક્ષિત વિજયજીએ કરી.
ભાષાંતર દરમિયાન જે સ્થાનો શંકિત હતા તે સ્થાનો અંગે સમુદાયના વિદ્વાન મહાત્માઓને પુછાવ્યા અને ઉદારચરિત મહાત્માઓએ જે તે સમયે પ્રશ્નોના નિરાકરણ કરીને ગ્રંથની રચનાને આગળ વધારી હતી. તેઓના અમે ઋણી છીએ. આવશ્યક નિર્યુક્તિના એક એક ભાગ જૈન સંઘને સમર્પિત થતા જાય તેમ તેમ આનંદની લાગણી પ્રગટે તે સહજ છે.
અમારા સમુદાયમાં પહેલેથી સ્વાધ્યાયનો જોગ વિશેષ રહેવાથી સ્વાધ્યાયનું વાતાવરણ મુનિશ્રી આર્યરક્ષિત વિ.ને મહાનગ્રંથનું ભાષાંતર કરવા પ્રેરણાદાયી બન્યું. તેમાં પણ પૂ.ગુરુદેવશ્રી ચન્દ્રશેખર વિજયજી મ.સાહેબના સ્વાધ્યાયપ્રેમ અને પ્રેરણા આ ગ્રંથના સર્જનમાં સહાયક બન્યા. સ્વ-પરને ઉપકારક નવા નવા ગ્રંથો જૈન સંઘને મળતા રહે તેવી પ્રાન્તે ભાવના ભાવીશ તો તે અયોગ્ય નહિ લેખાય. અનેકાનેક સાધુ-સાધ્વીજી ભગવંતો આવશ્યકનિર્યુક્તિના ગ્રંથ દ્વારા વિશેષ સ્વાધ્યાયમાં જોડાય તથા આપણા સૌમાં ઝ્ આવશ્યક પ્રત્યેનો સદ્ભાવ પેદા થાય તો મુનિશ્રીનો પ્રયત્ન સફળ થયો લેખાશે. એ જ અપેક્ષા સહ.....
અમાવાદ-તપોવન
અષાઢ સુદ ૬ વિર
લિ. મુનિ જિતરક્ષિતવિજયની વંદના / અનુવંદના
૫