________________
પરમાત્મા દ્વારા ગણધર ભગવંતોને આપવામાં આવ્યું હતું. ગણધર ભગવંતોએ એ જ્ઞાનને સૂત્રબદ્ધ કર્યું જે કાલક્રમે આગમગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયું. આગમગ્રંથોમાં અનેક વિષયનું સૂક્ષ્મ ચિંતન પ્રાપ્ત થાય છે. તેમાં દંડકનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે.
દંડકના પ્રત્યેક પદાર્થોનું વિવેચન આગળ કરવામાં આવ્યું છે. સાથે અન્ય દર્શનમાં આ વિશે શું વિવેચન કરવામાં આવ્યું છે તે અંગે પણ અહીં સંક્ષિપ્ત વિચારણા કરવામાં આવી છે. કર્મવાદ, ગુણસ્થાનક, માર્ગણાસ્થાન, ગતિ-અગતિ જેવા અનેક સિદ્ધાંતો જૈનદર્શનના મૌલિક સિદ્ધાંતો છે જેનું વિવેચન માત્ર જૈન દર્શનમાં જ પ્રાપ્ત થાય છે. તેના સમાન વિચારો અન્ય દર્શનમાં પ્રાપ્ત થતા નથી તેથી તેની તુલના કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. તેવી જ રીતે દંડકની અવધારણા પણ જૈન ધર્મની મૌલિક અવધારણા છે. તેના સમાન વિચારધારા અન્ય દર્શનમાં પ્રાપ્ત થતી નથી માટે આપણે
સ્વીકારવું પડે કે જૈન ધર્મની વિચારધારા અનેક બાબતોમાં અન્ય દર્શનો કરતાં વધુ | વિકસેલી તથા વિસ્તરેલી હતી.
જ્યાં અન્ય દર્શનોમાં પુણ્ય કરવાથી સુખ અને પાપ કરવાથી દુઃખ એવો સામાન્ય ઉલ્લેખ માત્ર કરવામાં આવ્યો છે ત્યાં જૈનદર્શનમાં સુખના પ્રકારો, દુઃખના પ્રકારો, પુણ્યના પ્રકારો અને પાપના પ્રકારનોની વિશેષ વિશદ વિચારણા કરી છે.
દંડકના ૨૪ સ્થાનકોની વિચારણા બૌદ્ધદર્શન કે વૈદિક દર્શનોમાં પ્રાપ્ત થતી નથી. જીવના વિભિન્ન કર્મોને કારણે વિભિન્ન ફળોની વિસ્તૃત તો નહીં જ પરંતુ સંક્ષિપ્ત વિચારણા પણ અન્યત્ર પ્રાપ્ત થતી નથી. ચારગતિ, પૃથ્વીકાય આદિ પાંચ ભેદ (પ્રાકૃતિક તત્ત્વો), સ્વર્ગ, નરક, આદિનો ઉલ્લેખ જરૂર મળે છે પણ તેમના કાળમાન, જીવપરિમાણ, સ્થિતિ, આયુ, સુખના પ્રકારો આદિની જેટલી વિશદ વિચારણા જૈનદર્શનમાં (આગળના પ્રકરણોમાં જણાવેલ બાબતો) પ્રાપ્ત થાય છે તેટલી પ્રાપ્ત થતી નથી. આમ જૈન દર્શન અનેક બાબતે વધુ સૂક્ષ્મ અને વિશદ વિચારણા ધરાવે છે. તેનું અધ્યયન માનવજીવનને સુખ આપવા માટે સૂક્ષ્મ છે. મનને વધુ વિશદ જ્ઞાનનો પ્રકાશ પૂરો પાડે છે.
૫૦૯