________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
આ વિષે અર્જુનમાળી, ચિલાતિપુત્ર, વાલ્મીકિ, અંગુલિમાલ વગેરે અનેક દૃષ્ટાંતો છે. તેમાં અહીં આપણે અંગુલિમાલનો પ્રસંગ જોઈએ.
346
અંગુલિમાલનું દૃષ્ટાંત
જ્યારે શ્રેણિક રાજા જૈન ધર્મ પામ્યો ન હતો અને ગૌતમબુદ્ધનો ભક્ત હતો ત્યારનો આ પ્રસંગ છે. મગધ દેશની રાજગૃહી નગરીના આસપાસના દેશમાં એક મહાન ડાકુ હતો. તે જંગલમાં મળતા મુસાફરોની સંપત્તિ લૂંટી લેતો હતો. જે વધારે સામનો કરે તે મુસાફરોની સંપત્તિ લૂંટીને હાથની આંગળી કાપી લેતો હતો. અનેક આંગળીઓની માળા બનાવીને ડોકમાં પહેરતો હતો. આથી તેની અંગુલિમાલ તરીકે પ્રસિદ્ધિ બની. એકવાર ગૌતમબુદ્ધ એ પ્રદેશ તરફ જતા હતા. ગોવાળીયાઓએ તેમને કહ્યું : આ રસ્તે ડાકુ છે. માટે તમે બીજા રસ્તે જાઓ. ગૌતમબુદ્ધે વિચાર્યું : લોકો બહારના ડાકુથી ભય પામે છે. પણ અંદરના ક્રોધાદિ ડાકુથી ભય પામતા નથી. મને બહારના ડાકુઓનો જરાય ભય નથી. આમ વિચારી ગૌતમબુદ્ધ આગળ ચાલ્યા. ગૌતમબુદ્ધને આગળ જતા જોઈને વૃક્ષ નીચે બેઠેલા અંગુલિમાલે બૂમ પાડી : એય ! કોણ છે ? થોભી જા. બુદ્ધે ચાલતાં ચાલતાં જ શાંતિથી કહ્યું : હું તો થોભેલો છું, પણ તું થોભી જા. તારે જ થોભવાની જરૂર છે. અંગુલિમાલ આ સાંભળીને વિચારમાં પડ્યો. આજ સુધી આ રીતે ઉત્તર આપનાર કોઈ મને મળ્યો નથી. આ મુસાફર વિચિત્ર લાગે છે. પોતે ચાલ્યો જાય છે, છતાં થોભેલો છું એમ કહે છે, અને હું બેઠેલો છું છતાં મને થોભી જા એમ કહે છે. તેણે બુદ્ધ પાસે આવીને તેના કહેવાનો ભાવ પૂછ્યો. બુદ્ધે કહ્યું : મારો કહેવાનો આશય એ છે કે હું મારા આત્મામાં સ્થિર છું. હું મારા આત્માના શુભ ભાવોમાં રહેલો છું. તને પણ એ જ કહી રહ્યો છું. તું હિંસા આદિ બાહ્ય ભાવોથી હટીને તારા આત્મામાં સ્થિર થા. ઉપદેશની જોરદાર અસર થવાથી તે જ વખતે તે ગૌતમબુદ્ધનો શિષ્ય બની ગયો.
એક તરફ અંગુલિમાલ ગૌતમબુદ્ધનો શિષ્ય બની ગયો તો બીજી તરફ પ્રસેનજિત (શ્રેણિક) રાજાએ આકાશ પાતાળ એક કરીને તેને પકડવાનો નિર્ણય કર્યો. તે મોટું સૈન્ય લઈને તેને પકડવા ચાલ્યો. જતાં પહેલાં ગૌતમબુદ્ધને વંદન કરવા અને માંગલિક સાંભળવા ગયો. ગૌતમબુદ્ધે પ્રસેનજિતને અણધાર્યો આવેલો જોઈને પૂછ્યું : આજે ક્યાં જવું છે ? પ્રસેનજિતે કહ્યું : અંગુલિમાલ ડાકુને પકડવા માટે જઈ રહ્યો છું. તે વર્ષોથી મુસાફરોને હેરાન કરે છે. પ્રજા એનાથી ત્રાસી ગઈ છે. ગૌતમબુદ્ધે વચ્ચે જ કહ્યું : પણ આટલું મોટું લશ્કર સાથે કેમ છે? પ્રસેનજિતે કહ્યું : બહુ જ જોરાવર ડાકુ છે, કદાચ આટલું સૈન્ય પણ નાનું પડશે. બુદ્ધે બીજો પ્રશ્ન કર્યો : તે પકડાઈ જશે તો તમે શું કરશો ? ફાંસીએ ચઢાવી દઈશ. ગૌરવથી રાજાએ જવાબ આપ્યો. પણ જો તે સાધુ થાય તો ? એવાઓ કદી સાધુ થતા હશે ? આપ પણ કેવી વાત કરો છો ? અહીં રહેલા સાધુઓમાં અંગુલિમાલને બેઠેલો બતાવું તો ? તો હું તેને પગે પડીશ. ગૌતમબુદ્ધે સાધુઓ તરફ નજર કરીને અંગુલિમાલ તરફ આંગળી કરતાં કહ્યું : આ રહ્યો તે અંગુલિમાલ. પ્રસેનજિત તો આભો બનીને તેને ફાટી આંખે જોઈ જ રહ્યો. પછી તેણે ડાકુમાંથી સાધુ બનેલા અંગુલિમાલને ભાવભરી વંદના કરી. આ છે સંતસમાગમનો મહિમા.
આથી જ કહ્યું છે કે—
साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः । कालेन फलते तीर्थं, सद्यः साधुसमागमः ॥
‘સાધુઓનું માત્ર દર્શન પણ પુણ્ય સ્વરૂપ છે-દર્શન કરનારને પવિત્ર બનાવે છે. આથી સાધુઓ (જંગમ) તીર્થ સ્વરૂપ છે. (મંદિર વગેરે સ્થાવર) તીર્થ લાંબા કાળે ફળે છે. જ્યારે સાધુ મહાત્માઓનો