________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર 344
શ્રાદ્ધદિનકૃત્ય
વીતરાગ અવસ્થા ન આવે ત્યાં સુધી સત્સંગ જરૂરી
આથી જીવ વીતરાગ ન બને ત્યાં સુધી તેને સત્સંગની=સારા આલંબનોની જરૂર છે. આત્માના ગુણોને પ્રગટાવવા અને પ્રગટેલા આત્મગુણોનું રક્ષણ કરવું બહુ મુશ્કેલ છે. કારણ કે આંતરશત્રુઓ તક મળતાં ઊંચે ચઢેલાને પણ નીચે પાડે છે. જેણે આંતર શત્રુઓ ઉપર થોડો વિજય મેળવ્યો છે, એવો આત્મા પણ જો ગફલતમાં રહે તો આંતર શત્રુઓ તેને ઘેરીને નીચે પટકાવી દે છે. પાંજરામાં પૂરાયેલો સિંહ સામાન્ય માણસના પણ આક્રમણને લાચારીથી સહન કરી લે છે, પણ જો તેને તક મળી જાય તો તે ભલભલાને પણ ચીરી નાખે. પણ સિંહ મરી જાય પછી તેનાથી કોઈને ગભરાવાનું રહેતું નથી. અહીં આંતરશત્રુઓ ઉપર થોડો વિજય એ પાંજરામાં પૂરેલા સિંહ સમાન છે. સંપૂર્ણ વિજય (આંતરશત્રુઓનો સર્વથા નાશ) એ મરેલા સિંહ સમાન છે. એટલે જ્યાં સુધી આંતર શત્રુઓ ઉપર સંપૂર્ણ વિજય ન થાય ત્યાં સુધી સાધકે આંતરશત્રુઓને આક્રમણની તક ન મળી જાય એ માટે સાવધ રહેવું જોઈએ. એ માટે કુસંગનો ત્યાગ કરીને સત્સંગ કરવો જોઈએ.
વૃક્ષ જ્યારે નાનું હોય છે ત્યારે તેને હવા–પાણીની જરૂર રહે છે. સૂર્યના પ્રકાશની અપેક્ષા રહે છે. પશુઓ વગેરે તેને પાડી ન નાખે એ માટે વાડની પણ જરૂર રહે છે. હવા આદિની સહાયથી વૃક્ષ મોટું બની જાય છે, મજબૂત બની જાય છે, જમીનમાં ઊંડે સુધી મૂળિયાં ફેલાવી દે છે, પછી તેને વાડની જરૂર રહેતી નથી. આ જ બાબત આધ્યાત્મિક ક્ષેત્ર માટે છે. વીતરાગ દશાને પામેલો જીવ જમીનમાં ઊંડે સુધી ફેલાયેલાં મૂળિયાંવાળા મોટા વૃક્ષ સમાન છે. પણ એ પહેલાં તેને કુસંગના ત્યાગની અને સત્સંગના સેવનની જરૂર રહે છે.
અયોગ્ય જીવ સત્સંગથી પણ ન સુધરે, યોગ્ય જીવ કુસંગથી પણ ન બગડે.
પ્રશ્ન : ઘણા જીવો સુસંગ પામવા છતાં સારા બનતા નથી અને કોઈ જીવો કુસંગ પામવા છતાં બગડતા નથી. આનું શું કારણ ?
ઉત્તર : સુસંગ પામવા છતાં ન સુધરે તો તેમાં સુસંગની ખામી ન ગણાય, કિન્તુ જીવની યોગ્યતાની ખામી ગણાય. સુસંગનો સ્વભાવ તો પોતાના સંગમાં આવનારને સારો બનાવવાનો છે. કેટલાક જીવો એટલા બધા અયોગ્ય હોય છે કે તેમના ઉપર સુસંગની જરાય અસર ન થાય. જેમ કે અગ્નિમાં કઠણ પણ મગને સીઝી નાખવાની = નરમ બનાવી દેવાની તાકાત છે, પણ કોયડા મગનો દાણો જરા પણ સીઝતો નથી = નરમ બનતો નથી. અહીં અગ્નિની ખામી ન ગણાય, કિન્તુ મગની ખામી ગણાય. તેવી રીતે જીવ કુસંગ પામવા છતાં બગડે નહિ તો તેમાં તે જીવની ઉત્તમતા ગણાય. બાકી કુસંગનો સ્વભાવ તો બગાડવાનો જ છે. સૂર્યના કિરણોથી બરફ તપતો નથી, તેમાં બરફની વિશેષતા ગણાય. સૂર્યનો સ્વભાવ તો તપાવવાનો જ છે. એટલે જે સુસંગથી સુધરે નહિ તેનામાં લાયકાતની ખામી ગણાય, અને જે કુસંગથી બગડે નહિ તેની લાયકાતની વિશેષતા ગણાય. આથી જ એક કવિએ કહ્યું છે કે
સંગત પા સુધરે નહિ, તાકા બડા અભાગ, પા કુસંગ બિગડે નહિ, તાકા બડા સુભાગ.
જે જીવ સુસંગ પામીને સુધરતો નથી, તે જીવ અભાગીયો છે, અને જે જીવ કુસંગ પામીને બગડતો નથી તે જીવ ભાગ્યશાળી છે.
ભગવાન મહાવીર સ્વામીનો સંગ અનેક જીવોને થયો. તેમાં સૌથી પહેલો સંગ ગોશાળાને થયો. છતાં * ત્યગત્યનીસ્તમ, હિમ વેö ન શીતતા=સૂર્યના કિરણોથી તપેલો બરફ પોતાના શરીરનો ત્યાગ કરે છે, પણ શીતલતાને છોડતો નથી.