________________
શ્રાદ્ધદિનકૃત્ય
વીશમું યતિવિશ્રામણા દ્વાર
આ સાધુઓ અને મોટા મોટા શેઠિયાઓ મારી સેવા કરે છે. આ પ્રભાવ દીક્ષાનો છે. ખાવા માટે દીક્ષા લીધી, તો પણ પ્રત્યક્ષ આટલો લાભ થયો, તો આત્મા માટે દીક્ષા લેવાય તો કેટલો બધો લાભ થાય? આવી ઉત્તમ દીક્ષા આપનારા ગુરુ મારા મહાન ઉપકારી છે. હું એમના ઉપકારનો બદલો ક્યારે વાળી શકીશ. મારી સેવા કરનારા આ સાધુઓ અને અપેક્ષાએ શ્રાવકો પણ મારા ઉપકારી છે. આવા આવા શુભ વિચાર કરતો તે મૃત્યુ પામ્યો. મનુષ્યભવમાં આવીને સંપ્રતિ નામે મહાન રાજા થયો. તેમણે કરેલી શાસનપ્રભાવના સુપ્રસિદ્ધ છે.
339
(૨) ભરત અને બાહુબલિએ પૂર્વભવમાં કરેલી પાંચ સો સાધુઓની વેયાવચ્ચ અને વિશ્રામણા પણ સુપ્રસિદ્ધ છે.
(૩) નયસારના જીવે ભૂલા પડેલા સાધુઓની સેવા કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું.
(૪) શ્રી નેમિનાથ ભગવાને પહેલા ભવમાં મૂર્છા પામેલા સાધુની સેવા કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું. તે પ્રસંગ આ પ્રમાણે છે: ધન રાજા અને ધનવતી રાણી એક દિવસ ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં જઈ રહ્યા હતા. રસ્તામાં કોઈ મુનિને મૂર્છિત પડેલા જોયા. આથી તે બંને ત્યાં ગયા. બહુમાન પૂર્વક ઉપચારો કરીને મુનિને સ્વસ્થ કર્યા. તે મુનિની દેશના સાંભળીને ધન સમ્યગ્દર્શનને પામ્યો. પછી મુનિને ઘરે લઈ જઈને બંનેએ ખીર વહોરાવી. સાધુને માસકલ્પ સુધી ત્યાં રાખીને બંને ધર્મમાં દૃઢ બન્યા.
(૫) આદિનાથ પ્રભુનો જીવ નવમા ભવે જીવાનંદ વૈદ્ય હતો. તેને પાંચ મિત્રો હતા. તે છએ ભેગા મળીને એકવાર કોઢથી ઘેરાયેલા મુનિની સેવા કરીને મુનિને નિરોગી કર્યા. આ પુણ્યથી છએ મિત્રો દેવ થયા. (૬) વૈતરણી વૈધે આદરથી સાધુસેવા કરીને આત્મકલ્યાણ સાધ્યું. વેયાવચ્ચ સમ્યગ્દર્શનનું લક્ષણ છે
જે આત્મા હજી દેશવિરતિ કે સર્વવિરતિ નથી પામ્યો, માત્ર સમ્યગ્દર્શનને જ પામ્યો છે, તે આત્માને પણ સાધુની સેવા કરવાની પ્રબલ ભાવના હોય છે. સમ્યક્ત્વનાં ત્રણ લિંગો (સમ્યક્ત્વને જાણવાનાં ચિહ્નો) કહ્યાં છે. તે આ પ્રમાણે : શુશ્રુષા, ધર્મરાગ અને દેવગુરુની વેયાવચ્ચનો નિયમ. શુશ્રૂષા— તત્ત્વ શ્રવણની ઉત્કટ ઈચ્છા. ધર્મરાગ ચારિત્રને પામવાની પ્રબળ અભિલાષા. દેવ-ગુરુ વેયાવચ્ચનો નિયમ એટલે દેવ-ગુરુની વેયાવચ્ચ મારે અવશ્ય કરવી, એવો નિર્ણયાત્મક હાર્દિક ભાવ. જો સમ્યગ્દષ્ટિ આત્મા પણ ગુરુની–સાધુની વૈયાવચ્ચ કરવાના આગ્રહવાળો હોય, તો દેશવિરતિ શ્રાવકે તો સાધુની વેયાવચ્ચ કરવામાં અધિક આગ્રહવાળા બનવું જોઈએ.
આ પ્રમાણે વિશ્રામણા કર્યા પછી સંયમયાત્રા સુખપૂર્વક થાય છે ને ? વગેરે અન્ય કાર્યને પૂછે. પછી સામાયિક પારીને પોતાના ઘરે જઈને ધર્મદેશના કરે. (૨૪૪)