________________
શ્રાદ્ધદિનકૃત્ય
( 95)
નવમું વંદન દ્વાર પ્રશ્ન:- સામાયિક ભાવપૂજા છે. પુષ્પો ગુંથવા વગેરે દ્રવ્યપૂજા છે. દ્રવ્યપૂજા કરતા ભાવપૂજા ઉત્તમ છે. તો અહીં ભાવપૂજારૂપ સામાયિકને છોડીને દ્રવ્યપૂજા કરવાનું કેમ કહ્યું?
ઉત્તર - સામાયિક તો બીજા કાળે પણ કરી શકાય છે, અને પોતાને આધીન છે, એટલે કે સામાયિક જ્યારે કરવું હોય ત્યારે કરી શકાય છે. જિનમંદિરનું કાર્ય તો હમણાં જ થઈ શકે તેવું છે. અવસરે કરેલા જિનમંદિરના કાર્યથી વિશેષ પુણ્ય થાય એમ આગમમાં કહ્યું છે. કહ્યું છે કે- “પ્રસંગોચિત દ્રવ્યપૂજા કરવાથી જીવોને બોધિની (=સમ્યત્વની) પ્રાપ્તિ થાય, સમ્યગ્દષ્ટિ જીવોને જે પ્રિય હોય તે કરવાનું થાય, જિનાજ્ઞાપાલન, જિનભક્તિ અને શાસન પ્રભાવના થાય.”
વિવેચન અહીં જિનપૂજાની વિધિનું વર્ણન પૂર્ણ થાય છે. આ વર્ણનને વિચારતાં નીચેની વિગતો અત્યંત સ્પષ્ટ થાય છે.
(૧) દરરોજ જિનપૂજા કરવી જોઈએ. (૨) જિનપૂજા ભક્તિથી કરવી જોઈએ. (૩) સંપૂર્ણ જિનપૂજા જાતે કરવી જોઈએ. (૪) જિનપૂજા સ્વદ્રવ્યથી કરવી જોઈએ. (૫) જિનપૂજા ઊંચાંદ્રવ્યોથી કરવી જોઈએ. (૬) જિનપૂજા વિધિથી કરવી જોઈએ.
આમાં સૌથી પહેલી વાત એ છે કે જિનપૂજા દરરોજ કરવી જોઈએ અને ભક્તિથી કરવી જોઈએ. જિનપૂજા ભક્તિથી કરવાનું મન થાય એ માટે અરિહંત પરમાત્મા પ્રત્યે બહુમાનભાવ થવો જોઈએ. અરિહંત પરમાત્મા પ્રત્યે બહુમાન થાય અને થયેલો બહુમાન વધે એ માટે એમના ઉપકારનું સતત સ્મરણ કરવું જોઈએ.
અરિહંતોના ઉપકાર
અરિહંતો સર્વ જીવોના હિતચિંતક છે. આ જગતમાં અરિહંતથી અધિક કોઇ ઉપકારી નથી. અરિહંતનો જીવ અરિહંત બને એ પહેલાં જગતના સઘળા જીવોની ભાવદયા ચિંતવે છે. અરિહંતના ભવથી પૂર્વે ત્રીજા ભવમાં, આ સંસારમાં કેવળ દુ:ખ જ છે, મોક્ષમાં જે સાચું સુખ છે, મોક્ષ જિનશાસનની આરાધનાથી જ મળે છે, એમ એમના હૃદયમાં જોરદાર ઠસી ગયું હોય છે. આથી તે મોક્ષના ધ્યેયથી અરિહંત આદિ પદોની જોરદાર આરાધના કરે છે. આરાધના કરતાં એમને એમ પણ થાય છે કે આ કેવી વિચિત્રતા! આ જગતમાં સૂર્ય સમાન જૈન શાસન વિદ્યમાન હોવા છતાં જગતના જીવો મોહરૂપ અંધકારમાં અથડાઇને દુ:ખો પામે છે. આથી જો મારામાં તેવી શક્તિ આવી જાય તો જગતના સઘળા જીવોને આશાસન-જૈનધર્મ પમાડી દઉં. જગતના બધા જીવોને શાસનરસિક બનાવી દઉં. આજ વાતને સ્નાત્રપૂજામાં “જો હોવે મુજ શક્તિ એસી, સવિ જીવ કરું શાસન રસી.” એ શબ્દોથી જણાવી છે.
અરિહંતોએ “સવિ જીવ કરું શાસન રસી” એવી ભાવના કરી તો તમારી કમમાં કમ ગામના બધાને ધર્મ પમાડું એટલી ભાવના છે? શ્રીમંતોએ બીજાઓ પ્રભાવનાદિ દ્વારા આર્ષાઇને ધર્મકરે તેમ કરવું જોઈએ. જગતના જીવો સ્વાર્થમાં રાચે છે. સૌને પોતાની કે પોતાના માનેલ સુખોની પડી હોય છે. પારકાની કોઈને પડી હોતી નથી.