________________
સ. નિર્દોષ હોવા છતાં પ્રતિકાર ન કરીએ અને ખમી લઈએ તો લોકો કહેશે કે ગુનો કર્યો હોય તો અમે જ ને ? ક્યાં જાય ?
સુદર્શન શેઠે એવી ચિંતા કરી ? ખંધક મુનિએ કરી ? લોક તો અજ્ઞાની છે. ભલે બોલે, એ ય સહન કરી લઈશું. દુઃખ પણ વેઠવું છે ને લોકોનાં કડવાં વચનો પણ સહન કરવાં છે. કારણ કે તિતિક્ષા એ અહિંસાપાલન માટેનો મુખ્ય ઉપાય છે. તિતિક્ષા એટલે પ્રત્યે સનમ્ – દીનતા વગર સહન કરવાની વૃત્તિ. માત્ર સહન કરવાની વૃત્તિ તે તિતિક્ષા નથી. દીનતા કે કાયરતા ધારણ કર્યા વગર સહન કરવું – એ જ તિતિક્ષા કહેવાય. દુઃખ ભોગવવાના અવસરે જેઓ કાયર બને છે, કાયરતાથી - દીનતાથી દુઃખ વેઠે છે તેઓના અશુભકર્મની વૃદ્ધિ થાય છે, શુભ કર્મનું અશુભમાં સંક્રમણ થાય છે અને શુભકર્મના રસની પણ હાનિ થાય છે. જ્યારે કોઈ પણ જાતની વ્યાકુળતા ધારણ કર્યા વિના જેઓ દુઃખને વેઠી લે છે તેઓ વહેલી તકે દુઃખની પરંપરાવાળા સંસારથી મુકાય છે. દુઃખનો પ્રતીકાર કરવાથી કે દીનતાપૂર્વક દુઃખ વેઠવાથી સંસાર વધે છે અને દીનતા વગર દુઃખ વેઠી લેવાથી સંસાર કપાય છે. શું કરવું છે? સહન નથી થતું એમ કહીને પ્રતીકાર કરવો છે કે સંસાર પૂરો કરવા સહનશીલતા કેળવી લેવી છે ? આપણા ભગવાને પરિષહ-ઉપસર્ગો કેવી રીતે સહન કર્યા ? મેં માના પેટમાં પણ પાપ નથી કર્યું, કોઈને દુઃખ નથી આપ્યું – એમ ન કહ્યું ને? ભગવાનને કૂવામાં ઉતાર્યા, માથે ઘણના ઘા પડ્યા, કાળચક્ર મુકાયું, માંસના લોચા કાઢ્યા છતાં ભગવાને દીનતા ન કરી, પ્રતીકાર ન કર્યો કે બચાવ પણ ન કર્યો તો ભગવાન સર્વ દુઃખોથી મુકાઈ ગયા. દુઃખ ન આપવું એ જેમ ભગવાનની આજ્ઞા છે તેમ કોઈએ પણ આપેલું દુઃખ વેઠી લેવું એ પણ ભગવાનની આજ્ઞા છે. પણ એ આપણને ગમતી નથી, કારણ કે આપણે આપણી જાતને નિર્દોષ માનીએ છીએ. કોઈ પણ ધર્મ કરતી વખતે દુઃખ પડે, કષ્ટ અનુભવાય તો આનંદ થાય કે માથું ફરી જાય ? તપ કર્યો હોય ને રોગ આવે તો ? કોઈ અપમાન કરે તો ? “એક તો ભૂખનું દુઃખ અને એમાં આ પીડાનું દુઃખ...” એમ થાય ને ? કે જેટલું દુઃખ આવતું હોય તેટલું ભલે આવતું, બધું એકીસાથે પૂરું કરી લેવું છે – એવું થાય ?
સ. તપમાં ઉગ્રતા કેમ આવી જાય છે? તપના કારણે નથી આવતી, દુઃખ અસહ્ય લાગવાના કારણે આવે છે.
(૨૯)