________________
એવું વિચારે તો તેની આસક્તિથી દૂર થઈ શકાય ને? આવા સરળ ઉપાય પણ અજમાવવાનું બનતું નથી. તેનું કારણ એક જ છે કે આપણું મન જ વિચિત્ર છે. આજે નક્કી કરવું છે કે – જેની ઈચ્છા જાગે તેને મેળવવાના ઉપાય શોધવા નથી જવું? એક વખત ઈષ્ટ વસ્તુ કે વ્યક્તિનો વિચાર આવ્યા પછી એનાથી કઈ રીતે ખસી જવાય એના માટે પ્રયત્ન કરવાના બદલે એ કઈ રીતે પ્રાપ્ત થાય એના માટે પ્રયત્ન કર્યા કરે – એવાઓ રાગાદિથી દૂર કઈ રીતે થઈ શકે? જેને શાસ્ત્રનો ભેટો કરવાનું મન ન થાય, શાસ્ત્રમાં બતાવેલા ઉપાયો સેવવાનું મન ન થાય તેઓને તીર્થંકરભગવન્તોનો ભેટો પણ ફળે નહિ.
સ. ભાવતીર્થંકરનો ભેટો સ્થાપનાતીર્થંકરના કરતાં મહત્ત્વનો નહિ?
ઘણી વાર ભાવજિનથી ઠેકાણું ન પડે અને સ્થાપનાજિનથી નિસ્તાર થઈ જાય એવું બને. ભાવજિનથી જેટલા આત્માઓ તરે તેના કરતાં અનગુણા આત્માઓ સ્થાપનાજિનથી તરે છે.
સ. આલંબનની કિંમત નહિ ?
ભાવજિન આલંબન તો સ્થાપનાજિન આલંબન નહિ ? આલંબનના કારણે યોગ્યતા પ્રગટતી નથી. યોગ્યતા પ્રગટેલી હોય તો આલંબન કામ લાગે છે. એ યોગ્યતા કર્મલઘુતાથી અને આત્માના શુદ્ધિકરણથી વિકસે છે. આલંબનને ઝીલવાનો ભાવ હોય તો આલંબનની કિંમત. અર્જુનને ભાવનિક્ષેપાથી કળા સિદ્ધ થઈ અને એકલવ્ય સ્થાપના નિક્ષેપથી કળા આત્મસાત્ કરી. નિક્ષેપોં કામ નથી લાગતો, એનું આલંબન લેવાનો ભાવ કામ લાગે છે. તીર્થકર ભગવન્તની આજ્ઞા પાળવાનો ભાવ હશે તો દુનિયાના ગમે તે ખૂણામાં બેઠાં બેઠાં પણ તરી શકાશે. અને આજ્ઞાપાલનનો ભાવ જો નહિ હોય તો સમવસરણમાં પણ તરવાનું નહિ બને. પર વસ્તુના આલંબન કરતાં પણ આપણા આત્માની ભાવશુદ્ધિનું આલંબન મહત્ત્વનું છે. આશ્રવ પણ સંવર બનીને તારે તે આત્માનું આલંબન મજબૂત હોવાના કારણે અને સંવર પણ આશ્રવ બનીને ડુબાડે તે આપણા આત્માના આલંબનની નબળાઈના કારણે. આ અધ્યયનમાં જે ઉપાય બતાવ્યા છે તે આપણા ભાવની શુદ્ધિના ઉપાય બતાવ્યા છે. ગમે તેટલી સારી વસ્તુ પણ જો પારકાની હોય તો તેના પર રાગ નથી થતો, મોટે ભાગે તેમાં ઉદાસીનતા હોય છે. મારું નથી' આ ભાવના મમત્વને તોડે છે- આ ઉપાય વ્યવહાર પણ છે. નાના છોકરાઓ કોઈ વસ્તુ માટે જીદ કરે તો આપણે તેને એમ જ સમજાવીએ
(૧૦૦)