________________
ઓશોના મતે ધ્યાન તમારા સ્વરૂપની તમને પ્રતીતિ કરાવનાર છે. ધ્યાનમાં કંઈ નિર્માણ કરવાનું નથી પણ તમે વાસ્તવિકતામાં જે છો તેની જ પ્રતીતિ કરાવવાની છે. આ માટે જુદી જુદી વિધિઓનું આયોજન થયેલ છે. પણ ધ્યાન એ કોઈ વિધિ નથી. ધ્યાન એ કેવળ જાગરૂકતા છે. સ્વયં પ્રતિનો હોશ. ધ્યાનમાં ઊતરવા માટે વિધિ સહાયક બની શકે પણ તે અનિવાર્ય નથી. ધ્યાન જેમ જેમ સિદ્ધ થતું જાય છે તેમ તેમ વિધિ છૂટતી જાય છે અને સાક્ષીભાવ તમારા માટે સહજ બનતો જાય છે. ત્યાર પછી તમારે કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. તમે તમારામાં અવસ્થિત થઈ જાવ છો પછી તમને ગાઢ વિશ્રામની અનુભૂતિ વર્તાય છે. જ્યાં કોઈ અનુભવ બચતો નથી ત્યાં તમારી ઊર્જ તમારામાં સ્થિતિ કરી લે છે. ત્યાં તમે તમારા ચૈતન્ય સાથે હો છો - નિતાંત એકલા અને આનંદમય. બસ, આ જ તમારી ભગવત્તા છે. તેનાથી વધારે કોઈ સત્ય નથી. - ઓશોએ ધ્યાન માટે કેટલીક બાબતોને અનિવાર્ય ગણાવી છે. એમાં એક છે વિશ્રામપૂર્ણ અવસ્થા, બીજી બાબત છે સાક્ષીત્વ અને ત્રીજી છે નિર્વિવેચનાપૂર્ણ દૃષ્ટિકોણ ધ્યાનનો આખો માર્ગ ચાતર્યા પછી પણ ઓશો કહે છે સત્ય ઉપર આક્રમણ ન થઈ શકે. તે તો સમર્પણથી જ : ઉપલબ્ધ થાય. ધ્યાન એટલે એક ગહન મૌનમાં પ્રવેશ. ત્યાં તમે કેવળ હો
છો. તે તમારી મંજિલ છે - મંદિર છે. તે જ સત્ય છે, શિવ છે અને સુંદર છે. આ વાત વિચારવા જેવી છે. - ઓશો કેટલીક વખત હોશને જ ધ્યાન કહે છે. એટલે કે જો તમે હોશમાં હો તો ધ્યાનમાં જ છો. આ કથનનો શાબ્દિક અર્થ એ થાય કે જે કંઈ ઘટિત થઈ રહ્યું હોય તે પ્રતિ તમે જાગરૂક હો તો તે ધ્યાન જ છે. જો વાત આટલી હોય તો તે બરોબર લાગતી નથી. ઘટના પ્રતિ હોશ હોય પણ દ્રષ્ટાનું તેની સાથે તાદાભ્ય રહેતું હોય તો તેને ધ્યાન કેમ કહેવાય? કેવળ દ્રષ્ટાભાવ વિના ધ્યાન ઘટિત ન થાય. વળી તેમાંય વ્યવહારની દષ્ટિથી એ સુધારો કરવો પડે કે હોશ એવો હોવો જોઈએ ક્યાંયથી દુર્ભાવ તમારામાં પ્રવેશી ન જાય. દુર્ભાવોને પ્રવેશતા તમે જોઈ રહો અને તેને રોકો નહીં તો તે ધ્યાન ઉપદ્રવ કરનારું નીવડે. આ રીતે વિચાર કરતાં ઓશોના ઉપરોકત કથનને શાબ્દિક અર્થમાં ન લેતાં તાત્વિક અર્થમાં લેવું જોઈએ એવું મને લાગે છે. ધ્યાનવિચાર '