________________
જેવો વિશાળ છે. તેનાં ઊંડાણ ઘણાં છે. આખો સાગર તરવાનું મારું ગજું નથી. તેથી હું તેમાં ડૂબકી મારીને થોડાંક રત્નો વીણી લાવ્યો અને જૈન તેમજ અજૈન સૌના લાભ માટે મેં રજૂ કર્યા છે.
આ પુસ્તક લખવા માટે મેં પૂર્વાચાર્યોના સાહિત્યનો આધાર લીધો છે અને જરૂર લાગી ત્યાં વિદ્યમાન આચાર્ય ભગવંતો સાથે ચર્ચા વિચારણા કરી છે. છતાંય મારી રજૂઆતમાં કંઈ ક્ષતિ હોય તો તે માટે ગીતાર્થ મુનિઓ મને માફ કરે અને વાચકો મૂળ સિદ્ધાંતને જ આધારભૂત ગણી આરાધનામાં આગળ વધે.
હું જન્મજાત જૈન નહીં અને સ્વભાવથી જિજ્ઞાસુ તેથી ધર્મની કોઈ વાત મેં ઓઘ સંજ્ઞાથી લીધી નથી. તેની તત્ત્વવિષયક વાતો ઉપર મેં પૂર્ણતયા વિચાર કર્યો. તે મને ગમી ગઈ. વળી મને એમ પણ લાગ્યું કે આવી તત્ત્વગંભીર વાતો સરળ રીતે રજૂ થઈ હોય તો ઘણા લોકોને તેનો લાભ મળે. તેથી મેં તેના ઉપર લખ્યું. સાથે સાથે મારા મનમાં એવો પણ થોડોક ભાવ રહેલો કે આ ભવમાં મારા આત્મા ઉપર ધર્મના સંસ્કાર પડી જાય તો તે ભવાંતરમાં મારી સાથે આવે.
જૈન ધર્મના જ્ઞાન-દર્શન અને ચારિત્રના માર્ગનો પરિચય કરાવવામાં જે ધર્માત્માઓની મને પરોક્ષ અને પ્રત્યક્ષ સહાય મળી છે તે સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
સુહાસ ૬૪, જૈનનગર , અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : ૨૬૬૨૦૬૧૦
- ચંદ્રહાસ ત્રિવેદી તા. ૨-૦૯-૨૦૦૮