________________
પ્રાસ્તાવિક
‘જગત આખું વિધ વિધ ધર્મોમાં વહેંચાયેલું છે. સૌને એમ જ લાગે છે કે અમારો ધર્મ જ શ્રેષ્ઠ, અમારો ધર્મ સ્વયં ભગવાને કહેલો, સત્ય અમારા એકલાની પાસે છે. આ વાતમાં તથ્ય કેટલું અને ક્યાં તેના વિવાદમાં આપણે નથી પડવું. સૌને પોતપોતાનો ધર્મ ગમે એ સ્વાભાવિક છે. જો માણસ ધર્મ પાળતો હશે તો કોઈ કાળે તેને અવશ્ય સાચો ધર્મ સમજાયા વિના નહીં રહે પરંતુ જે ધર્મમાં માનતો નથી તેની તો વાત જ અલગ છે.
આમ જોઈએ તો ધર્મનું લક્ષ્ય શું? તેનો સૌથી સરળ અને સચોટ ઉત્તર આપવો હોય તો એમ કહી શકાય કે ચિત્તની પ્રસન્નતા. ધર્મ વિના પ્રસન્નતા સંભવતી નથી અને આત્માની શુદ્ધિ વિના ચિત્ત ક્યારેય પ્રસન્ન રહી શકતું નથી. તેથી સર્વ ધર્મોએ આત્માની શુદ્ધિની કે આત્માની નિર્મળતાની વાત એક કે બીજે પ્રકારે કહી છે. આ આત્માની શુદ્ધિની વાતમાં નીતિની અને વ્યવહારની સર્વ વાતો સમાઈ જાય છે.
ધર્મની વાત આવે એટલે વિચારશીલ વ્યક્તિના મનમાં પ્રથમ એ પ્રશ્ન થાય કે ધર્મ શું છે અને તે કેવી રીતે સિદ્ધ થાય? ધર્મની વાત કરતાં કેટલાક પ્રજ્ઞાપુરુષોએ વિચારને અર્થાત્ જ્ઞાનને પ્રાધાન્ય આપ્યું, તો કેટલાકે ક્રિયાને અર્થાત્ આચારને મહત્વ આપ્યું. જ્ઞાનની વાત કરનારાઓએ કહ્યું કે વસ્તુ સ્થિતિનું યથા-તથા જ્ઞાન થતાંની સાથે જ યુગોનાં અંધારાં વિખરાઈ જાય અને આત્મા પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લે. જે લોકો ભકિતમાં જઈ પહોંચ્યા તેમનું લક્ષ્ય પરમાત્માને