________________
મુખ્ય પદાર્થોનું સંક્ષિપ્ત દિગ્દર્શન વળી, અંતે સંયમીને સંયમ ગ્રહણ કર્યા પછી મુખ્ય રીતે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ, એ વાત ગાથા-૧૮૦માં બતાવેલ છે. તેનાથી એ ફલિત થાય છે કે સંયમ ગ્રહણ કર્યા પછી ઉચિત ક્રિયાના અવસરે ઉચિત ક્રિયાઓ કરવી જેમ આવશ્યક છે, તેમ જ્યારે જ્યારે અવસર પ્રાપ્ત થાય ત્યારે ત્યારે પરમઉપેક્ષા જીવમાં પેદા થાય તેવો માનસયત્ન કરવો જોઇએ, કે જેથી મોક્ષને અનુકૂળ એવી પરમઉપેક્ષા પ્રાપ્ત કરીને જીવ શીઘ્ર આ સંસારથી પારને પામે.
८
અહીં કોઇને પ્રશ્ન થાય કે, જો મોક્ષનું અનન્ય કારણ પરમઉપેક્ષા જ હોય, તો સાધુએ પરમ ઉપેક્ષાના કારણભૂત ધ્યાનમાત્રમાં જ વ્યાપાર કરવો જોઇએ, ધર્મોપદેશાદિમાં નહિ. તેથી ગાથા-૧૮૧માં બતાવેલ છે કે, જેઓ અગીતાર્થ છે તેમણે તો બીજાને ઉપદેશ આપવામાં યત્ન કરવાનો નથી, પરંતુ જેઓ ગીતાર્થ છે, વળી સૂત્રની આશાતનાના ભીરુ છે અને પોતે પરમઉપેક્ષાથી અત્યંત ભાવિત મતિવાળા હોવાને કારણે તરેલા છે, તેવા કરુણાએકરસિક સાધુ બીજાને ઉપદેશ આપે તે ન્યાય્ય છે. જ્યારે બીજા સાધુએ તો મૌન લઇને આત્માને નિષ્પન્ન કરવા માટે યત્ન કરવો જોઇએ, એ પ્રકારનો ઉપદેશ ગાથા-૧૮૧માં આપેલ છે.
અહીં પ્રશ્ન થાય કે, તો પછી આત્માને નિષ્પન્ન કરવા માટે સર્વ અન્ય વ્યાપાર છોડીને ધ્યાનમાં યત્ન ક૨વો જોઇએ, અને તે માટે ધ્યાનને અનુકૂળ એવું એકાકીપણું જ શ્રેયઃકારી છે; કેમ કે ગચ્છમાં પરસ્પર સ્નેહના પ્રતિબંધો થવાનો સંભવ રહે છે, તેથી ગાથા-૧૮૨માં ગચ્છમાં પણ રહીને સાધુ ભાવથી એકાકી કઇ રીતે રહી શકે છે, અને ગીતાર્થ સિવાય અગીતાર્થને તો દ્રવ્યથી એકાકી રહેવાનો એકાંતે નિષેધ છે, અને ગીતાર્થને પણ કા૨ણવિશેષને છોડીને એકાકી રહેવાનો નિષેધ છે, તે વાત યુક્તિથી ગાથા-૧૮૨માં બતાવેલ છે.
વળી, અંતે અધ્યાત્મઉપનિષદ્ના સારરૂપે ગાથા-૧૮૩માં બતાવ્યું કે, “વધારે કહેવાથી શું ? જે રીતે રાગ-દ્વેષ નાશ પામે એ પ્રમાણે આરાધનામાં પ્રયત્ન કરવો જોઇએ, એ જ ભગવાનની પરમઆજ્ઞા છે.'
વળી, ગ્રંથની સમાપ્તિ કરતાં ગાથા-૧૮૪માં બતાવેલ છે કે, અનાભોગથી પ્રસ્તુત ગ્રંથમાં કોઇ સ્ખલના થયેલી હોય તો તેને ગીતાર્થો શોધન કરો, બાકી પ્રસ્તુત ગ્રંથ અનેક સુયુક્તિઓથી ભરપૂર છે.
આ વિવરણ કરવામાં છદ્મસ્થતાને કારણે અનાભોગથી ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ કાંઇપણ લખાયું હોય તે બદલ મિચ્છા મિ દુક્કડં.....
વિ. સં. ૨૦૫૭, ભાદરવા સુદ - ૧૧.
બુધવાર, તા. ૨૯-૮-૨૦૦૧. ૩૦૨, વિમલ વિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી. અમદાવાદ - ૭.
પ્રવીણચંદ્ર ખીમજી મોતા.