________________
સાધના માટે શરીર ગમે તેટલું સહાયક બનતું હોય તો પણ તેનું લાલન-પાલન કરવાની આવશ્યકતા નથી. કારણ કે એના લાલનપાલન માટે કરાતો આરંભ અનંતદુઃખને કરનારો છે. શરીરની સ્થિતિ માટે નિર્દોષ આહારાદિને શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ ગ્રહણ કરવો અને આપણી ઈચ્છા મુજબ શરીરને અનુકૂળ પડે એ રીતે આહારાદિને ગ્રહણ કરવા-એ બેમાં ઘણું અંતર છે. શરૂઆતમાં આપણને એમ જ લાગે છે કે આપણે શરીરની સ્થિતિ માટે જ આહારાદિ લઈએ છીએ. આપણને કાંઈ મમત્વ નથી. પરંતુ ખરી હકીક્ત જુદી જ હોય છે. આવા વખતે કંડરીક મુનિના જીવનવૃત્તાંતને યાદ રાખવો જોઈએ. એક હજાર વર્ષના પર્યાયના અંતે પણ આવું દુષ્પરિણામ આવતું હોય તો ખરેખર જ અખતરા કરવા જેવા નથી. '
કેટલા વૈરાગ્યથી તેઓએ દીક્ષા અંગીકાર કરી હતી. પોતાના ભાઈ રાજાના આગ્રહથી દવા કરવાની શરૂઆત કરી. રોગ ગયો, પણ શરીરનો અને એને અનુકૂળ વિષયોનો રાગ ન ગયો, ઉપરથી વધ્યો; અંતે પરિણામ ખરાબ આવ્યું. એક હજાર વર્ષના અંતે દીક્ષા છોડી. એક જ દિવસમાં આહારાદિના અતિરેકથી વિસૂચિકાના કારણે મરણ થયું અને સાતમી નરકે ગયા. શ્લોકમાં જણાવ્યા મુજબ ખરેખર જ શરીરનું પાલન સર્પના લાલન જેવું જ છે. ખૂબ જ મજબૂત બની શરીર પ્રત્યે સહેજ પણ કૂણી લાગણી દર્શાવ્યા વિના શરીરની સાથે યુદ્ધ અવિરતપણે ચલાવવું જ રહ્યું. અન્યથા શરીર અને કર્મથી કોઈ પણ રીતે મુક્ત નહિ થવાય. ૨૮-૧૮