________________
મર્યાદા પાછળ પણ એ ઉદ્દેશ હતો, જેથી એક સ્થાને વધારે રહેવાથી સ્થાનાદિની પ્રત્યે મમત્વ ન બંધાય આજે તદ્દન જ વિપરીત સ્થિતિ છે. મમત્વના કારણે જ મોટા ભાગે વિહારાદિની પ્રવૃત્તિ થતી હોય છે. મમત્વને દૂર કરવા માટેના આચારો જ
જ્યાં મમત્વને લઈને થતા હોય ત્યાં ઉપશમભાવની આશા રાખવાનો કોઈ અર્થ નથી. - દીક્ષા લેતાં પૂર્વે આત્માને છોડીને અન્ય સકલ સંયોગોનો ત્યાગ કરવાનો હોવાથી માતાપિતા વગેરે સ્વજનો અને બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરાય છે. પરંતુ એવી જાતનો સર્વોત્કૃષ્ટ ત્યાગ કરનારા આત્માઓથી પણ આત્માથી અતિરિફત એવા શરીરનો ત્યાગ કરી શકાતો નથી. જ્યાં સુધી શરીર સંયમની સાધનામાં બરાબર સહાયભૂત થાય છે ત્યાં સુધી તેનો ત્યાગ કરવાનું વિહિત પણ નથી. અનાદિ કાળથી શરીરનો અને આત્માનો સંયોગ છે. શરીરની સહાયથી આત્માને અશરીરી થવાનું છે. શરીરની સહાય અશરીરી બનવા માટે લેવાની છે. બીજા શરીરના સંયોગ માટે નહીં. આયુષ્યકર્મનો જ્યાં સુધી યોગ છે; ત્યાં સુધી શરીર છૂટવાનું નથી. તેથી દીક્ષા લેતાં પૂર્વે આત્માને છોડીને અન્ય સઘળા ય સંયોગોનો ત્યાગ કર્યા પછી પણ શરીરના સંયોગનો ત્યાગ કરી શકાતો નથી. અશરીરી બનવાની ભાવના હોવા છતાં શરીરની સાથે જ દીક્ષા ગ્રહણ કરવાની છે. આવી અવસ્થામાં શરીરનો સંયોગ અશરીરી બનવામાં બાધક ન બને અને સહાયક બને-એ માટે શ્લોકમાં છેલ્લા બે પાદથી ઉપાય દર્શાવ્યો છે.