________________
ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી
૭૭૯
આયુષ્ય વિનાં સાતે કર્મમાં ગુણસંક્રમ વિના સ્થિતિઘાતાદિ ચાર પદાર્થો પ્રવર્તે છે. અને ક્ષયોપશમ સમ્યક્તી ઉપશમ સમ્યક્ત પામે ત્યારે સાતે કર્મમાં સ્થિતિઘાતાદિ ચાર અને મિથ્યાત્વ તથા મિશ્રમાં ગુણસંક્રમ સહિત પાંચે પદાર્થો પ્રવર્તે છે.
પ્રશ્ન–૧૮. એક સ્થિતિઘાત તથા એક સ્થિતિબંધનો કાળ કેટલો?
ઉત્તર–સ્થિતિઘાત તથા સ્થિતિબંધનો કાળ સમાન અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પરંતુ તે અંતર્મુહૂર્ત આવલિકાના ઘણા નાના સંખ્યામાં ભાગ જેટલું જ સમજવું. કારણ કે અંતર્મુહૂર્ત પ્રમાણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં સેંકડો વાર ઘણા હજારો સ્થિતિઘાતો અને સ્થિતિબંધો થાય છે.
પ્રશ્ન–૧૯. આવલિકાના સંખ્યાતમાભાગ પ્રમાણ અંતર્મુહૂર્વકાળમાં જે એક સ્થિતિઘાત થાય છે તેનું પ્રમાણ કેટલું?
ઉત્તર–ઉત્કૃષ્ટથી ઘણા સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિઓ અંતર્મુહૂર્તમાં નષ્ટ થાય છે. તેમાં દરેક સમયે થોડી થોડી સ્થિતિનો ઘાત થતો નથી. પરંતુ ઉપરોક્ત પ્રમાણવાળાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોમાંથી દરેક સમયે થોડાં થોડાં દલિકોનો નાશ કરતાં અંતર્મુહૂર્ત પ્રમાણકાળમાં તે સંપૂર્ણ દલિકોનો નાશ કરી અર્થાત અન્યત્ર-સ્વ અથવા પરેમાં ગોઠવી એકીસાથે તેટલી સ્થિતિનો ઘાત કરે છે.
જો કે કેટલાક સ્થળે ટીકામાં જઘન્યથી એક સ્થિતિસ્થાનનું પ્રમાણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું બતાવેલ છે. પરંતુ તે અશુદ્ધ હોય તેમ લાગે છે. કારણ કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ એક-એક સ્થિતિઘાત કરે તો અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં એકએકમાં અસંખ્યાતા સ્થિતિઘાતો કરવા પડે, પરંતુ અસંખ્યાત સ્થિતિઘાતો કરવાનું ક્યાંય બતાવેલ નથી. વળી અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલી સ્થિતિસત્તા હોય છે તેના કરતાં તે જ અપૂર્વકરણના ચરમ સમયે સંખ્યાતગુણ હીન સ્થિતિસત્તા બતાવવામાં આવેલ છે તે પણ ઘટી શકે નહિ. કેમકે અસંખ્યાતા સ્થિતિઘાતો કરે ત્યારે એક પલ્યોપમ જેટલી સ્થિતિ ઘટે તો હજારો સ્થિતિઘાત કરવાથી સંખ્યાતગુણહીન સ્થિતિ કેમ થાય ? તેમજ કર્મપ્રકૃતિ ઉપશમના કરણ મૂળગાથા ૧૪ તથા તેની બન્ને ટીકામાં અને ચૂર્ણીમાં તેમજ આ ગ્રંથમાં પણ ઉપશમના કરણ ગાથા ૧૨ની ટીકામાં અપૂર્વકરણમાં હજારો સ્થિતિઘાતો થાય એમ બતાવેલ છે. પરંતુ અસંખ્યાતા સ્થિતિઘાતો થાય એમ ક્યાંય બતાવેલ નથી.
સ્થિતિઘાતની જેમ પૂર્વ-પૂર્વની સ્થિતિબંધ પૂર્ણ થયે છતે નવો નવો સ્થિતિબંધ પણ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ઓછો ઓછો થાય છે અને સ્થિતિબંધો પણ ઘણી વખત ઘણા હજારો થાય છે, કારણ કે બન્નેનો કાળ સમાન છે અને યુક્તિ પણ તે જ છે.
પ્રશ્ન-૨૦. એક સ્થિતિઘાતમાં જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિનો જ ઘાત કરે કે તેથી ઓછો પણ કરે ?
પંચરં-૯૯